Abtak Media Google News

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઇને 9 જેટલી નવી બસો ફાળવવામાં આવી 

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઇને 9 જેટલી નવી બસો ફાળવવામાં આવી. ત્યારે આ નવી બસો અમદાવાદ-દાહોદ સહિતા રૂટો પર દોડાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યુ હતું. બીજી તરફ આ બસ સ્ટેશનમાંથી મુસાફરી કરતા મુસાફરોને નવી બસોનો લાભ મળતા આનંદ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી વિભાગ દ્વારા અંદાજે 160 જેટલી બસો દોડાવીને ચાર ડેપોનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. તેમ છતા કેટલાક ડેપોમાં બસની ઘટ તેમજ ખખડધજ બસોના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત લાંબા રૂટમાં મુસાફરી કરતા મુસાફરોને તો એક્સપ્રેસના ભાડા ચૂકવીને જાણે લોકલ બસોમાં મુસાફરી કરતા હોય તેવો ઘાટ સર્જાય છે.

કેટલીક બસો તો ચાલુ મુસાફરીએ અટકી પડતા મુસાફરોને પણ રઝપાટ કરવાનો વારો આવે છે. આવી અનેક પ્રકારની બાબતોની ગંભીરતાથી લઇને એસટી તંત્રે નવી એસટી બસો ફાળવવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર એસટી ડેપોના ભાગે પણ નવો બસો આવી હતી. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપોના મેનેજર સંજય ડી.પરમારે જણાવ્યુ કે, આ બસ સ્ટેશનમાં હાલમાં કુલ 9 બસો નવી ફાળવવામાં આવી છે. આ નવી બસો અમદાવાદ-દાહોદ, સુરેન્દ્રનગર-મોરબી સહિતના રૂટો પર દોડાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.