• ચાર રાઉન્ડ ફાયરિંગના અહેવાલ : 12 લોકો ગંભીર રીતે ઘવાયા

Gujarat News

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના લીમલી ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણની ઘટના સામે આવી છે. અથડામણમાં હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કરાયાના પણ અહેવાલ પ્રાપ્ત થયાં છે. જૂથ અથડામણની ઘટનામાં 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી હોય તેવી ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. ખાસ કરીને સામાન્ય બાબતે ઝઘડા અને જૂથ અથડામણ થતી હોય તેવા પ્રકારના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ત્યારે મુળી તાલુકાના લીમલી ગામે આ પ્રકારની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ લીમલી ગામે મોડી રાત્રે જનરલ સ્ટોર ઉપર સામાન્ય બાબતે બોલાચાલી બાદ અલગ અલગ બે જ્ઞાતિના લોકો સામ સામે આવી ગયા હતા અને શસ્ત્ર વડે ધીંગાણું ખેલવામાં આવ્યું હતું. આ ધીંગાણામાં 12થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતા.

લીમલી ગામે અમદાભાઈ વાટુકિયા નામના આધેડ જનરલ સ્ટોર ઉપર બેઠા હતા તે દરમિયાન ત્યાં આવનાર કિરીટસિંહ તથા અન્ય લોકો સાથે સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પહેલા સામસામે સામાન્ય ઝપાઝપી અને મારામારી થયાં બાદ ગણતરીની કલાકોમાં આ ડખ્ખો જૂથ અથડામણમાં પરિવર્તિત થઇ ગયો હતો.

અથડામણમાં ધોકા પાઇપ ધાર્યા જેવા શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો હતો. સામસામે હુમલાના કારણે 12થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. એક જૂથના લોકોને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે અન્ય જૂથના ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પ્રકારની ઘટનાને લઇ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જૂથ અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ઇજાગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો છે. ધોકા-પાઇપ જેવા શસ્ત્ર વડે ધીંગાણું સર્જાયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યા છે. આ દિશામાં હવે મુળી પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે હાલની પરિસ્થિતિ મુજબ પોલીસને આ કોઈ પણ પ્રકારના ફાયરિંગ કર્યા હોવાના પુરાવા નથી મળ્યા પરંતુ આક્ષેપો બાદ તપાસ ચાલુ છે. અથડામણમાં એક યુવકની હાલત ગંભીર થતાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

લીમલી ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

ઘટનાને લઇ લીમલી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગામમાં બંદોબસ્ત ગોઠવી દઈ શાંતિ જાળવવા પોલીસ વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને હવે આ જૂથ અથડામણ બાદ અન્ય કોઈ ઘટના ન બને તેના માટે બંદોબસ્ત ગોઠવી રાયોટ સહીતની કલમો હેઠળ સામ સામે બંને જૂથના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જૂથ અથડામણની ઘટનામાં જૂની અદાવત જવાબદાર?!!

લીમલી ગામે બનેલી જૂથ અથડામણની ઘટનામાં અન્ય કારણો જવાબદાર હોય તેવા અહેવાલ મળ્યા છે. ખાસ કરીને જૂની અદાવતમાં પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સરપંચની ચૂંટણીનું મનદુઃખ રાખી આ કૃત્યને અંજામ આપવામાં આવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. અન્ય એક બાબત એવી પણ સામે આવી છે કે, અન્ય વ્યક્તિ એક વ્યક્તિ સાથે અંગત બાબતે ડખ્ખો ચાલતો હોય તે વ્યક્તિનો સાથ તમે કેમ આપો છો? તેવી બાબતે ડખ્ખો શરૂ થયો હતો. જો કે, આ તમામ બાબતો હાલ તો લોકમુખે ચર્ચાતી વાત જ છે. હવે આ દિશામાં સાચી વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

પખવાડિયા પૂર્વે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે પણ નજીવી બાબતે બે જૂથ આવ્યા હતા સામ-સામે

ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે આશરે 15 દિવસ પૂર્વે સાવ નજીવી બાબતે ભરવાડ અને કોળી સમાજમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં આશરે 25 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ઝાડ કાપવા બાબતનો ડખ્ખો જૂથ અથડામણમાં પરિવર્તિત થયો હતો. જેમાં 7 જેટલાં લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જે બાદ ભારે તંગદિલી સર્જાતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. આ મામલામાં પોલીસે હત્યાની કોશિશ, રાયોટ સહીતની ગંભીર કલમો હેઠળ સામ-સામે 33 વિરુદ્ધ ગુન્હો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.