Abtak Media Google News

પંચાયત ઓફિસ સહિતના સ્થળોએ અચાનક પહોંચતા કર્મચારીઓમાં ફફડાટ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ લોધિકા તાલુકાના મેટોડા સહિતના 4 ગામમાં અચાનક જ જઈને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. તેઓ પંચાયત ઓફિસ પહોંચ્યા હતા અને તમામ ફાઈલો અને રેકોર્ડ માંગતા તલાટીઓને પરસેવો વળી ગયો હતો. આ ઉપરાંત  આરોગ્ય કેન્દ્રોમાં જતા ત્યાં સ્ટાફ હાજર ન રહેતા હોવાનુ જાણવા મળતા જે પણ ગેરહાજર હતા તેમને નોટિસ ફટકારવાના આદેશ અપાયા હતા.

Advertisement

આ બાબતે ડીડીઓ દેવ ચૌધરીનો સમ્પર્ક સાધતા તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે લોધીકાની ચારેય ગ્રામપંચાયતનું મેં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.રાજકોટમાં ઘણી જિલ્લા મથકની કચેરીઓમાં અવારનવાર સ્ટાફની પૂરતી હાજરી જોવા મળતી નથી તેથી ગ્રામ્ય વિસ્તારમાં તો કેવી સ્થિતિ હશે તેનો અંદાજ આવી જ જાય છે. ખેડૂતો અવારનવાર તલાટીઓ કચેરીએ આવતા ન હોવાથી દાખલા સહિતની કામગીરીમાં અટવાઈ જાય છે તેવી ફરીયાદ કરે છે. આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હોતો નથી તેથી દર્દીઓને સીધા રાજકોટ દોડી આવવુ પડે છે.

આ બધી ફરીયાદ આવતા જિલ્લા વિકાસ અધિકારી પોતે તપાસમાં નીકળતા કચેરી રેઢીપટ મળી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગેરહાજર રહેતા તલાટીઓ પાસેથી જવાબ મંગાવ્યો છે અને જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.