Abtak Media Google News

ફર્નિચર કંપનીના સંચાલકો સામે કોઇ કાર્યવાહી ન કરવા હાઇકોર્ટે કરેલા હુકમ બાદ ચાર્જશીટ કરતા કોર્ટ લાલઘુમ

રાજકોટમાં સામા કાંઠા વિસ્તારની ફર્નિચર કંપનીના સંચાલકો સામે નોંધાયેલ એફ.આઈ.આર. મુજબના એક આરોપી સામે કોઈ કાર્યવાહી નહિ કરવાનો  હાઇકોર્ટનો હુકમ હોવા છતાં રાજકોટ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે  કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી ક્રાઈમ બ્રાંચના અધિકારીને હાજર થવા હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત એવી છે કે, સામા કાંઠા વિસ્તારની શોપિક્સો ફર્નિચર કંપનીએ લોભામણી સ્કીમ આપી ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને ધંધો સંકેલી લઈ લાખોની છેતરપિંડી આચાર્યા અંગે ગ્રાહકો દ્વારા ગયા વર્ષે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનનાં આગમ પટવા તથા પ્રમોદ પટવા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાઇ હતી. જેની તપાસ  ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. દરમિયાન આરોપી પ્રમોદભાઈ નાનાલાલ પટવાએ પોતાના પર થયેલ ફરિયાદ રદ કરવા કરેલી ગુજરાત હાઇકોર્ટમાં અરજીમાં હાઈકોર્ટે આરોપી વિરૂધ્ધ પૂર્વ પરવાનગી વગર ચાર્જશીટ ફાઈલ ન કરવા આદેશ કર્યો હતો.

તેમછતા ક્રાઈમ બ્રાન્ચના તપાસ કરનાર અમલદારે રાજકોટની અદાલતમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરી દેતા આરોપી પ્રમોદ નાનાલાલ પટવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. જે ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી અર્થે આવતા આરોપી તરફે થયેલ દલીલો ધ્યાને લઈ પ્રથમ દર્શનીય રીતે રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાઈકોર્ટના હુકમની અમલવારી ન થયાનું માની તપાસ કરનારને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ કાઢી હાજર રહેવા હુકમ ફરમાવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, ધ્રુવ ટોળીયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.