રેલવેના ડબલિંગ પ્રોજેકટમાં સર્વેનું કામ પૂર્ણ, હવે 6 ગામો માટે સંપાદનનું અંતિમ જાહેરનામુ પ્રસિદ્ધ થશે

રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક કરવાની કામગીરીનો ધમધમાટ, સર્વેની વિગતો ઉપરી કક્ષાએ મોકલી દેવાય

રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેકટમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે થોડા દિવસોમાં 15માંથી 6 ગામો માટે સંપાદનનું અંતિમ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

1,080.58 કરોડના ખર્ચે રાજકોટ  કનાલુસ રેલવે લાઈન ડબલ ટ્રેક બનવાના માટેનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. જેમાં રેલવે લાઇનની ડબલ ટ્રેક કરવા માટેની કુલ લંબાઈ 111.20 કિમી છે. વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને સિસ્ટમ પર વધુ પરિવહન શરુ કરી શકાશે. રાજકોટથી કાનાલુસ સુધી પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે

પ્રધાનમંત્રી ગતિ શક્તિ સ્કીમમાં સમાવિસ્ટ રાજકોટ-કાનાલુસ રેલવેની બ્રોડગેજ સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં રૂપાંતરણ માટેના પ્રોજેક્ટ સંદર્ભે અગાઉ પડધરીના 11 ગામોની 92 એકર જેટલી જમીન સંપાદિત કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું.

આ પ્રોજેકટમાં રાજકોટ જિલ્લાના વિસ્તારો પૈકી ખંઢેરી, નારણકા, તરઘડીની 27 એકર તથા પડધરી, રામપર મોટા, વણપરીની 30 એકર જમીનનો સમાવેશ થાય છે. મોટી ચણોલ ગામની 21,000 ચો.મી.થી વધુ ખેત જમીન, 3700 ચો.મી. જેવી સરકારી, 38 ચો.મી. ગૌચર તથા અંદાજે 1000 ચો.મી. બિનખેતી જમીનનો સમાવેશ થાય છે.જ્યારે જોધપરમાં 4080 ચો.મી. સરકારી અને 7200 ચો.મી. જેટલી ખેત જમીન, નાની ચલોણમાં 27,296 સરકારી તથા મોવિયા ગામે 292 ચો.મી. ખેતીની જમીન કપાત થશે. સૌથી વધુ 79,408 ચો.મી. એટલે કે 19.62 એકર જમીન રેલવે ડબલિંગ માટે કપાતમાં જનાર છે, જેમાં કુલ 1572 ચો.મી.ના ત્રણ રસ્તા, 31500 ચો.મી જેવી સરકારી તથા 46,000 ચો.મી.થી વધુ ખાનગી ખેત જમીનોનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટમાં પ્રથમ રેલવે અને ડીઆઈએલઆર દ્વારા સંયુક્ત રીતે માપણી ચાલી રહી હતી. જે પૂર્ણ થતા હવે 15 પૈકી 6 ગામોની જમીનો માટે છેલ્લું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.

વર્ષ 2025 સુધી ચાલનારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1000 કરોડનો ખર્ચ થનાર છે. આ પ્રોજેકટને હાલ વેગ આપવામાં આવી રહ્યો છે. કારણ કે રેલવેના ડબલ ટ્રેક થવાથી પરિવહન ખૂબ સરળ થશે. ઉપરાંત રેલવે વિભાગને પણ ટ્રાફિક હેન્ડલ કરવું ખૂબ સરળ બનશે. વધુમાં ક્રોશીંગ માટે ટ્રેનોને ઉભી રાખવાની કડાકૂટમાંથી પણ છુટકારો મળશે.