Abtak Media Google News

પ્રથમ તબક્કામાં 600 એમસીએફટી પાણી ઠાલવાશે: સીએમનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટવાસીઓને ચોમાસાની સીઝન સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકારે કોર્પોરેશનને મોંઢે માંગ્યા નર્મદાના નીર ફાળવવાનું શરૂ કરી દીધું છે. પદાધિકારીઓએ 25મી જાન્યુઆરીથી નર્મદાના નીરની માંગણી કરી હતી. દરમિયાન સરકારે ચાર દિવસ અગાઉ એટલે કે 21મીથી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દીધું છે. કુલ 1080 એમસીએફટી નર્મદાનું પાણી માંગવામાં આવ્યું છે. જેની સામે પ્રથમ તબક્કામાં 600 એમસીએફટી પાણી લેવામાં આવશે ત્યારબાદ મે-જૂનમાં બાકીનું 480 એમસીએફટી પાણીનો ઉપાડ કરાશે. ન્યારી ડેમમાં પણ એપ્રિલ માસથી નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરાશે.

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં 20 મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક  આજી-1 ડેમ માટે સરકારમાં 1080 એમસીએફટી પાણી જાન્યુઆરી માસમાં ફાળવવા માંગણી કરાય હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા ગત શનિવારથી આજી-1 ડેમ ખાતે સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કર્યું છે. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.  આજી-1માં કુલ 29 ફૂટની સપાટી છે. જેમાં સૌની યોજનાનું પાણી આવ્યા પહેલા 376 એમસીએફટી પાણીનો જથ્થો હતો. જે ધ્યાનમાં રાખી સૌની યોજનાનું પાણીની માંગણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં આશરે 600 એમસીએફટીથી વધુ પાણી ફાળવશે. ત્યારબાદ મે-જુનમાં જરૂરીયાત મુજબ ફરીને જથ્થો આપવામાં આવશે.

સને 2017થી આજી-1ને નર્મદા સાથે જોડી અત્યાર સુધીમાં 27 વખત સૌની યોજનાનું પાણી આજી-1 ડેમમાં ઠાલવેલ છે. જ્યારે જયારે રાજકોટને પાણીની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી ફાળવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.