Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા: સાંજે અંતિમવિધિ

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને ભારતનાં પૂર્વ મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની વયે નિધન થયું છે. હાલ સુષ્મા સ્વરાજનાં પાર્થિવ દેહને તેમનાં નિવાસ સ્થાન પર અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યા છે અને બપોરનાં ૧૨ વાગ્યે પાર્ટી કાર્યાલય ખાતે તેમનાં અંતિમ દર્શન રાખવામાં આવશે.  હાર્ટએટેકના કારણે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. આ પહેલા સુષમા સ્વરાજની તબીયત લથડતાં રાતે ૧૦ કલાક ૨૦ મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં આવ્યાં હતાં. સુષમા સ્વરાજ ૬૭ વર્ષના હતાં અને ગત મોદી સરકારમાં તેઓ વિદેશમંત્રી (External Affairs Minister) તરીકે રહ્યાં હતાં. વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજ લોકોની સમસ્યાના ઉકેલ માટે ટ્વિટર પર પણ ખૂબ જ લોકપ્રિય હતાં. રાતે આશરે સવા બાર વાગ્યાની આસપાસ સુષમા સ્વરાજના પાર્થિવ દેહને એઈમ્સમાંથી તેમના ઘરે લઈ જવાયો હતો. આશરે સવા બાર વાગ્યાની આસપાસ સુષમા સ્વરાજના પાર્થિવ દેહને એઈમ્સમાંથી તેમના ઘરે લઈ જવાયો હતો. સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ આજે બપોરે ૧૨ કલાકે અંતિમ દર્શન માટે ભાજપની ઓફિસમાં લાવવામાં આવશે. આ પછી દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાનગૃહમાં ૩ કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ,નીતિન ગડકરી, હર્ષવર્ધન સહિત દરેક બીજેપીના વરિષ્ઠ નેતા AIIMSમાં હાજર છે. વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સોશિયલ મીડિયા પર ફરિયાદો સાંભળવા અને તેમના ત્વરીત ઉકેલ માટે પણ ખૂબ જ લોકપ્રિય રહેલા સુષમા સ્વરાજ પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહ્યાં હતાં. પોતાના અવસાનના થોડા કલાકો પહેલા જ તેમણે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની અંતિમ ટ્વીટમાં લખ્યું હતું કે,વડાપ્રધાનજી-તમને હાર્દિક અભિનંદન. હું મારા જીવનમાં આ જ દિવસને જોવાની રાહ જોઈ રહી હતી. સંયોગ તો જુઓ કે તેમની આ ટ્વીટના થોડા કલાકો પછી જ તેમના અવસાનના સમાચાર આવ્યાં હતાં. સુષમા સ્વરાજ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી હતાં. તેઓ અટલ બિહારી વાજપેઈ સરકારમાં પણ મંત્રી રહ્યાં હતાં. ૧૬મી લોકસભામાં તેઓ મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ ચૂંટાયા હતાં. મોદી સરકાર ૨.૦માં ખરાબ સ્વાસ્થ્યના કારણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. સુષમા સ્વરાજ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન પર શોક દર્શાવ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે,ભારતીય રાજનીતિનો એક ગૌરવશાળી અધ્યાય પૂરો થયો છે. એક એવા નેતા જેમણે જનસેવા અને ગરીબોનું જીવન સુધારવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી હતી. તેમના નિધન પર ભારત દુ:ખી છે. સુષમા સ્વરાજજી એક અલગ જ નેતા હતાં. તેઓ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.