Abtak Media Google News

રાજકોટમાં સ્પાનો વ્યવસાય કરતા ગરાસીયા યુવાનની છરીના 30 ઘા ઝીંકી હત્યા કરી લાશને કૂંવામાં ફેંકી દીધી 

ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતા અને રાજકોટમાં હનુમાન મઢી વિસ્તારમાં સ્પાનો વ્યવસાય કરતા ગરાસીયા યુવાનની ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી કૂંવામાંથી લાશ મળી આવ્યા બાદ છરીના 30 જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. મૃતકે ત્રણેક માસ પહેલાં પોલીસને આપેલી બાતમીના કારણે હત્યા થયાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા ઉમવાડા ગામના વતની અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 21 વર્ષના ગરાસીયા યુવાનની રાજકોટ-ગોંડલ હાઇવે પર આઇટીઆઇ ઓવરબ્રીજથી ઉમવાડા ચોકડી તરફ કૂંવામાંથી લાશ મળી આવી હતી. અજયસિંહ જાડેજાના શરીરે દોરડાથી પથ્થર બાંધ્યો હતો અને શરીરે તિક્ષ્ણ હથિયારના 30 જેટલા ઘા માર્યાનું જણાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

અજયસિંહ જાડેજા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ પોતાના બહેન હીનાબા સાથે છ માસથી રાજકોટના પંચાયત ચોકમાં જસવંતભાઇ વાઘેલાના મકાનમાં ભાડે રહે છે અને તેઓ નિર્મલા મેઇન રોડ પર ડો. સંદિપ પાલાની હોસ્પિટલના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ધ વાઇન નામે સ્પા ચલાવતા હતા. અજયસિંહ ગત તા.24મી રાજકોટથી ગોંડલ માતાને મળવા માટે આવ્યા બાદ રાત્રે સચીન ધડુકનો ફોન આવતા તેને મળવા માટે ગયા બાદ પરત આવ્યા ન હોવાથી પોલીસમાં અજયસિંહ જાડેજા ગુમ થયા અંગેની નોંધ કરાવી હતી.

પોલીસ દ્વારા અજયસિંહ જાડેજાની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ઉમવાડા ચોકડી પાસે કૂંવામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે અજયસિંહ જાડેજા જેવું વર્ણન જણાતા હીનાબા અને તેમના કાકા અભયસંગ ઉર્ફે અભયસિંહ દાનુભા જાડેજાને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે પહોચી મૃતદેહ અજયસિંહ જાડેજાનો હોવાનું ઓળખી બતાવી હતી. લાશ પથ્થરથી બાંધેલી અને છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાનો ગુનો નોંધી તપાસ કરી છે.

ગોંડલ પાસે ત્રણેક માસ પહેલાં બસ પર થયેલા પથ્થરમારાના ગુનામાં સૈનિક સોસાયટીમાં રહેતા જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, આશાપુરા ચોકડી પાસે પ્રમુખનગરના મહિપાલભાઇ રણજીતભાઇ વાળા, નાગલકા રોડ પર તિરૂમાલા રેસીડેન્સીના વિવેક ઉર્ફે ટકો મહેન્દ્ર બારડ, પંચવટી સોસાયટીના દિવ્યરાજસિંહ અજયસિંહ ચુડાસમા અને સૈનિકસોસાયટીના ઉદયરાજસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ સંડોવાયા હોવાની પોલીસને બાતમી આપી હતી ત્યારથી તેઓ અવાર નવાર મોબાઇલમાં વાત કરી ખૂનની ધમકી દેતા હોવાથી તેઓએ હત્યા કર્યાની શંકા સાથે પી.એસ.આઇ. સંજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.