Abtak Media Google News

ભારત વિશ્ર્વગુરુ કેમ બની શકશે ? ભારતમાં વિશ્ર્વને ધાર્મિક સદભાવ વિષે શિક્ષા આપવાની ક્ષમતા છે ?ગુલામ અને સ્વાભિમાન વિહીન ભારત ? દીન-હીન , ગરિબ અને કમજોર ભારત ? આવા સેંકડો – હજારો પ્રશ્ર્નો એક સંન્યાસીને દિવસ – રાત સુવા દેતા ન હતા.વિચાર કરતા કરતા ગહન ચિંતામાં ડુબી જતા હતા . આ પીડા એમને દિવસ રાત સતાવતી હતી.આ સંન્યાસી બીજુ કોઇ નહી પરંતુ ભારતની મહાન આધ્યાત્મ વિભૂતી એવા સ્વામી વિવેકાનંદ .12 જાન્યુઆરી , 1863 ના દિવસે જન્મેલા અને 4 જુલાઇ ,1902 ના દિવસે માત્ર 39 વર્ષની આયુમાં જ વિશ્ર્વમા ભારતિય સંસ્કૃતી એની મહાન આધ્યાત્મીક પરંપરાનો ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદના દેહોત્સર્ગને આગામી 4 થી જુલાઇના દિવસે 120 વર્ષ થશે.

આજે પણ જેમનુ નામ અને કામ યુવાઓમાં આદર્શ છે.એવા સ્વામીજી ભારતમાં એ સમયે વ્યાપ્ત છુઆછુત , અશ્પૃસ્યતા જેવા સામાજીક દુષણોથી અત્યંત વ્યથિત હતા.એમણે એમની આ પીડા એમના અનેક ભાષણોમાં તો વ્યકત કરી જ પરંતુ ગરિબ અને દીનદુ:ખીઓની સેવાર્થ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી જેના દ્રારા આજે હોસ્પીટલ , શાળા , સ્કુલના સ્વરુપોમાં આવા જ લોકોની સેવાર્થ એક મહાન સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે.

વિવેકાનંદજી માત્ર સ્વયંની જ આધ્યાત્મીક ઉન્નતિના માર્ગે ચાલનારા એક સંન્યાસી માત્ર ન હોતા , એની પ્રત્યેક વાત સામાજીક રિતે દબાયેલા – કચડાયેલા , દલીત, પિડીત , શોષિત , વંચિત વગેરે ની ચિંતા કર્યા વગર એમનો વાત પુરી થતી નહોતી.એમના જીવનની ચિંતનધારાની એ વિશેષતા હતી કે એમણે દરિદ્રનારાયણની એક નવી કલ્પના સમાજ સન્મુખ પ્રસ્તુત કરિ હતી.એ દલીત – પીડીતો ના નામ પર વચનો આપી વાતો કરનારા મત ભુખ્યા રાજકારણી ન હોતા , જેમની નજર સન્મુખ એક ભવ્ય ભારતનુ દર્શન કરતા મનિષી હતા.સાચા અર્થમા અંત્યોદયના પુરસ્કર્તા હતા.નાના વર્ગની ચિંતા કરતા વિવેકાનંદજી કહેતા હતા નાનામાં નાના માણસનું જગતમાં ઉચ્ચામા ઉચું હિત કરવુ અને આમ કરતા કરતા મુક્તિ મલે કે નર્ક એનુ સ્વાગત કરવુ જોઇએ.સ્વામીજી માટે મુક્તિ કે મોક્ષ ની સાપેક્ષ દલીતો અને પિડીતોનો ઉદ્ધાર અત્યંત મહત્વપૂર્ણ વાત હતી.વેદાંતના ઉપાસક સ્વામીજી સામાજીક વિકૃતિઓ થી બહુ વ્યથીત હતા , જાતિગત ભેદભાવની આ વિકૃતિથી સમાજ મુકત થાય એ માટે એ દ્રઢ સંકલ્પિત હતા.સંપુર્ણ માનવજાતિ ના કલ્યાણ માટે સમરસ સમાજની આવશ્યકતા ઉપર એ સમયમાં હંમેશા ઉપદેશ કરતા.સંપુર્ણ સમાજ સાથે સંવેદનાનો સેતુ એ શ્રેષ્ઠ લક્ષ્યની પૂર્તિ અને તેના દ્રારા જ એકત્વની અનુભૂતિ નો એમનો માર્ગ હતો.સંપુર્ણ સમાજ સાથે વાસ્તવિક અર્થમા હૃદયનો મિલાપ ન થાય ત્યાં સુધી સઘળા પ્રયત્નો વ્યર્થ છે.

સામાજીક ભેદભાવોના નિવારણ હેતુ પ્રત્યેક અંગ બીજા અંગ સાથે અપનત્વનો ભાવ , સમાજ માટે સંવેદના , પ્રત્યેક વ્યક્તિ સાથે એકત્વની અનુભૂતિ . સામાજીક સમરસતાના શ્રેષ્ઠ માર્ગને પામવા માટે ભારતની અંતર ઉર્જાનું જાગરણ હેતુ તેઓ કહેતા આપણે ભુલવુ ના જોઇએ કે ભારતનો નિચલો વર્ગ અજ્ઞાની , ભારતવાસી , ભારતનો ચમાર , ભારતનો ઝાડુ મારવવાળો દલીત આ બધા પ્રત્યેક ભારતવાસી રકત સંબંધથી જોડાયેલા છે.આપણે એકબીજાના ભાઇઓ છીએ.આવો આપણે સાહસી બની એકસાથે ગર્જના કરિએ કે અમે ભારતવાસી છીએ.પ્રત્યેક વ્યકિતને સંબોધીને કહેતા કે તુ ઉઠ અને પુકાર કે અજ્ઞાની , ગરિબ ,દલીત , બ્રાહ્મણ ,કે કંગાળ પ્રત્યેક અંત્યજ ભારતવાસી મારો ભાઇ છે.તારા પાસે ભલે પહેરવા માટે એક લંગોટી માત્ર હોય તો પણ તું ગૌરવપુર્ણ સ્વરે ઘોષણા કર ભારતવાસી મારો ભાઇ છે , એ જ મારુ જીવન છે.

ભારતના પ્રત્યેક દેવી-દેવતા મારા ઇશ્ર્વર છે.વિકૃતીઓથી મુકત એવો સમરસ સમાજ એ જ રાષ્ટ્ર કલ્યાણનોષમાર્ગ છે.આ લક્ષ્યની પૂર્તિ માટે આક્રોશ નહી આત્મિયતાની આવશ્યકતા છે.વ્યકિતના અધીકારોની સાપેક્ષ તેમના સમાજ પ્રત્યેના કર્તવ્ય વિષે વિશેષ ચિંતા કરવી પડશે.પ્રેમ અને સદભાવના આધાર ઉપર જ સમરસ સમાજની રચના સંભવ બનશે.

એકવાર અદ્વૈત ઉપર ચર્ચા કરતા સ્વામીજી બોલી ઉઠયા મને અડતા નહી , મને અડતા નહી આ બધી મર્યાદાઓ સાથે આપણું કંઇ લેવા દેવા જ નથી.હું આ બધાનો છુ , સનાતની હિન્દુ છુ.હિન્દુ ધર્મ મા આવુ બધુ વાડાબંધી કયાંય ઉલ્લેખીત જ નથી. આ બધુ ધર્મ વિરોધી કાર્ય છે.સમાજમાં ઘર કરી ગયેલી રુઢીઓ અને જડતાઓનો એ તર્કસંગત અને શાસ્ત્રોનો આધારે સટીક ઉત્તર દાખલા -દલીલો સાથે આપત.તેઓ કહેતા જો સદીઓથી ચાલી આવતી આવી પરંપરાઓ , નિતિ-નિયમો , રીતિ – રિવાજો નું જડતા પૂર્વક પાલન કરવા મા જ જો સદગુણ સમાહિત હોય તો વૃક્ષ થી અધીક ગુણવાન કોણ હોઇ શકે ? પથ્થરની શિલાને કદી કુદરતી કાનુનનું ઉલ્લંઘન કરતા કોઇએ જોયા છે ? પશુઓને પાપ કરતા જોયા છે ?

સમાજના દબાયેલા , ભીરુ થઇ ગયેલા વ્યકિત કે સમુદાય પ્રત્યે એમનો વિશેષ દ્રષ્ટીકોણ હતો તેઓ કદી ઉપકારની ભુમિકાનો સ્વીકાર ન કરતા.હંમેશા તેઓ ઐકય અને એકત્વના જ ઉપાસક રહ્યા.કોઇ શુદ્ર પ્રત્યે એમના મનની ભાવના કેટલી ઉચ્ચ હતી ? તો તેઓ કહેતા કે જો કોઇ મને શુદ્ર કહેશે તો કદાચ મારા પૂર્વજોએ ગરિબો પર વિતાવેલા એ જુલ્મ અને અત્યાચારોનું પ્રાયશ્ર્ચિત હશે.જો હું શુદ્ર હોત તો હું અતિ પ્રસન્ન હોત.હું આ ધરતી પર અવતરેલા એક એવા મનુષ્યનો શિષ્ય છું જે બ્રાહ્મણોમા પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતા એક શુદ્રના ઘરની સફાઇ કરવા માટે તૈયાર થઇ ગયા હતા.કોઇ વ્યકિત એક બ્રાહ્મણ સંન્યાસીને પોતાશું ઘર સફાઇ કેમ કરવા દે ?

આથી તેઓ અરધી રાત્રે ઉઠી અને તેમના શૌચાલયો સાફ કરી આવતા.હું આ અવારી પુરુષના ચરણોમા મસ્તક ઝુકાવુ છું.આ પ્રકારે સેવા કરી અને એક સામાન્ય માણસે ઉપર ઉઠવુ જોઇએ.આપણા સુધારકોમાના જો એક પણ એવા હશે જે આ પ્રકારે એક શુદ્રની સેવા કરતા હશે તો હું એના ચરણોમા શિષ ઝુકાવી અને તેની સમીપ બેસી અને શિખિશ.અસામાન્ય આચરણની કિમત અનેક સિદ્ધાંતોની અપક્ષા અનેક ગણી વધારે હોય છે.

આજકાલ દબાયેલા કચડાયેલા ઉત્થાન માટેના પ્રયત્નો એક રાજકીય ઉઠાપટકથી વિશેષ કંઇ રહી નથી ગયા.બીજી બાજુ જાતિવાદના વિષચક્રનું અભિયાન રાજનિતિક અને આર્થિક શોષણનું સાધન બની ગયુ છે.ત્યારે આજથી 100 -125 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ વ્યકત કરેલુ ચિંતન એ આવી વાડાબંધી , ઉંચ-નિચના ભેદભાવની વિરુદ્ધ સર્વાંગીણ અને સર્વસમાવેશી વિકાસની વિભાવનાને પોષિત કરનારુ હતુ.આ માટે તેઓ કહેતા હે બ્રાહ્મણો વંશ પરંપરાની દલીલોથી વાળી ભૂમિકાથી ઉપર તમે જો કહેતા હોય કે બ્રાહ્મણોનો વિદ્યા અભ્યાસ પ્રતિ અભિગમ દલીતોની સાપેક્ષ વધારે છે તો બ્રાહ્મણો પાછળ આ માટે ધન વ્યય કરવાની આવશ્યકતા નથી.

આ બધા પૈસા દલીતોની શિક્ષા પાછળ ખર્ચાવા જોઇએ, કમજોર વર્ગને સહાયતા આપવી જોઇએ.વાસ્તવિક સહાયતાની આવશ્યકતા તો ત્યાં છે.બ્રાહ્મણ જે જન્મથી હોશિયાર છે તો એ આર્થિક મદદ વગર પણ આગળ વધી જ શકશે.

બીજા જન્મથી જ હોશીયાર નથી એમની શિક્ષા માટે કે શિક્ષકો જે કહે તે બધુ આપવુ જોઇએ.મારી સમજ અનુસાર તો આ જ તર્કસંગ અને ન્યાયિક છે.વાસ્તવમાં તો પદદલીતોની વાસ્તવિક આવશ્યકતા શું છે ? એ સમજવાની આવશ્યકતા છે.દરેક સ્ત્રી , પુરુષ કે બાળક કઇ જાતિ વંશ કે સબળ નિર્બળ ની ગણના ન કરતા દરેકની પાછળ મહાન બનવાની અનંત સંભાવનાઓ નીહિત છે.અનંત શક્તિનો વિશ્ર્વાસ અપાવનારિ એ સનાતન આત્મા દરેકની ભીતર વિરાજીત છે. ઉઠો , જાગો આ નિર્બળતાને એક ઝાટકે ફેંકી દો.વાસ્તવમાં કોઇ દુર્બળ નથી.આત્મા સનાતન , નિર્વિકારી , સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે.

આ દ્રઢ વિશ્ર્વાસ સાથે સમગ્ર સમાજ એક ભારતવાસી તરિકે ઉભો થાય અને આ ભારતમાતા જે ગુલામીની બેડીમાં જકડાયેલી છે તેમાંથી એમને મુકત કરાવવા માટે સામુહિક પ્રયાસ ઉપરનું ચિંતન વ્યકત કરનારા સ્વામીજી 1902 ની સાલમાં 4 જુલાઇના રોજ યુવાન વયે આપણી વચ્ચેથી વિદાય થયા.પરંતુ આજ એકવીસમી સદીમાં પણ સામાજીક સમરસતાના એમનાં ક્રાંતિકારી વિચારો આપણે આત્મસાત કરી અને વ્યાવહારિક જીવનમાં જાતિપ્રથાના ભેદોથી ઉપર ઉઠી આપણા દેશ અને દેશના લોકોની પ્રગતી માટે કાર્યરત થઇએ એ જ સ્વામી વિવેકાનંદજીને આપણી સાચી શ્રદ્ધાંજલી હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.