Abtak Media Google News

નાની ઉંમરમાં જ તેમનાં જ્ઞાન અને ઉપદેશ થકી લોકોએ તેમને સ્વામીજીની ઉપાધિ આપી. ગંગાકિનારે તેમનાં ભક્તોએ તેમને એક નવી ઓળખાણ આપી : આનંદમૂર્તિ ગુરૂ માં!

વિશ્વફલક પર જ્યારે ભારતનું નામ લેવામાં આવે ત્યારે સર્વપ્રથમ અહીંની સંસ્કૃતિ અને ધર્મ ટોચ પર બિરાજમાન થયેલા દેખાય. તમામ મહાસત્તાઓ અને મહાનુભાવોએ ભારતને અલૌકિક આધ્યાત્મનાં દેશ તરીકે સ્વીકાર્યો છે. અહીં વિશ્વવંદનીય વિભૂતિઓએ જન્મ લીધા, સેવાકાર્યોમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને નિર્વાણ પામી સદાયને માટે લોકહ્રદયમાં વસી ગયા. આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની વાત થતી હોય ત્યાં ભારતનાં અધ્યાત્મિક અંતરાત્માની વાત તો કરવી જ પડે.

(1) બ્રહ્મકુમારી શિવાની દીદી

સોશિયલ મીડિયાનો ઉપયોગ તો આજે લગભગ દરેક વ્યક્તિ કરતો થયો છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ કે પછી અન્ય કોઇ માધ્યમો પર શેર થતાં પ્રેરણાત્મક વીડિયો-ફોટોને આપણે રોજબરોજ ફોરવર્ડ કરતાં હોઇએ છીએ. અવેકિંગ વિથ બ્રહ્માકુમારીઝનાં વીડિયો ધ્યાનમાં આવ્યા છે ખરા? સફેદ સાડી, તેજસ્વી લલાટ, પ્રભાવશાળી ચહેરો અને વ્હાલસભર-પ્રેમાળ મીઠો અવાજ એ શિવાની દીદીની ઓળખ છે. બ્રહ્મકુમારી શિવાની દીદી! 1972ની સાલમાં પૂણેમાં જન્મ. પૂના યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરીને લગભગ બે વર્ષ સુધી ભારતી વિદ્યાપીઠ (કોલેજ ઓફ એન્જિનિયરીંગ)માં લેક્ચરર તરીકે સેવા આપી.

નાનપણમાં માતા-પિતાએ બ્રહ્મકુમારીને અનુસરવાનું શરૂ કર્યુ. શિવાનીને પણ આગ્રહ કરતાં કે અઠવાડિયામાં એકાદ વાર પ્રવચન સાંભળવા માટે આવે તો સારું! પરંતુ બે વર્ષ સુધી તેમણે ફક્ત નકાર ભણ્યો. આખરે 23 વર્ષની વયે સ્વેચ્છાથી એમણે પંદર દિવસે એક વખત જવાનું ચાલુ કર્યુ. થોડા સમય બાદ ગુરગાંવમાં વિશાલ વર્મા સાથે લગ્ન થયા. બંને પતિ-પત્ની મળીને સોફ્ટવેર બિઝનેસ સંભાળે. બ્રહ્મકુમારીનાં જેટલા પ્રવચનો થતાં એમાં તેઓ પ્રોડક્શન-વર્ક કરતાં. 2007માં એવું બન્યું કે, વીડિયો રેકોર્ડ કરવા માટે બ્રહ્મકુમારી ટીચર ઉપલબ્ધ નહોતાં. જેથી પ્રેક્ષકોનાં પ્રશ્નોનો જવાબ આપવા તથા એમનો ઉકેલ લાવવા માટે શિવાની વર્માનાં નામનું

સૂચન થયું. અને આ રીતે બન્યા તેઓ, બ્રહ્મકુમારી શિવાની દીદી! એમનાં વીડિયો લોકોને એટલા બધા પસંદ પડવા માંડ્યા કે એક નામાંકિત ટેલિવિઝન ચેનલે બ્રહ્મકુમારી શિવાની દીદીનાં નામ પર અવેકિંગ વિથ બ્રહ્મકુમારીઝ શો લોન્ચ કર્યો. પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા સુરેશ ઓબેરોય સાથેની તેમની ટીવી સીરિઝને 2015માં હેપીનેસ અનલિમિટેડ : અવેકિંગ વિથ બ્રહ્મકુમારીઝ નામનાં પુસ્તકમાં સંક્ષિપ્ત રીતે શબ્દદેહ આપવામાં આવ્યો.

હાલ, તેઓ વર્લ્ડ સાયકિયાટ્રિક અસોસિયેશનનાં ગુડવિલ એમ્બેસેડર છે. ખૂબીની વાત તો છે કે, અધ્યાત્મનાં સથવારે વિશ્વભરમાં પોતાનાં જ્ઞાનની જ્યોત ફેલાવીને પ્રસિદ્ધ થયેલા બ્રહ્મકુમારી શિવાની દીદીને 2014ની સાલમાં વુમન ઓફ ધ ડીકેડ અચિવર્સ અવોર્ડ એનાયત થયો.

આશીર્વચન : તમે અગર દુનિયાથી પણ ઉપર આકાશમાં ઉંચે સુધી ઉડવાના વિચારો કરી રહ્યા હો તો તમારી આજુબાજુ રહેલા પંખીઓ સામે જુઓ! કેવા નિજાનંદમાં તેઓ પોતાની ઉડાનનો આનંદ લઈ રહ્યા છે. તમારી પાસે પણ એ ક્ષમતા છે કે તમે સમૂહમાં સદભાવના સાથે ઉંચી ઉડાન ભરી શકો છો! ડુ નોટ સ્ટોપ યોરસેલ્ફ.

(2) આનંદમૂર્તિ ગુરૂ માં

અમૃતસરનું કેથલિક સ્કૂલિંગ અને આર્ટ્સ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ પણ ગુરપ્રીત કૌર ગ્રોવરની ઇશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના દિવસે ને દિવસે બળવત્તર બનતી જતી હતી, જેણે તેમને બનાવ્યા.. લાખો ભક્તોનાં આનંદમૂર્તિ ગુરૂમાં! વુમન-એમ્પાવરમેન્ટ શબ્દ પણ સામાન્ય જનજીવન સુધી પહોંચ્યો નહોતો એ સમયગાળામાં (ઇ.સ. 1980)માં તેમણે એકલપંડે ભારત-ભ્રમણ કર્યુ. ઉત્તર ભારતનાં તીર્થસ્થળોની મુલાકાત લઈ સંત-મહંત અને ફકીર સાથે ગોષ્ઠિ કરી, ઇશ્વરત્વને શોધવાનાં પ્રયત્નો કર્યા. નાની ઉંમરમાં જ તેમનાં જ્ઞાન અને ઉપદેશ થકી લોકોએ તેમને સ્વામીજીની ઉપાધિ આપી. ગંગાકિનારે તેમનાં ભક્તોએ તેમને એક નવી ઓળખાણ આપી : આનંદમૂર્તિ ગુરૂ માં!

1999ની સાલમાં દેશની બાળકીઓને ભણાવવા તેમજ સ્ત્રીઓને સાક્ષર કરવાનાં હેતુસર તેમણે શક્તિ નામનાં નોન-ગવર્નમેન્ટ્લ ઓર્ગેનાઇઝેશન (એન.જી.ઓ.)ની સ્થાપના કરી. એકવીસમી સદીનાં આધ્યાત્મ-સ્વામિનીની આ સફરને લોકો સુધી પહોંચાડવાનું બીડું ટેલિવિઝન ચેનલોએ ઝડપ્યું. ડિજિટલ માધ્યમોનાં વધતાં વ્યાપને લીધે આનંદમૂર્તિ ગુરૂમાંને વૈશ્વિક પ્રખ્યાતિ હાંસિલ થઈ. દેશ-વિદેશનાં અગણિત શ્રદ્ધાળુઓ આજે તેમનાં પ્રવચનો સાંભળીને ધન્યતા અનુભવે છે. હરિયાણાનાં ગનૌર ખાતે બનાવવામાં આવેલા ઋષિ ચૈતન્ય આશ્રમમાં હાલ તેઓ વસવાટ ધરાવે છે.

2002ની સાલમાં યુનાઇટેડ નેશન્સ સમિટ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇનિશિયેટીવ ઓફ વુમન (GPIW)માંથી આનંદમૂર્તિ ગુરૂમાંને ભારતનાં મહત્વપૂર્ણ લીડર્સમાંના એક ગણીને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

આશીર્વચન : વિશ્વમાં કુલ કેટલા ધર્મ અને સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતાં હશે, કોને ખબર! એમ છતાં અગર તમે એ દરેકનાં નામ વારાફરતી મારી સામે ઉચ્ચારીને મને પૂછશો કે એમાંથી મારો ધર્મ કયો? તો પણ મારો જવાબ હશે, એકેય નહીં! હું પ્રેમ છું. મને જ્યાં પ્રેમ દેખાય છે, જેમનામાં પ્રેમ દેખાય છે હું એમની થઈને રહી જાઉં છું. એટલે જ કદાચ હું હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, બૌદ્ધ, પારસી, જૈન સહિત પ્રત્યેક ધર્મને અનુસરું છું, છતાંય આમાંનો એકપણ ધર્મ મારો નથી!

(3) માતા અમૃતાનંદમયી

વિશ્વનાં સાડા ત્રણ કરોડ કરતાં પણ વધુ ભક્તોને એક પ્રેમભર્યુ આલિંગન આપીને તેમનાં દુ:ખડા દૂર કરી શકવા સક્ષમ માતા અમૃતાનંદમયીને 2014ની સાલમાં ધ હફિંગટન પોસ્ટ તરફથી દુનિયાનાં 50 સૌથી વધુ પ્રસિદ્ધ ધાર્મિક ગુરૂમાં સ્થાન આપવામાં આવ્યું. ખૂબ જ ગરીબ બચપણ અને બે ટંકના ભોજનનાં પણ સાંસા પડતાં હોય એવા કેરેલાનાં નિર્ધન પરિવારમાં એમનો જન્મ. પોતાની પીડા, વેદનાને ભૂલીને તેમણે હંમેશા બીજાનાં દુ:ખ-દર્દ દૂર કર્યા. પોતાનાં ભક્તોને આશીર્વાદરૂપે તેઓ આલિંગન આપે છે!

એક નાનું બાળક જે રીતે પોતાની માંના ખોળામાં માથું નાંખીને રડે એ જ રીતે મારી પાસે આવનારા ભક્તો પણ પોતાની પીડા વર્ણવતાં. તેમને પ્રેમભર્યુ-હૂંફાળુ મમતાસભર આલિંગન આપીને હું તેમને આંસુ લૂંછવાનું કામ કરતી. અને ત્યારબાદ તો એ જાણે સિલસિલો બની ગયો! દિવસ દરમિયાન 20 કલાક સુધી તેમનાં આશ્રમે આવનાર દર્શનાર્થીઓને તેઓ ભેટીને આશિર્વાદ આપે છે!

ટેક્નોલોજી અને ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલી યુનાઇટેડ નેશન્સ એકેડેમિક ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં તેમણે અત્યંત સંવેદનશીલ વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં વિશ્વની 93 ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. એમનાં ચેરિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ પ્રકારનાં પુષ્કળ સેવાકાર્યો સમગ્ર વિશ્વનાં 40 થી પણ વધુ દેશોમાં થઈ રહ્યા છે.

આશીર્વચન : સમાજની માનસિકતા બદલવી એ કૂતરાની વાંકી પૂંછડીને સીધી કરવા જેટલું મુશ્કેલ કાર્ય છે. પ્રત્યેક વ્યક્તિનાં વ્યક્તિગત વિચારો થકી સમાજ બને છે. અગર તમે વ્યક્તિગત રીતે કોઇકનાં વિચારો બદલવાનું કાર્ય કરશો તો ધીરે ધીરે આખો સમાજ પણ સુખદ પરિવર્તનનો સાક્ષી બનશે. અગર તમે લોકહ્રદયને સ્પર્શી શકશો તો વૈશ્વિક માનસિકતાને બદલી શકવા માટે સક્ષમ બની જશો!

(4) શ્રીમદ સાંઈ રાજરાજેશ્વરી

એવું માનવામાં આવે છે કે 1947ની સાલમાં શ્રી સત્ય સાંઈ બાબાએ શ્રીમદ સાંઈ રાજરાજેશ્વરીનાં સ્વરૂપમાં પુન: અવતાર ધારણ કર્યો હતો. અઢાર વર્ષની વયે તેમને જાણ હતી કે તેમનો જન્મ કશાક વિશેષ કાર્ય માટે થયો છે. વીસમી સદીનાં ઉત્તરાર્ધ એટલે કે ઇ.સ. 1997માં શ્રી સત્યસાંઈ બાબાએ પચાસ વર્ષીય શ્રીમદ સાંઈ રાજરાજેશ્વરીને ધર્મ પરત્વે એમની ફરજ અને લોકસેવાનાં કામોમાં જીવન સમર્પિત કરી દેવાનો આદેશ આપ્યો. ત્યારથી લઈને આજસુધી તેમનાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતનાં ગરીબ-નિર્ધન બાળકો માટે સેવાકાર્યો થઈ રહ્યા છે. અહીંનાં જરૂરિયાતમંદ લોકોને તેમનાં શ્રીમદ સાંઈ રાજરાજેશ્વરી ટ્રસ્ટ દ્વારા પુષ્કળ મદદ કરવામાં આવે છે. બાળકો માટે ઉનાળુ વેકેશનમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવાથી માંડીને તેમનાં કપડાં-ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતનાં અંતરિયાળ ગામડાંઓમાં ગ્રામ્યજનો સુધી તેઓ ભોજન પહોંચાડે છે. એક સ્ત્રી માં પણ છે, બહેન પણ અને પત્ની પણ! શ્રીમદ સાંઈ રાજરાજેશ્વરીનું કર્મઠ જીવન સ્ત્રી-સશક્તિકરણની પરિભાષાને યથાર્થ પૂરવાર કરી રહ્યું છે!

આશીર્વચન : વિશ્વને હું કશુંક પ્રદાન કરી શકું એવી મારી લાયકાત જ ક્યાં છે? જ્યારે વ્યક્તિનાં પોતાનામાં હુંકાર ન હોય ત્યારે કોઇ કેવી રીતે કશું આપી શકે? નિરાકાર, નિર્ગુણ પરબ્રહ્મ ઇશ્વરત્વનાં અમે વાહક માત્ર છીએ.

(5) શ્રી માતાજી નિર્મલા દેવી

જેમણે મહાત્મા ગાંધી સાથે મળીને ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવતી સ્વતંત્રતા સંગ્રામની લડતમાં સહકાર આપ્યો હોય, ઉપરાંત જેલવાસ પણ ભોગવ્યો હોય એ લોખંડી સ્ત્રી, પછીથી સહજ યોગની પ્રણેતા બની દેશ-વિદેશમાં આધ્યાત્મનો ફેલાવો કરે એ વાત કેટલાક અંશે માનવામાં આવે? ધેટ્સ રાઇટ. નિર્મલા શ્રીવાસ્તવ એમનું નામ. હિંદુ પિતા અને ખિસ્તી માતાનું એ સંતાન. મધ્યપ્રદેશમાં જન્મીને 2011ની સાલમાં 87 વર્ષની વયે ઇટાલીમાં તેમનું નિધન થયું, પરંતુ વુમન એમ્પાવરમેન્ટની બેજોડ મિશાલમાં તેમનાં આધ્યાત્મિક વ્યક્તિત્વનો સમાવેશ કરવો જ પડે.

યુવા વયે તેઓ મહાત્મા ગાંધીનાં આશ્રમમાં રહી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જબરી લડત આપી શક્યા. 1942ની હિંદ છોડો ચળવળમાં યુવા પ્રતિનિધિ, મહિલા-નેતા તરીકે આગેવાની લીધી અને જેલવાસ પણ ભોગવ્યો! ભારતને આઝાદી મળે એનાં થોડા સમય પહેલા તેમણે ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા. સંતાનમાં તેમને બે પુત્રીઓ! ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવે ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.

5 મે, 1970નાં રોજ નાગરોલમાં નિર્મલા શ્રીવાસ્તવે પોતાની કુંડલિની જાગૃત થતાં જોઇ. આધ્યાત્મિકતા પ્રત્યે એમને પહેલેથી જ લગાવ હતો, અને કુંડલિની જાગરણ બાદ તો એમનાં જીવનનું એકમાત્ર ધ્યેય જાણે માનવસેવા બની ગયું. મુંબઈ ખાતે એમણે સહજ યોગનાં પાયા નાંખ્યા. 1979ની સાલમાં તેમણે પોતાને આદિશક્તિનાં પૂર્ણ અવતાર તરીકે પ્રસ્તુત કર્યા. સહજ યોગને દુનિયાનાં દરેક દેશોમાંથી આવકાર મળવા લાગ્યો.

1995ની સાલમાં ચીનનાં બેઇજિંગ ખાતે યોજાયેલી ચોથી વર્લ્ડ કોન્ફરન્સ ફોર વુમનમાં તેમણે ખાસ વક્તવ્ય આપ્યું. ફક્ત આટલું જ નહીં, વિશ્વને સહજ યોગનો પરિચય કરાવનાર સાધ્વી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)નાં સભ્ય પણ રહ્યા!

આશીર્વચન : જ્યાં સુધી બ્રહ્માંડનું સર્જન કરનારા એ પરમ તત્વ સાથે તમે ઐક્ય નથી સાધી શકતાં ત્યાં સુધી તમારા અસ્તિત્વનું કોઇ વજૂદ ઓળખી નથી શકાતું!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.