Abtak Media Google News

રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની 11 સરકારી યુનિવર્સિટીમાં લાગુ કરવા માટે કોમન એક્ટને સત્તાવાર રીતે રાજ્યપાલની મંજૂરી મળી ગયા બાદ સોમવારથી આ કોમન એક્ટ લાગુ પણ થઇ જશે. એટલે હવે યુનિવર્સીટીઓમાં સિન્ડિકેટ-સેનેટ ભૂતકાળ બની જશે. સોમવારથી આ એક્ટ લાગુ થયા બાદ 1 મહિનામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એઝ્યુક્યુટીવ કાઉન્સીલ અને એકેડમિક કાઉન્સીલની સ્થાપના કરવા શિક્ષણ વિભાગનો યુનિવર્સીટીઓને પરિપત્ર કરી આદેશ આપવામાં આવ્યો છે.

એક્ટ લાગુ થયા બાદ 1 મહિનામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિકયુટીવ કાઉન્સીલ અને એકેડમિક કાઉન્સીલની સ્થાપના કરવા શિક્ષણ વિભાગનો આદેશ

યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે. યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

આ એક્ટ લાવવાનો મૂળભૂત હેતુ રાજ્ય સરકારનો મુખ્ય હેતુ જૂની 11યુનિવર્સિટીઓમાંથી સેનેટ સિન્ડીકેટની ચૂંટણીને જ દૂર કરવાનો છે. જો કે આ એક્ટથી કમસેકમ આ યુનિવર્સિટીઓ રાજકીય અખાડો બનતા અટકશે, પરંતુ યુનિવર્સિટીઓ પર અંકુશ રહેશે. તેની સાથે બોર્ડના સભ્યો અને કાઉન્સિલના બે સભ્યો વધશે. આ એક્ટની જોગવાઈ મુજબ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ રહેશે, પરંતુ હવે સભ્યોની ચૂંટણી નહી થાય. કાઉન્સિલ બોર્ડે લીધેલા પોલિસી નિર્ણયોનું અમલ કરાવવાનું કામ કરશે. સરકાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પોતાના ચાર સભ્યો મૂકશે, જે સામાજિક કે શૈક્ષણિક ક્ષેત્રમાંથી હશે.

સૌ.યુનિ.માં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિકયુટીવ કાઉન્સીલમાં સ્થાન મેળવવા લોબીંગ શરૂ

સોમવારથી રાજ્યની સરકારી 11 યુનિવર્સીટીઓમાં કોમન એક્ટ લાગુ થઇ જશે જેને લઇ આગામી 1 મહિનામાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એઝ્યુક્યુટીવ કાઉન્સીલ અને એકેડમિક કાઉન્સીલનું નવું માળખું જાહેર થશે. જેમાં ચાર સભ્યો સરકાર નિયુક્ત બાકીના યુનિવર્સીટી દ્વારા નીમવામાં આવશે. હવે જયારે આ એક્ટ લાગુ થવાની જાહેરાત સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નવા માળખામાં જગ્યા મેળવવા લોબીંગ શરુ થઇ ગયું છે. જો કે હવે સિન્ડિકેટ-સેનેટ તો ભૂતકાળ બની જશે. હવે નવા માળખામાં કોને સ્થાન મળશે કોને નહિ તેના પર સૌ કોઈ મીટ માંડી બેઠા છે.

11 યુનિવર્સિટીના નામની યાદી

આ એક્ટ અંતર્ગત વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કચ્છમાં આવેલી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને સમાવિષ્ટ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.