Abtak Media Google News

દ્વેષપૂર્ણ અને ભ્રામક પોસ્ટ ડિલીટ કરવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ‘રસ’ નથી : ત્રણ ત્રણ મહિનાઓ સુધી અરજીઓ પેન્ડિંગ

સોશિયલ મીડિયાનો ’વાયરલ’ વાયરસ બને તે પહેલા જ તંત્ર હરકતમાં આવ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સમાજમાં દુશ્મનાવટ ઉભી કરવા માટે થાય તે પહેલા રાજ્યમાં 3700 જેટકી ઘૃણાસ્પદ પોસ્ટ ડીલીટ કરવામાં આવી છે. એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પોસ્ટ ડીલીટ કરવામાં આવી હોય તેવો આ પ્રથમ દાખલો છે.

બેજવાબદાર પોસ્ટ વાયરલ થાય તે પહેલા તેને દૂર કરવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. માર્ચ 2022 થી ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર સેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 3,753 પોસ્ટ્સ દૂર કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રજુઆત કરી છે. જે એક વર્ષમાં કરવામાં આવેલી અરજીઓના સર્વાધિક છે. આ પોસ્ટમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ધાર્મિક લાગણી દુભાવે, સામે હિંસા ભડકાવતી, સાંપ્રદાયિક નફરત ફેલાવનાર અને ખોટા સમાચાર ફેલાવતી પોસ્ટનો સમાવેશ થાય છે.

વર્ષ 2018થી ગુજરાત પોલીસે જિલ્લા પોલીસ કચેરીઓ અને કમિશનરેટની અરજીઓ દ્વારા વર્ષમાં લગભગ 5 થી 10 પોસ્ટ્સ દૂર કરવા માટે સક્રિયપણે દરમિયાનગીરી કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબરસેલ દ્વારા વર્ષ 2022માં આ પ્રકારની પોસ્ટને સક્રિય રીતે દૂર કરવાની શરૂઆત થઈ હતી.

3,700 પોસ્ટમાંથી મોટાભાગની પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી છે છતાં સીઆઈડી અધિકારીઓ હવે નવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અરજીના નિકાલની પ્રક્રિયા ધીમી કરી દીધી છે અને હાલ અમુક પોસ્ટ હટાવવાની પ્રક્રિયા ત્રણ ત્રણ મહિના સુધી ખેંચાઈ રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવ્યું છે કે, સાંપ્રદાયિક અથવા પ્રાદેશિક નફરતને ઉશ્કેરવાની ક્ષમતા ધરાવતી લગભગ 700 પોસ્ટ્સ હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહી છે.

સીઆઈડી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે આવી પોસ્ટ્સને દૂર કરવા માટે ’કોર્ટનો આદેશ’ માંગે છે કારણ કે તેઓ તેને દૂર કરવા માંગતા નથી.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પોસ્ટને દૂર કરવાની વિનંતી કરવા માટે એક વિશેષ ઇન્ટરફેસ બનાવ્યું છે. ગુજરાત સીઆઈડી (ક્રાઈમ) તેની અરજીઓઓ મોકલવા માટે આ ઈન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યું છે અને પ્લેટફોર્મ્સ સામાન્ય રીતે 24 થી 48 કલાકની અંદર જવાબ આપે છે. જોકે, તાજેતરના અઠવાડિયામાં પ્લેટફોર્મ્સે આ વિનંતીઓની પ્રક્રિયા ધીમી કરી દીધી છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.