Abtak Media Google News

બિભસ્ત ફોટો વાયરલ કરવાની ધમકી આપી તબીબ હવસનો શિકાર બનાવતો: ડીસીપી ફરિયાદ ન નોંધતા કમિશનર રાજુ ભાર્ગવને  રજૂઆત

રાજકોટમાં  રહેતી નર્સીંગ એક યુવતી પર સુરતના પરિણીત તબીબે દોઢ મહિના પૂર્વે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલી યુવતી આ અંગે મહિલા ડીસીપી પાસે ફરિયાદ નોંધાવવા ગઇ તો તેને   પુરાવા આપો તો જ ફરિયાદ નોંધીશ અન્યથા માત્ર છેડતીનો ગુનો દાખલ કરવામાં આવશે. પિતાને સાથે લઇને ફરિયાદ કરવા ગયેલી યુવતીને વિશ્વાસ હતો કે તેની ફરિયાદ નોંધાશે અને દુષ્કર્મ આચરનાર સુરતના તબીબ સામે કાનૂની રાહે પગલાં લેવાશે પરંતુ આવું ન થયું. આ મામલે બે વખત આપઘાતનો પ્રયાસ પણ યુવતીએ કર્યો હતો. જોકે મિત્રએ આપેલી હિંમત બાદ પોલીસ મથક તો ગઇ જોકે ત્યાંથી પણ નિરાશા સાંપડી હતી

યુવતીએ પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ મહિના પૂર્વે પોતે રાજકોટમાં ફરજ પર હતી ત્યારે સુરતમાં રહેતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રિતેશનો ફોન આવ્યો હતો કે, મારે તારું કામ છે, તું મને મળ, જોકે ના પાડવા છતાં પોતાના ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી મળવા માટે મજબૂર કરી હતી, પોતે રિતેશની કારમાં બેસી ગયા બાદ તે ન્યારી ડેમ પાસેની અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને ધમકી આપીને કારમાં જ દુષ્કર્મ આચર્યું હતું,

 

આ અંગે લેખિતમાં અરજી કરી ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરતા મહિલા ડીસીપી પૂજા યાદવને મળવા જણાવ્યું હતું. આથી પોતે ડીસીપી યાદવને મળીને પોતાની સાથે થયેલી હકીકત વર્ણવી હતી આ સમયે મહિલા પોલીસ મથકના પીઆઇ મોર પણ ત્યાં હાજર હતા. પોતાની વાત સાંભળ્યા બાદ પુરાવા હોય તો આપો અન્યથા માત્ર છેડતીની ફરિયાદ લેવાની વાત કરીને યુવતીને રવાના કરી દીધી હતી.

 

નર્સ યુવતીએ પોલીસને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે જસદણમાં આવેલી એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી ત્યારે ડો.રિતેશ પણ ત્યાં સેવા આપતા હતા. આથી બંને વચ્ચે મિત્રતાના સંબંધ બંધાયા હતા અને વોટ્સએપ પર કેમ છો, કેમ નહી સહિતની વાતચીત પણ થતી હતી. યુવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે, એક દિવસ પોતે રાજકોટ હતી ત્યારે ડો.રિતેશનો ફોન આવ્યો હતો અને મળવા બોલાવી હતી અને પોતે જે હોટેલમાં રોકાયો હતો ત્યાં લઇ ગયો હતો.

 

તે દિવસે પોતાની તબિયત સારી ન હોય રાત ત્યાં જ રોકાઇ જવાનું કહેતા પોતે ત્યાં રોકાઇ હતી, ત્યારે ડો.રિતેેશે લગ્ન કરવાના જ છે તેમ કહી મારી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને તેના ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ડો.રિતેશ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો.

 

યુવતીએ 23 નવેમ્બર 2022ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી આ સમયે પીએસઆઇ ભરવાડે ડો.રિતેશ અને યુવતીને પોલીસ મથકે બોલાવ્યા હતા અને ડો.રિતેશ સામે ગુનો નોંધાવવાનું કહ્યું હતું. જોકે ચર્ચાના અંતે ડો.રિતેશે માફી માગી લઇ હવે પછીથી યુવતીને કોઇપણ બાબતે પરેશાન નહીં કરે તેવી બાંહેધરી આપી હતી આથી બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. ડો.રિતેશ યુવતીને ફોન પણ કરતા નહોતા અને પરેશાન પણ કરતા નહોતા. જોકે થોડા મહિના બાદ ફરી તેઓએ શારીરિક સંબંધ બાંધવા માટે ધમકી આપવાનું શરૂ કરતાં ફરીથી 8 જૂન 2023ના રોજ રાજકોટ પોલીસને દુષ્કર્મ કર્યા અંગેની અરજી કરી હતી. પરંતુ ત્યાંથી પણ  નિરાશા મળી હતી જેથી તે ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનના ધકકા  ખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.