Abtak Media Google News

સાદગીને વરેલા અને પોતાની કર્મ નિષ્ઠાથી સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો પ્રેરણા સ્ત્રોત બનેલાં પ્રભવ જોશી ઉપર આજે ઠેર-ઠેરથી અભિનંદનવર્ષા

કર્મ એજ ધર્મને વરેલા એવા રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભવ જોશીનો આજે જન્મદિવસ છે. સાદગીને વરેલા અને અરજદારોને તેમજ નાનામાં નાના સ્ટાફ સાથે માન-સન્માનથી આત્મીયતા કેળવીને કામ કરતા પ્રભવ જોશી ઉપર આજે ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મુળ રાજસ્થાન વતની અને ગુજરાતની 2014ની બેચના આઈએએસ અધિકારીએ પોતાની સનદી અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ કરી હતી. તેઓનું પ્રથમ પોસ્ટિંગ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે થયું હતું. જ્યાં તેઓએ રાજકોટ અને લોધિકા તાલુકાના અનેક પ્રશ્નોનો નિવેડો લાવી તેમજ અરજદારોને ઝડપી ન્યાય અપાવી ખૂબ લોકચાહના મેળવી હતી. ત્યારબાદ તેઓ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત થયા હતા. જ્યાં પણ ગ્રામ્ય કક્ષાના અનેક પ્રશ્નોમાં તેઓએ સરકાર પક્ષે ખૂબ નોંધનિય કામગીરી કરી હતી. પછી તેઓ યુજીવીસીએલના એમડી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યાંથી ફરી તેઓ રાજકોટ જિલ્લાના સુકાની તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે તેઓ રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મહત્વની કામગીરી કરી રહ્યા છે. અપીલ બોર્ડના પડતર પ્રશ્નોથી લઈને કચેરીએ આવતા અરજદારોને સાંભળવા સહિતની કામગીરી તેઓ સુપેરે પાર પાડી રહ્યા છે. સમયના પરફેક્ટ એવા પ્રભવ જોશી સવારે 10:30ના ટકોરે કચેરીએ પહોંચી સેવામાં લાગી જાય છે.જો કે કામમાં ગળાડૂબ રહેતા હોય ક્યારેય ઘરે જવામાં સમય જોતા નથી. તેઓની આ કર્મનિષ્ઠાથી પ્રેરણા મેળવી કલેકટર કચેરીની વિવિધ શાખાઓ પણ રજાના દિવસોમા કાર્યરત રહી પેન્ડિંગ કામોનો નિકાલ કરી રહી છે. પ્રભવ જોશી નિરામય રહી અને હજુ પણ સતત પ્રગતિના શિખરો સર કરે તેવી અબતક પરિવાર પણ શુભકામનાઓ પાઠવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.