Abtak Media Google News

લંકાના કેપ્ટન શનાકાનો અદભુત કેચ મેચમાં ચર્ચાનો વિષય બન્યો

આ એક કહેવત ક્રિકેટમાં પ્રખ્યાત છે કે, કેચ ઝડપો, મેચ જીતો. શ્રીલંકાએ પણ એવું જ કંઇક કર્યું છે. નામિબિયા સામેની તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં તેણે કેચ ઝડપીને મેચ જીતી હતી. સૌથી અદભૂત શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ઝડપેલો કેચ હતો. શનાકાએ મેચમાં બે કેચ ઝડપ્યા હતા અને બંને અદભૂત હતા. બીજા કેચ વિશે તો શું કહેવું? જાણે કોઈ અશક્ય કાર્ય શક્ય બન્યું હતુ.

નામિબિયાના દાવની ૧૯મી ઓવર ચાલી રહી હતી. બોલર શ્રીલંકાનો ચામીરા હતો. નામિબિયાના બેટ્સમેન રૂબેને આ ઓવરનો બીજો બોલ સીધા બેટ વડે રમ્યો હતો. બોલ બોલર તરફ હવામાં ગયો. પરંતુ ચામીરા સમજી ગયો કે તે તેને પકડી શકશે નહીં, તેથી પ્રયત્ન પણ કર્યો નહીં. પરંતુ પછી ખબર પડી કે બેટ્સમેન રૂબેનની વિકેટ પડી ગઈ છે. તેનો કેચ પકડાઇ ચૂક્યો છે. ચામીરાએ જે કેચ અશક્ય તરીકે છોડી દીધો હતો. પંરતુ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ તે અશક્ય કેચને શક્ય બનાવતા ઝડપી લીધો હતો.

જ્યારે બોલ જમીન પર પડવાનો હતો. તે પહેલા શનાકાએ તેને પોતાની મુઠ્ઠીમાં કરી લીધો હતો. આ દ્રશ્ય જોઈને સ્ટેડિયમમાં બેઠેલા લોકો દંગ રહી ગયા હતા. શું થયું તેનુ કોઈને ખ્યાલ જ નહોતો આવી રહ્યો. આ કેવી રીતે થયું? જોકે એ પણ સાચું છે કે આવા કેચ પકડીને મેચ જીતી જવાય છે.

આ મેચમાં દસુન શનાકાનો આ બીજો કેચ હતો. આ આશ્ચર્યજનક કેચ પહેલા તેણે નામીબિયાના ઓપનર જેન ગ્રીનનો કેચ પકડ્યો હતો. શ્રીલંકાએ નામીબિયા સામેની મેચ ૩૯ બોલ પહેલા જ ૭ વિકેટે જીતી હતી.

પ્રથમ બેટીંગ રમતા નામીબિયાની ટીમ સંપૂર્ણ ૨૦ ઓવર પણ રમી શકી નહોતી. તે ૧૯.૩ ઓવરમાં ૯૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી મહિષ ટિકસાનાએ ૩ વિકેટ લીધી હતી. જ્યારે વાનિંદુ અને લાહિરુ કુમારાને ૨-૨ વિકેટ મેળવી હતી. જવાબમાં શ્રીલંકાએ ૯૭ રનના લક્ષ્યાંકને ૧૩.૩ ઓવરમાં ૩ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી રાજપક્ષે ૪૨ રને અણનમ રહ્યો હતો. જ્યારે આવિષ્કા ફર્નાન્ડોએ અણનમ ૩૦ રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.