Abtak Media Google News

અનામતની માગ સાથે પાટીદાર સમાજના આંદોલનના નવા એપિસોડ પર સરકારની બાજનજર: ભારે રાજકીય ઉત્તેજના

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલનો આજે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૫ કિ.મી.નો લાંબો રોડ શો યોજાશે. જેના માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટીદારો જ નહીં સવર્ણ સમાજને પણ અનામત આપવાની માગણી કરાશે. છેલ્લા થોડા સમયથી પાટીદાર અનામત આંદોલન પ્રમુખ રહ્યા બાદ જાણે આંદોલનની નવી ઈનિંગ શરૂ થનાર હોય તેમ ગોંડલને એપી સેન્ટર બનાવી હાર્દિક પટેલ દ્વારા શનિવારના તાલુકાના ગોમટાથી દેરડી સુધી રોડ શો કરી દેરડી જાહેરસભાનું આયોજન કરાયુ છે. આગામી સમયમાં મોવિયા કોલીથડ અને ગોંડલ શહેરમાં રોડ શો સાથે જાહેરસભા યોજાશે. આગામી વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે યોજાવાની હોવાથી અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગોંડલ પંથકને અગ્રતા આપી નવી ઈનિંગ શરૂ કરી હોય પંથકમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્રમાં વેગવંતુ કરવા કરાયેલા આયોજનો અંગે તાલુકા પાસ ક્ધવીનર મહેશભાઈ ખુંટે જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનને નવો વેગ આપવા ગોંડલને એપી સેન્ટર બનાવી પ્રારંભ કરાશે. જેમાં શનિવારે બપોરે હાર્દિક પટેલ ગોમટા પહોંચશે.જ્યાં પાટીદારો દ્વારા તેનુ સ્વાગત સન્માન કરાશે બાદમાં ગોમટાથી રોડ શો શરૂ કરાશે જે નવાગામ, લીલીયા, દેવળા, સુલતાનપુર, રાણસીકી થઈ દેરડી પહોંચશે. બાદમાં દેરડી ખાતે સાંજે વિવેકાનંદ સ્કૂલની બાજુમાં હાર્દિક પટેલ સભાને સંબોધન કરશે. હાર્દિક પટેલના રોડ શોમાં બાઈક, ફોરવ્હીલર સહિત તાલુકાભરના પાટીદારો બહોળી સંખ્યામાં જોડાશે. મહેશભાઈ ખુંટે વધુમાં જણાવ્યુ કે હાર્દિક પટેલ દ્વારા પાટીદારો ઉપરાંત સવર્ણ જ્ઞાતિને અનામતની માગ દોહરાવાશે. અન્યથા આંદોલનને ઉગ્રતા અપાશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના દેણા માફ કરવા પણ આંદોલન છેડાશે. અનામત મુદ્દે અત્યાર સુધી સરકાર દ્વારા પાટીદાર સમાજને લોલીપોપ અપાઈ છે, પરંતુ પાટીદારો હવે મૂર્ખ નહીં બને આગામી સમયમાં ચમત્કાર બતાવશે તેવી ગર્ભિત ચીમકી પાસ દ્વારા અપાઈ છે. હાર્દિક પટેલ દ્વારા આગામી સમયમાં મોવિયા અને કોલીથડમાં સભાનુ આયોજન થનાર છે. ઉપરાંત ગોંડલ શહેરને કેન્દ્રમાં રાખી ગોંડલમાં રોડ શો અને જાહેરસભાનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાતના રાજકારણને ખળભળાવનાર અને આનંદીબેન પટેલની મુખ્ય પ્રધાન પદેથી ઘર વાપસી કરનાર પાટીદાર અનામત આંદોલનનો નવો એપિસોડ સૌરાષ્ટ્રમાં ગોંડલથી શરૂ થનાર હોય ઉત્તેજના સાથે રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.

કોંગ્રેસને નીતિ ક્લિયર કરવાની અવધી ૩૦મી સુધીની

ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે. કોંગ્રેસ એમના સમજે કે પાટીદારની નારાજગીનો લાભ મળશે. આવનારી ૩૦ તારીખ સુધીમાં કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નક્કી નહીં કરે તો અમે સમાજ હિતમાં સ્ટેન્ડ નક્કી કરીશું એવી ચીમકી પાસના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને આપી છે. રાજકોટ ખાતે નરેન્દ્ર મોદી બાદ શનિવારે પાસના રોડ શો માટે રાજકોટ આવી પહોંચેલા હાર્દિક પટેલે કહ્યું કે, સમગ્ર ગુજરાતના રાજકારણને હચમચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનનો નવો એપિસોડ સૌરાષ્ટ્રમાં ગોંડલથી શરૂ થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલનો શનિવારે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૫ કિ.મી.નો લાંબો રોડ શો યોજાશે. આગામી વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં જ અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગોંડલ પંથકને અગ્રતા આપી ઈનિંગ શરૂ કરી હોય પંથકમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે. દરમિયાન ગોંડલ તાલુકા પાસ ક્ધવીનર મહેશભાઈ ખુંટે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનને નવો વેગ આપવા પાટીદારોની બહુમતી ધરાવતા ગોંડલને એપી સેન્ટર બનાવવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.