Abtak Media Google News

માનવભક્ષીના ચુંગાલમાંથી છોડાવવા પિતાએ દીપડા સાથે બાથભિડી લીધી: બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

તાલાલા તાલુકાનાં સાંગોદ્રા ગામે ભરબજારમાં માનવભક્ષી દીપડાએ એક માસુમ બાળક પર તરાપ મારી તેની ગરદન પકડી લીધી હતી. બાળક પર થયેલા માનવભક્ષીના હુમલાથી બચાવવા પિતાએ દીપડા સાથે બાથભીડી લીધી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાંગોદ્રા ગામે રહેતા શૈલેષભાઈ કાથડ સમી સાંજે પોતાના પુત્ર સ્વરાજ (ઉ.વ. 7)ને લઈ ગામની ડેરીએ દુધ લેવા જઈ રહ્યા હતા. ત્યારે ગામમાં ઘુસેલા દિપડાએ બાળકનો શિકાર કરવા બજારમાં બાળક પર હુમલો કરતા અફડા તફડી મચી ગઈ હતી. સ્વરાજને દિપડાના મોઢામાંથી બચાવવા પિતા અને ગ્રામજનોએ હાકલા – પાકલા કરી પથ્થરના ઘા મારતા દિપડો બાળકને મુકી નાસી ગયો હતો.

પરંતુ બાળકના ગાલ અને માથાના ભાગે પંજા અને દાંતથી બાળકને ગંભીર ઈજા પહોંચાડી હોય તાકીદે તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબ ડો.હડીપલે પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કર્યો છે. જ્યાંથી વધુ સારવાર માટે તબીબે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સાંગોદ્રાના લોકોમાં વન્યપ્રાણીઓનો ભય વ્યાપી ગયો છે અને ગામમાં ઘુસી આવતા વન્યપ્રાણીઓને પાંજરે પુરવા ઉગ્ર માંગ ઉઠી છે.

ગીર સહિત ગુજરાતમાં વનકર્મીઓ સરકાર સામે અચોક્કસ મુદ્દની હડતાળ પર છે. સાંગોદ્રામાં બાળક ઉપર હુમલાની જાણ થતા તાલાલા રેન્જનો સ્ટાફ હોસ્પિટલે પહોંચેલો અને સાંગોદ્રાની માનવ વસાહતમાં માનવ લોહી ચાખેલ દિપડો ફરતો હોય તે દિપડાને પાંજરે પુરવા લોકેશન ગોઠવવાની કવાયત શરૂ કરી હડતાળ વચ્ચે માનવીય ફરજ બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.