Abtak Media Google News

જામકંડોરણાને બાદ કરતા તમામ તાલુકાઓમાં કુલ 284 કેન્દ્ર : કલેકટર કચેરી ખાતે ઉભો કરાશે કંટ્રોલ રૂમ

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે રાજકોટ જિલ્લાને 77 હજાર ઉમેદવારોની વ્યવસ્થા કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના બદલે તંત્રએ જિલ્લામાં 82 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે. જેનાથી પંચાયત સેવા પસંદગી મંડળે પણ રાજકોટ જિલ્લાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તાજેતરમા જ તલાટીની લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 30 એપ્રિલે લેવાનાર તલાટીની પરીક્ષા હવે આગામી તારીખ 7 મે 2023ના રોજ યોજાશે. ભૂતકાળમાં પણ રાજ્યનાં વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે.

આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી ક્ધફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી ક્ધફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી ક્ધફર્મેશન આપવાનું રહેશે, ક્ધફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં એમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજકોટ જિલ્લામાં 77 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવી આપવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટ જિલ્લામાં 284 જેટલા કેન્દ્રોની ઓળખ કરી છે. આ કેન્દ્રો ઉપર 82 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકે તેમ છે.

જામકંડોરણા તાલુકો અંતરિયાળ, ઉમેદવારોને હાલાકી ન પડે એટલે ત્યાં કેન્દ્ર ન રખાયું

રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં તલાટીની પરીક્ષા માટે કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે. પરંતુ એક માત્ર જામકંડોરણામાંથી જ એકય કેન્દ્ર પસંદ કરવામાં આવ્યું નથી. જેની પાછળનું કારણ એ છે કે જામ કંડોરણા તાલુકો થોડો અંતરિયાળ હોય, બહારગામથી આવતા ઉમેદવારોને ત્યાં જવા આવવામાં કોઈ અગવડતા ન પડે.

કુલ 17 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 30 એપ્રિલ 2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા. 7 મે 2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.