Abtak Media Google News

ઈમરાન ખાનની કેબિનેટ જાહેર: લશ્કરી તાનાશાહ જનરલ પરવેઝ મુશરફના પૂર્વ પ્રધાનો જ નવી સરકારના મુખ્ય હોદા પર મુકાયા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને ૨૧ સભ્યોની કેબિનેટની જાહેરાત કરી છે. ‘નયા પાકિસ્તાન’નો નારો આપી પાકિસ્તાનમાં ચુંટણી જીતનાર ઈમરાનની આ નવી કેબિનેટમાં નવું કશુ નથી. કેબિનેટમાં રહેલા પ્રધાનોના નામોની યાદી પર નજર નાખતા ‘નવી બોટલમાં જુના દારૂ’ જેવો ઘાટ સર્જાયો હોવાનું ફલિત થાય છે.

Advertisement

ઈમરાન ખાનની કેબિનેટમાં મોટાભાગના પ્રધાનો અગાઉના સરમુખત્યારશાહ જનરલ પરવેઝ મુસરફના વફાદારો છે. વિગત અનુસાર ૧૫ પ્રધાનોમાંથી ૧૨ તથા ૫ સલાહકારોમાંથી ૩ તો મુસરફના અગાઉના જ પ્રધાનો છે ! ઈમરાનની સરકારમાં વિદેશી મંત્રી તરીકેની જવાબદારી વરીષ્ઠ રાજકારણી શાહ મહંમદ કુરેશીને સોંપવામાં આવી છે. કુરેશી અગાઉ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર સમયે પણ વિદેશમંત્રી હતા. તે સમયે ૨૦૦૮માં મુંબઈ હુમલો થયો હતો અને તેઓ નવી દિલ્હીમાં હતા.

પરવેઝ કઠકને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે અસદ ઉંમરને નાણાપ્રધાન બનાવાયા છે. કઠક અગાઉ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ દરમિયાન ખેબર-પકથુનખવા પ્રાંતના મુખ્યપ્રધાન હતા. પાકિસ્તાનમાં તમામ પાસાઓ બદલી નાખવા નિકળી પડેલા વડાપ્રધાન ઈમરાન ખાનની શપથવિધિ સાથે જ જાહેર કરાયેલું આ મંત્રી મંડળ એક રીતે ઈમરાનના હાથ બાંધી દીધા હોવાનો દાખલો છે. મોટાભાગના પ્રધાનો પાકિસ્તાનની આર્મી સાથે સીધા કે અડકતરી રીતે સંકળાયેલા છે.  પાકિસ્તાનમાં પણ મંત્રાલયોની વહેંચણી યોગ્યતા અને લાયકાતના ધોરણે કરવાના બદલે સતા ટકાવવાના હેતુસર થઈ હોવાનું જોવા મળે છે. એક રીતે મુસરફ હવે ઈમરાનને કઠપુતળી બનાવી પાકિસ્તાનની બહારથી સરકાર ચલાવશે તેવું જણાઈ આવે છે. જો આ વાત સત્ય હશે તો મુસરફનું ભારત તરફી ઝેર જોતા હવેના ભારત-પાકિસ્તાનના સંબંધો ખુબ જ તંગદિલી ભર્યા રહેશે તેવું માની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.