Abtak Media Google News

પાકિસ્તાન ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે દાવો કરે કે તે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકા હવે ત્યાંની સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં પોતાની પાર્ટીને મેદાનમાં ઉતારવા જઈ રહ્યો છે, જો તેની પાર્ટી જીતશે તો તે સરકાર પણ ચલાવશે.

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના નવા રાજકીય સંગઠને 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાનની મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારો માટે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે.  સઈદે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ નામનો એક અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. પીએમએમએલનું ચૂંટણી ચિન્હ ’ચેર’ છે.

પીએમએમએલના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેમની પાર્ટી મોટાભાગની રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે.  સિંધુ એનએ-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે.  સઈદનો પુત્ર તલ્હા સઈદ લાહોરની એનએ-127 સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે.  ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું- “અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.”

વર્ષ 2018 માં, મિલ્લી મુસ્લિમ લીગ જમાત-ઉદ-દાવાનો રાજકીય ચહેરો હતો.  તેણે મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ખાસ કરીને પંજાબ પ્રાંતમાં, પરંતુ તે એક પણ બેઠક જીતવામાં સફળ રહી ન હતી. એમએમએલ પર પ્રતિબંધના કારણે 2024ની ચૂંટણી માટે પીએમએમએલની રચના કરવામાં આવી છે.

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સઈદ, પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા  સાથે સંકળાયેલા આતંકવાદી ધિરાણના કેસમાં દોષિત ઠેરવ્યા પછી કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે.  હાફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી છે, જેના પર અમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.