Abtak Media Google News

પાસ થયેલા ઉમેદવારો દ્વારા નવેસરથી પરીક્ષા લેવા સામે ઉગ્ર વિરોધ : ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર રાત વિતાવી: એમ.ડી.એ બાંહેધરી આપતાં મામલો હાલ પુરતો થાળે પડયો

જેટકોના વિદ્યુત સહાયકોની નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોનો વિરોધ અને દેખાવો આજે પણ યથાવય રહ્યા છે. ઉમેદવારોએ ઠંડીમાં ફૂટપાથ ઉપર રાત વિતારી હતી. ઉપરાંત હવે કોર્ટમાં જવાની પણ તૈયારી આદરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે બપોરના સમયે એમ.ડી.એ બાંહેધરી આપતાં 48 કલાક માટે આંદોલન સમેટાયું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો ઉમેદવારો ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે વિરોધ કરવા માટે ગુરુવારથી વડોદરામાં આવ્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. એ પછી ગુરુવારની આખી રાત રસ્તા પર પસાર કરીને પણ આ ઉમેદવારોએ આજે પણ જેટકોના રેસકોર્સ સર્કલ સ્થિત હેડ ક્વાર્ટરની બહાર પોતાના ધરણા ચાલુ રાખ્યા છે.ઉમેદવારોએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી અમને નોકરી માટેનો લેટર નહીં અપાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું. અમે અમારો ન્યાય અને હક માંગી રહ્યા છે.

જેટકો દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાની નવી તારીખો સામે કોર્ટમાં જવા માટે પણ ઉમેદવારોએ તૈયારી શરૂ કરી છે અને આ ઉમેદવારોએ આજે ધરણા પર બેઠા બેઠા 50000 રૂપિયાનો ફાળો કોર્ટમાં કેસ લડવા માટે એકત્રિત કર્યો હતો.ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નહીં મળનારા જેટકોના એમડીને પણ આખરે ઝુકવુ પડ્યુ હતુ અને જાણવા મળતી વિગતો પ્રમાણે યુવરાજસિંહને આજે તેમણે મળવા માટે બોલાવ્યા હતા.આ પહેલા યુવરાજસિંહે જણાવ્યુ હતુ કે, ઉમેદવારો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે. જેટકોના એક પણ અધિકારીના દીકરાની તાકાત નથી કે રસ્તા પર એક રાત સુઈ બતાવે. આ ઉમેદવારોને અધિકારીઓની ભૂલના પાપે અન્યાય કરાઈ રહ્યો છે.

જેટકોના એક અધિકારીની બદલી, 12ને નોટિસ

જેટકોના એચઆર વિભાગના અધિકારીની બદલી જીસેકમાં કરાઈ છે. આ સાથે 12 અધિકારીઓ અને ઈજનેરોને શો કોઝ નોટિસ અપાઈ. નોંધનિય છે કે, જેટકોના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવું પડ્યું છે. આ પહેલા જેટકોએ વિદ્યુતસહાયક ભરતી રદ્દ કરી દેતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.