રાજકોટના વેજાગામમાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેનની કુવામાંથી લાશ મળતા અરેરાટી

શહેરની ભાગોળે આવેલા વેજાગામની સીમમાં એક ભરવાડ પરિવારના ત્રણ સભ્યોએ ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ થતાં પિતરાઈ ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢી યુનિવર્સિટી પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલા વેજાગામ સીમમાં કૂવામાં બે પુરુષ અને એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત સ્ટાફ દોડી ગયો હતો. ફાયર વિભાગના સ્ટાફે કૂવામાં ઝંપલાવી મૃતદેહને બહાર કાઢી યુનિવર્સિટી પોલીસ મથકનો જાણ થતાં એ.બી. વોરા સહિતનો કાફલો દોડી ગયો હતો. માધાપર ચોકડી પાસે દ્વારકાધીશ પેટ્રોલિયમ પાસે રહેતા કવા પબા બાંભવા આશરે 16થી 17, રેલનગર વિસ્તારમાં રહેતા ડાયાભાઈ પરબતભાઇ બાંભવા અને પમ્મીબેન હેમા ભાઈ બાંભવા (ઉ.વ.18) હોવાની ઓળખ થતા પોલીસે ત્રણેયના પરિવારજનોને જાણ કરી છે.

યુનિવર્સિટીમાં પોલીસે ત્રણેય પિતરાઈ ભાઈ-બહેનના સામુહિક અપઘાતનું કારણ જાણવા એ.બી.વોરા સહિતના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે નાના એવા વેજાગામમાં બનેલા આ બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં એક જ પરીવારના ત્રણ-ત્રણ સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે. હાલ પોલીસે આ બનાવમાં ઉંડાણપૂર્વકની તપાસ હાથધરી પરીવારના ત્રણ-ત્રણ સભ્યોએ આપઘાત કેમ કર્યો તે અંગેનું કારણ શોધવા મથામણ શરૂ કરી દીધી છે.