કલ્યાણપુરના ગાંધવી ગામે હોડીને ધક્કો મારવાની માથાકૂટમાં યુવાનની લોથ ઢળી

નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈએ જીવ ગુમાવ્યો: માથામાં ધોકો મારી હત્યા કરી ફરાર શખ્સની શોધખોળ

કલ્યાણપુરના ગાંધવી ગામે બંદર પર રાખેલી હોડીને ધક્કો મારવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં એક યુવાનની લોથ ઢળી હતી. જેમાં નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે માથામાં ધોકો મારી મોતને ઘાટ ઉતારનાર શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ  કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામે રહેતા સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયા અને તેના મોટા ભાઇ અસગરભાઇ બંને ભાઇઓ દરીયા કિનારે માછીમારી અર્થે નિકળવા રવાના થયા હતા. ત્યારે દરીયાકાંઠે અસગર જુસબભાઇ પટેલીયાએ તેઓને હોડીને ધકકો મારવા માટે કહ્યુ હતુ.

આથી બંને ભાઇએ હોડીને ધકકો મારવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ આરોપી અસગર જુસબભાઇ પટેલીયાએ સદામભાઇ પર લાકડાના ઘોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલા વેળાએ સદામભાઇને વધુ મારથી બચાવવા માટે તેના મોટા ભાઇ અસગરભાઇ બચાવવા માટે વચ્ચે પડતા આરોપી અસગરે તેઓને માથાના પાછળના ભાગે ઘોકાનો ઘા ઝીંકતા તેઓ ગંભીર રીતે ઘવાયેલા અસગરભાઇ અબ્બાસભાઇ (ઉ.વ.30)ઢળી પડયા હતા.

અસગરભાઈને તુરંત સારવાર અર્થે હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગર ખાતે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવમાં સદામભાઇને પણ કોળીના ભાગે ઇજા થઈ હોવાનું જાહેર થયુ છે. ગંભીર ઇજાગ્રસ્ત અસગરભાઇ અબ્બાસભાઇએ સારવારમાં દમ તોડતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.આ અંગે સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાની ફરીયાદના આધારે કલ્યાણપુર પોલીસે આરોપી અસગર જુસબભાઇ પટેલીયા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.