Abtak Media Google News

ઓઈલના ઉંચા ભાવ અને જીએસટીની વસૂલીમાં ઘટ નાણા પ્રધાનની બજેટ ગણતરી ખોરવી નાખે તેવી સંભાવના

છેલ્લા બે વર્ષથી આશીર્વાદરૂપ રહેલુ ક્રૂડ ઓઈલ હવે નીતિ વિષયકોને ‘દઝાડે’ તેવી સ્થિતિ

છેલ્લા બે વર્ષ સુધી આશીર્વાદરૂપ બની રહેલુ નીચા ભાવનું ઓઈલ નાણા પ્રધાન અરૂણ જેટલી માટે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં મોટો માથાનો દુખાવો બની રહે તો નવાઈ નહી. સતત નીચુ રહ્યા બાદ ક્રુડ ઓઈલ ગયા સપ્તાહમાં પ્રતિ બેરલ ૬૮ ડોલરને પાર કરીને અઢી વર્ષની ટોચે જોવા મળ્યું છે. ઓઈલના ઉંચે જઈ રહેલા ભાવ નાણા પ્રધાનની વર્તમાન તથા આગામી નાણા વર્ષની યોજનાઓ પર પાણી ફેરવી નાખે તેવા સંકેતો મળી રહ્યા છે. નીચા ઓઈલ બિલને પરિણામે પાછલા બજેટોમાં નાણાં પ્રધાન વિકાસના પ્રોત્સાહક આંકડાઓ પૂરા પાડવાની છૂટ લઈ શકયા હતા વિકાસના આંકડાઓ કેટલા સિધ્ધ થઈ શકયા છે. એ અલગ ચર્ચાનો વિષય છે.

૨૦૧૮માં દેશના સાતથી આઠ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારી છે ત્યારે નાણા પ્રધાને જો લોકપ્રિય બજેટ રજૂ કરવું હશે તો તેમણે આંકડાની માયાજાળ રચવી પડશે. નવા વર્ષમાં ક્રુડ ઓઈલના ભાવ ૭૦ ડોલરથી પણ ઉપર જવાની આગાહી કરવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષને પૂરૂ થવામાં હજુ પોણાત્રણ મહિનાની વાર છે. ત્યારે દેશની રાજકોષિય ખાધ બજેટ અંદાજના ૯૫ ટકાનો આ અગાઉ જ પાર કરી ગઈ છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશના ઉદ્યોગોએ ડીમોનિટાઈઝેશન અને જીએસટીની પ્રતિકુળ અસરનો સામનો કરવો પડયો છે. જીએસટીની પ્રતિકૂળ અસર હાલમાં દેશની તિજોરી પર પણ જોવા મળી છે. જીએસટી હેઠળની વસુલી પ્રથમ પાંચ મહિનામાં અપેક્ષા પ્રમાણે રહી નથી દર મહિને રૂપીયા ૯૩૦૦૦ કરોડના ટાર્ગેટ સામે ઓકટોબર તથા નવેમ્બરમાં જીએસટીની વસૂલી રૂ. ૮૩૦૦૦ કરોડ અને રૂપીયા ૮૦,૦૦૦ કરોડ આસપાસ રહી છે. આમ નાણાં પ્રધાન ટે અપેક્ષીત આવકમાં ખોટ પડવાનાં એધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે જીએસટીના અમલનાં ઓછાયા હેઠળ બજેટ રજૂ કરવાનું નાણાં પ્રધાન માટે આસાન નહી હોય એ સ્પષ્ટ છે.

વર્તમાન નાણા વર્ષ માટે સરકારે ઓઈલનો પ્રતિ બેરલ ભાવ ૫૬ થી ૬૦ ડોલરની વચ્ચે રહેવાની ધારણા રાખી હતી પરંતુ ભાવ હાલમાં આ સપાટીને કુદાવીને આ અગાઉ જ આગળ વધી ગયા છે. જેને કારણે સરકારના બજેટ અંદાજ આગામી ત્રણ મહિનામાં ખોરવા, જવાની પૂરી સંભાવના છે. એપ્રીલમાં ઓઈલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૫૨.૫૯ ડોલર રહ્યો હતો. તે નવેમ્બર ૬૧.૩૨ ડોલર જોવા મળ્યો હતો. ૯ ડોલરના તફાવતની દેશનાં ક્રુડ આયાત બિલ પર જંગી અસર જોવા મળી શકશે ઓઈલના ભાવમાં વધારો ઓઈલ માર્કેટીંગ કંપનીઓ માટે વર્કિંગ કેપીટલની આવશ્યકતામાં વધારો કરાવે છે. એટલું જ નહી તેમના ટુંકા ગાળાના દેવાના સ્તરને પણ વધારે છે જે છેવટે તેમની નફાશપિત પર નકારાત્મક અસર કરે છે.

દેશમાં પેટ્રોલ તથા ડિઝલને અંકુશ મુકત કરાયા બાદ ક્રુડના ઉંચા ભાવ સરકાર માટે બળાબળની કસોટી બની રહેવાની શકયતા રહેલી છે. ભારત તેની આવશ્યકતાનું ૮૦ ટકા ઓઈલ આયાત કરે છે. એપ્રિલ ૨૦૧૭થી નવેમ્બર ૨૦૧૭ સુધીનું ભારતનું ક્રુડ આયાત બિલ ૫૩.૧૦ અબજ ડોલર રહ્યું હતુ જયારે વર્તમાન વર્ષ માટેનું કુલ બિલ ૮૦ અબજ ડોલર આવવાનો બજેટમાં અંદાજ મૂકાયો છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ક્રુડના ભાવ ૫૦ ડોલરથી પણ નીચે રહ્યા હતા.

ક્રુડના ભાવ જો સતત વધતા રહે તો સરકાર માટે તેને અંકુશમાં રાખવા માટે અતેના પરની એકસાઈઝ ડયુટીમાં કાપ જ એક વિકલ્પ રહે છે. એકસાઈઝ ડયુટી પર કાપ માટે નાણા મંત્રાલય ક્રુડના ભાવની કઈ સપાટી પસંદ કરે છે. તે જોવાનું રહે છે. એક્સાઈઝમાં કોઈપણ કપાત સરકારની આવક પર અસર કરશે આમ સરકાર માટે ક્રુડના ઉંચા ભાવ બાવાના બેઉ બગાડવા જેવી સ્થિતિ ઉભી કરશે એમ હાલમાં જણાઈ રહ્યું છે. પેટ્રોલીયમ પ્રોડકટસને જીએસટીનાં પરિધમાં આવરી લેવા કે નહી તે મુદે હજુ પણ રાજયો અને કેન્દ્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષનાં ઓકટોબરમાં સરકારે પેટ્રોલ તથા ડિઝલ પરની એકસાઈઝ ડયુટીમાં પ્રતિ લિટર રૂપીયા બેનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડાને કારણે સરકારને વર્તમાન નાણા વર્ષમાં રૂ.૧૩૦૦૦ કરોડની તૂટ પડશે.

વિશ્ર્વના કોઈપણ દેશનું અર્થતંત્ર ઓઈલના ભાવ તથા તેના પૂરવઠા પર આધારીત રહેતુ હોય છે. ભૂતકાળમાં પેટ્રોલ ડીઝલ અંકૂશ મૂકત નહી હોવાને કારણે તથા ખાસ સંશોધનની ગેરહાજરીમાં ક્રુંડના વૈશ્ર્વિક ભાવમાં વધશરાના સંજોગોમાં દેશની તિજોરી પર તેની ગંભીર અસર જોવા મળતી હતી. કારણ કે આવા સમયે સરકારે ભાવને ઉદ્યોગો તથા ઉપભોગતાઓની પહોચની અંદર રહે તે સ્તરે ભાવજાળવી રાખવા પડતા હતા. ક્રુડના ભાવ મોટા ગજાના દેશની બેલેન્સ શીટ સુધારી શકે છે. અને બગાડી પણ શકે છે. આવીજ સ્થિતિ ફરી ઉભી થઈ રહી છે. બે વર્ષ સુધી દેશની બેલેન્સ શીટને ટકાવી રાખ્યા બાદ વર્તમાન વર્ષ અને આવતા વર્ષની દેશની બેલેન્સ શીટનું ચિત્ર બગડી જવાની શકયતાથી સરકાર ચિંતિત બની છે.

એક તરફ તેલ ઉત્પાદક દેશો છે જયારે બીજી તરફ તેલનાં આયાતકારો છે. તેલના ભાવમાં ઘટાડો એકનું અર્થતંત્ર બગાડે છે. ત્યારે બીજાનું સુધારે છે. તાજેતરમાં ભૂતકાળમાં તેલના નીચા ભાવને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિએ આરબ દેશો તથા માત્ર તેલ પર જ પોતાના અર્થતંત્રને નિભાવતા દેશોએ કયા સુધી આ કુદરતી જણસ પર નિર્ભરતા રહેવું જોઈએ એવો સવાલ ઉભો કર્યો હતો. લાંબો સમય સુધી નીચા ભાવનો સામનો કર્યા બાદ તેલ ઉત્પાદક દેશોએ તેલના ઉત્પાદન પર કાપ મૂકવાનો સામૂહિક નિર્ણય લીધો છે. અને આ નિર્ણય ૨૦૧૮ના ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનો છે. અને તેને કારણે જ ક્રુડના ભાવ હાલમાં ઉંચે જઈ રહ્યા છે.

રાજકોષીય ખાધના પડકાર અને ક્રુડના વધી રહેલા ભાવ વચ્ચે નાણા પ્રધાન બજેટમાં ઉદ્યોગોની અપેક્ષા ફળીભૂત કરી શકશે કે કેમ એ એક સવાલ છે. ઓગષ્ટ ૨૦૧૫માં પ્રતિ બેરલ ૪૮ ડોલરથી ઉંચકાઈને હાલમાં ક્રુડ ઓઈલ જે ૬૭ ડોલર આસપાસ બોલાઈ રહ્યું છે તે સરકાર માયે એક ચેતવણીની ઘંટી છે અમે કહીશ તો ખોટુ નહી ગણાય. દેશની કુલ આયાતમાં ઓઈલનો હિસ્સો ૩૧ ટકા જેટલો છે. ઓઈલની આયાત પર ભારે નિર્ભરતા અને તેને કારણે અર્થતંત્ર સામે સતત તોળાતી અનિિશ્ર્ચતતા ભારત પોતાની ર્જા સલામતી માટે કેવા અર્ધ પ્રયાસો કરેછે. તેનું પ્રતિબિંબ પાડે છે. સમય પાકી ગયો છે. કે ભારત પોતાની ઓઈલની જરૂરીયાત પૂરી કરવા ઘરઆંગણે ઓઈલ ઉત્પાદનમાં વધારો કરે અને તેલ સંશોધન ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટને આકર્ષતા પગલાને બજેટમાં સ્થાન આપે.

અંતિમ બજેટમાં મધ્યમવર્ગને ટેક્સ રાહત સહિતના લાભની સંભાવના

નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર ૧ ફેબ્રુઆરીએ છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે, જેમાં ભાજપની મુખ્ય વોટ બેન્ક ગણાતા મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત સહિતના લાભ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

મધ્યમ વર્ગને રાહત માટે એક પેકેજ જાહેર કરવા અંગે ચર્ચા થઈ રહી છે. આવકવેરા મુક્તિની મર્યાદા વધારાય તેવી શક્યતા વધારે છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ ફાયદો થાય તેવી વિચારણા થઈ રહી છે. હેલ્થ ઈન્સ્યોરન્સ માટે ટેક્સમાં અલગ લાભનો વિકલ્પ વિચારાઈ રહ્યો છે. બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ માટે પણ વિચારણા ચાલી રહી છે.

અગાઉના બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે લોકો પાસે વધારે નાણાં રહે અને તેનું તેઓ રોકાણ કરે તેવું સરકાર ઇચ્છે છે. પરંતુ સરકારની નાણાંકીય સ્થિતિ હાલમાં મુશ્કેલ છે. જીએસટીની અસરને કારણે કોર્પોરેટ ટેક્સ વસૂલાત ઓછી થઈ રહી છે અને બીજી તરફ રાજકોષીય ખાધ ખાસ્સી વધી ગઈ છે. આથી જનતાને રાહત આપવા માટે સરકાર પાસે નાણાકીય મુશ્કેલી પણ છે.

સરકારમાં કેટલોક વર્ગ શેર બજાર પર કેટલીક શરતોને આધીન લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ફરી લાગુ કરવાનું સમર્થન કરી રહ્યો છે. તેમાં કદાચ પાંચ લાખ રૂપિયાથી વધારેના મૂલ્યના ટ્રાન્ઝેક્શન પર આ ટેક્સ લાગુ કરાય તેવી સંભાવના છે. વળી ટેક્સ ૧૦ ટકા આસપાસ રહેવાની ધારણા છે. એનડીએ સરકારની ગરીબલક્ષી અને મધ્યમવર્ગલક્ષી નીતિ છે તેવી ઈમેજ ઊભી કરવામાં પણ આ પ્રકારની દરખાસ્ત મદદરૂપ બનશે.

એક સૂત્રએ આ અંગે કહ્યું હતું કે શેરબજારમાં ટ્રાન્ઝેક્શન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરવાથી ૫૦૦૦ જેટલા રોકાણકારોને કદાચ અસર થશે, પણ પાંચ કરોડ પરિવારને તેનો ફાયદો મળશે. નવેમ્બરમાં જેટલી સાથેની મીટિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના પદાધિકારીઓએ આ ટેક્સ સૂચવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી માર્કેટ મેનિપ્યુલેશન પણ ઘટશે. સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ(STT)ની હવે કોઈ ઉપયોગિતા રહી નથી ત્યારે ફરી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરવા વિચારણા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.