Abtak Media Google News
  • અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું અનુમાન : એક્ટિવા ચાલક યુવાન અને વિદ્યાર્થીની સારવાર હેઠળ

Rajkot News : રાજકોટમાં ફરી એકવાર બેફામ કારચાલકે અકસ્માત સર્જયાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર શહેરમાં એક યુવકે કારથી અકસ્માતની હારમાળા સર્જી હતી. સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે બેકાબૂ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. કાર ચાલકે વાહનોની સાથે વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને એડફેટે લીધા હતા. જેમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરીવારમાં ગમગીની છવાઈ છે.

Car Accident

રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર કારચાલક યુવાને કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને ઉડાવી 15 ફૂટ સુધી ઢસડયા હતા અને ત્યારબાદ દુકાનના પગથિયે બેસેલી યુવતીને હડફેટે લઈ કાર દુકાન સાથે અથડાઈ હતી. આ શ્વાસ થંભાવી દેતા ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. પોલીસે ફરાર કારચાલક યુવકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનામાં આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું. યુવતીને સદનસીબે સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાઇ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ ઉપર ત્રિશૂલ ચોક પાસે કારચાલક (જીje-03-એમએચ-4905) યુવાન પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. જે દરમિયાન કારચાલક યુવાને ડાબી તરફથી અચાનક કારનું સ્ટીયરિંગ જમણી તરફ ફેરવી નાખ્યું હતું. જેને લીધે મોર્નિંગ વોકમાં નીકળેલા 50 વર્ષીય નલીનભાઈ નરોતમભાઈ સિદ્ધપુરાને હડફેટે લઈ લગભગ 15 ફૂટ સુધી ઢસડ્યા હતા. ત્યારબાદ ચોકમાં દુકાન પાસે બેસેલી 18 વર્ષીય વિદ્યાર્થિની કુમકુમ મહેશભાઈ કાનાણીને પણ કારચાલક હડફેટે લીધી હતી. જે બાદ કાર દુકાન સાથે ધડાકા સાથે અથડાઇ તુરંત રિવર્સ જતી રહી હતી.

કાર દુકાનના પગથિયે બેસેલી યુવતી તરફ ધસી ગઈ આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરઝડપે આવતી કાર અચાનક ડાબી તરફ વળે છે અને રોડની સાઈડમાં પાર્ક કરેલા એક્ટિવાને હડફેટે લઈ રોડ પરથી પસાર થતા આધેડને ઉડાવે છે. જે બાદ કાર રોકાવાને બદલે આગળ વધી દુકાનના પગથિયે બેસેલી 3 યુવતી તરફ જાય છે. જેમાં બે યુવતી ઝડપથી ખચી જતા એક યુવતી કારની ઝપેટમાં આવી જાય છે, જે કાર અને દુકાનના શટર વચ્ચે દબાઈ જાય છે. જોકે, યુવતીને હડફેટે લીધા બાદ કાર તુરંત પાછળ ધસી જાય છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.

આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડ નલીનભાઈ નરોતમભાઈ સિદ્ધપુરાએ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે. નલીનભાઈ નરોતમભાઈ સિદ્ધપુરા નારાયણનગરમાં રહેતા હતા. લુહારી કામ કરતા વૃદ્ધનું મોત નીપજતા 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સમગ્ર ઘટનાને લઈને ડીસીપી જોન-1 અને ટ્રાફિક ડીસીપી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અકસ્માત સર્જનાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ : ડીસીપી ઝોન-1

રાજકોટ DCP ઝોન- 1 સજ્જનકુમાર સિંહે જણાવ્યું હતું કે, શહેરના ભક્તિનગર સર્કલ પાસે સહકાર મેઈન રોડ ઉપર આજે બેકાબૂ કારે અસ્માત સર્જ્યો હતો. જેમાં મોર્નિંગ વોકમાં નીકળેલા નલીનભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરાને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે ગાર્ડી કોલેજની વિદ્યાર્થિની કુમકુમ મહેશભાઈ કાનાણીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જનાર કારચાલકને કાર નંબરના આધારે ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

મિત્રની કાર લઈને ગેલમાં આવી ગયેલા વૃદ્ધનો જીવ લઇ લીધો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારનો ચાલક હાલ ફરાર છે જયારે કારના મૂળ માલિકનો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. કારના માલિકે જણાવ્યું હતું કે, લગ્નમાં જવાનું કહીને એક મિત્રને કાર આપેલી હતી જેણે અન્ય એક મિત્રને કાર આપી દીધી હતી. ત્યારે મિત્રના મિત્રની કાર લઈને નીકળેલો યુવાન ગેલમાં આવી ગયો હોય અને અનુમાન અનુસાર નશામાં હોય અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લઇ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.