Abtak Media Google News

પૂણ્યતિથિ મનાવવી કે જન્મતિથિ ઉજવવી, એ મુદ્દે દેશ ગોટે ચડયો છે ! કોરોનાએ સર્જી અજબજેવી વિમાસણ: જન્મ-મૃત્યુના સરવાળા બાદબાકીનો સીલસીલો સતત ચાલુ: દુનિયા, યે દુનિયા તુફાન મેઈલ,એક હૈ આતા, એક હૈ જાતા સબ હિ મુસાફિર !

આ બાબત જેટલી કોરાના વાયરસને લાગૂ પડે છે, એટલી સમગ્ર માનવજાતને લાગૂ પડે છે ! ઈશ્ર્વર મૃત્યુ પમાડે અને ઈશ્ર્વર જ ઉગારે : કુદરતનો આ આવનજાવનનો ખેલ અનાદિ કાળથી ચાલતો રહ્યો છે… જન્મદિનની ઉજવણીઓ અને પૂણ્યતિથિ મનાવવાના દિવસો તો પરમાત્માની મરજી મુજબ આવે જાય, કોરોના વાયરસ તો નિમિત્ત, એનું જોર તો કેટલો વખત ચાલશે? આપણે રહેવા દેશુ એટલા જ વખતને ?

જીવનું-મરવું એ તો ઈશ્ર્વરના હાથની વાત છે…

Advertisement

આ સનાતન સત્યનો કોઈ ઈન્કાર કરી શકયા નથી.

જે કોઈ જન્મે છે એને કુદરતના નિયમ અનુસાર કાળના ગર્ભમાં વિલીન થવું જ પડે છે.

સદી પહેલાની એક ફિલ્મનુંગીત યાદ આવે છે.

દુનિયા, યે દુનિયા તૂફાન મેઈલ

એક હૈ આતા, એક હૈ જાતા, સબ હિ મુસાફિર…

દુનિયા, યે દુનિયા તુફાન મેઈલ !

ઈશ્ર્વરના એક ‘લોક’માંથી આ લોકમાં આવવાનું અને આ લોકમાંથી જૂના લોકમાં પાછા જવાનું એવો આ ખેલ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃતમાં તો એમ કહેવાયું છે કે, આ દુનિયામાં આ ઘરમાં રહીએ ત્યારે મહેમાનની જેમ રહેવું, ભાડેથી રહેતા હોઈએ અને પાછા જતા રહેવાનું નિશ્ર્ચિત છે. એમ રહેવું ઈશ્ર્વર આ પૃથ્વીલોકમાં રહેવા દેવાનું ભાડુ લેતા નથી. એટલે જો ઈશ્ર્વરનું ઋણ અદા કરવા ઈશ્ર્વરને ગમતા હોય તેવા સારા ભલાઈનાં કામો કરવા.

આપણે ત્યાં લગભગ દરરોજ કોઈસ્વજનની પૂણ્યતિથિ મનાવાય છે, તો કોઈ સ્વજનની આત્મીયજનની જન્મજયંતી ઉજવાય છે. પછી એ ધનવાનની હોય કે નિર્ધનની હોય ! પોતાના કોઈની હોયકે પારકા કોઈની હોય !

સંતો કહે છે કે, જે કોઈ આ લોકમાંથી જાય છે તે પોતાની સાથે કાંતો પાપનું ભાથું લઈ જાય છે. અથવા પૂણ્યનું ભાથું લઈ જાય છે. કોને જીવાડવા ને કોને ન જીવાડવા એ ઈશ્ર્વર નકકી કરે છે. કોને ઉગારવા અને કોને ન ઉગારવા એ ઈશ્ર્વર નકકી કરે છે.

આપણા અત્યારના ભારતમાં કોરોના-વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને બેસુમાર જાનમાલની ખુવારી સર્જી છે એણે માનવજાતની સામે અજબ જેવી વિમાસણ પેદા કરી છે. પૂણ્યંતિથિ મનાવવી કે જન્મતિથિ ઉજવવી એ બાબતમાં આખો દેશ ગોટે ચઢયો હોવાનો ખ્યાલ ઉપસે છે. આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે, ‘ચાર દિન કી ચાંદની, ઔર ફિર અંધેરી રાત હૈ…

એમ પણ કહેવાયું છે કે, યે જગ ચલા ચલી કા ખેલા, યે જગ દોદિનો કા મેલા’

આ બધુ માનવજીવનની ક્ષણ ભંગુરતા દાખવે છે, અને કોરોના જેવો કુદરતનો ખોફ એવી ક્ષણ ભંગુરતાની પ્રતીતિ કરાવે છે!

આ બાબતને આપણી પાપ-પૂણ્યની, પાપાચારની, દુષ્ટાચારની, પ્રમાણિકતા અને પવિત્રતા સાથે પણ સંબંધ છે.એને આપણી વેદિક સંસ્કૃતિ અને સદાચાર, સદવર્તન તેમજ સદ્વિચારની સાથે પણ સંબંધ છે.

મનુષ્યતા અને માનવીય સજજનતા સાથે પણ સંબંધ છે. અંગ્રેજીમાં એમ કહેવાયું છે કે, ‘અ મેન ઈઝ એ મિક્ષ્ચર ઓફ ગૂડ એલીમેન્ટ અન ઈવિલ એલીમેન્ટ, વ્હેર ગૂડ એલીમેન્ટ ઈઝ સ્ટ્રીકટલી લીમીટેડ’ અર્થાત મનુષ્ય માત્ર સારાં અને નરસાં તત્વોનું મિશ્રણ છે જેમાં સારા તત્વો જૂજ અને ક્ષુલ્લક જ છે.

‘કોરોના’ના કુદરતી કોપ અને હાહાકારના આવા વખતે એ કહેવું મુશ્કેલ બની જાય છે કે, કયારે કોની કોની પૂણ્યતિથિ મનાવવાની આવશે જન્મ જયંતિઓ ઉજવવાની આવશે !…

પરંતુ એ તો ઈશ્ર્વર નકકી કરે તેમ જ થઈ શકે, એમાં કોરોનાનું શું ગજુ? આ બધી રીતે વિચારતા એમ કહેવું જ પડે તેમ છે કે, મનુષ્યજીવન ક્ષણભંગુર છે, એની ચંચળતા ક્ષણિક છે અને તે કેટલા વર્ષોનું આયુષ્ય ભોગવશે તે વિષે નિશ્ર્ચિત કશું જ કહી શકાતું નથી. મહાત્મા ગાંધીજી જેવા એ એવું કહ્યું હતુ કે, જો મને કોઈ મારી નહિ નાખે તો હું ૧૨૫ વર્ષ સુધી જીવીશ અને આ હિન્દમાં રામરાજય લાવીને જ પગવાળીને બેસીશ. પરંતુ તેમના પ્યારા શ્રીરામે જે ધાર્યું હશે તેમજ બન્યું!…

  • કોરોના હજુ કેટલી હદે પહોચશે તે કહી શકાય તેમ નથી !

આપણા દેશના રાજકીય ક્ષેત્રની હલકટાઈક અને નેતાઓની હેવાનિયત આપણા દેશના ભવિષ્યની કાંઈ બહુ સારી છાપ ઉપસાવતા નથી. એમાંના મોટાભાગનાએ આ દેશની ભોળીભલી પ્રજાને વખતોવખત ભરમાવ્યા કરી છે. અને પ્રજાને આપેલા વચનોનો દ્રોહ કર્યા કર્યો છે. ગરીબ પ્રજાએ કોના ઉપર ભરોસો કરવો, એ પણ એક કોયડો જ રહ્યો છે.

ગંગા-જમના, સરસ્વતીનો આ દેશ, ગંગોત્રી-જમુનોત્રીનો અને હિમાલય, માનસરોવરનો આ દેશ આટલી હદે પાતક કેમ બની ગયો, એ શોધવા જેવું પડે તેમ નથી.

આપણી આર્ય સંસ્કૃતિ, વેદિક સંસ્કૃતિ, દેવભૂમિઓનાં સંસ્કાર ભારતીય સભ્યતા અને સૌથી વિશેષ તો હિન્દુ-ધાર્મિકતાનો હીનસ્તર સુધી થયેલો લોપ તેમજ સંસ્કૃત ભાષાની પંગુતા આપણા દેશની આ હાલત માટે જવાબદાર છે.

આપણા દેશની ગ્રામ્ય સંસ્કૃતિનાં તત્વસત્વોની આપણે સરિયામ ઉપેક્ષા તેમજ કૃષિ સંપત્તિની અવગણનાએ પણ આપણી વસુંધરાને રોળીટોળી છે. એ બધાને ‘કોરોના’ના શિકાર આપણે નથી જ દેવા… આપણી પૂણ્યતિથિઓ મનાવવાનાં અને જન્મજયંતિઓ ઉજવવાના આપણા પરંપરાગત ચીલાને આપણે નથી જ ચાતરવાનાં… જન્મ-મરણ અંગે વખતો વખત આપણે ઈશ્ર્વરને પ્રાર્થના કરતા રહેશું. પ્રમાણિકપણે અને મંદિરના ગર્ભગૃહ જેવી પવિત્રતા વડે આપણો દેશ તથા આપણા દેશના સવા લાખ ભાંડુઓને તમામ રીતે સમૃધ્ધ તથા સંપત્તિવાન બનાવવાની આપણી ભાવનાને આપણે બળવત્તર બનાવશું અને એવા કાર્યો કરશું કે આપણી માતૃભૂમિનાં સંતાનોને કાળનાં ગર્ભમાં વિલીન કરતી વખતે એમને વંદે અને બિરદાવે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.