Abtak Media Google News

જૂનાગઢની કામગીરી દેશભરમાં ઘ્યાન ખેંચનારી બની

જુનાગઢ તા ૨૪ સમગ્ર વિશ્વ અત્યારે  કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ચીનથી શરૂ થયેલી આ ઉપાધિ વિશ્વના તમામ વિસ્તારોમાં પહોંચી ચૂકી છે, ભારતમાં પણ સંક્રમિત અને આ બીમારીથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે,   અને હજુ આ મહામારી માનવજાતનો લાંબા સમય સુધી પીછો છોડવાની નથી તેવી ચેતવણી ગઈકાલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જગતને આપી દીધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર, રાજકોટ જેવા મહામારીના હોટ સ્પોટ બનેલા શહેરોના કારણે સ્વાસ્થ્યના ઇન્ડેક્સમાં ગુજરાત સાવ નીચે અને કોરોના ના ભયજનક સંક્રમિત રાજ્યોમાં ગુજરાતનો નંબર મહારાષ્ટ્રથી બીજા ક્રમે આવી ચૂક્યો છે.

સદ નસીબે જૂનાગઢ હજુ સુધી પોઝીટીવ કેસથી બાકાત રહ્યું છે ત્યારે શહેર-જિલ્લાની આ સારી પરિસ્થિતિનો જસ વહીવટીતંત્રની વ્યવસ્થાને આપવાની સાથે સાથે જૂનાગઢની પ્રજાના સંયમની પણ સરાહના કરવી જોઈએ, પણ જો આ પરિસ્થિતિના સાચા યશભાગી તરીકે કોઈને જસ આપવો હોય તો તે જિલ્લા આરોગ્ય તંત્રને જ આપવાનો જોઈએ.

જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં આ મહામારી સામે ગોઠવાયેલા સુદ્રઢ નેટવર્ક અને જન આરોગ્યની જાળવણીમાં જૂનાગઢ વહીવટી તંત્રના મુખ્ય સંકલનની જવાબદારી સંભાળતા જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ ચૌધરી દ્વારા  જિલ્લા આરોગ્ય તંત્રના નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરીને આ વાઇરસ સામે સઘન કાર્યવાહી ચલાવાતી હોવાથી જૂનાગઢ જીલ્લો અત્યાર સુધી સલામત રહ્યો હોવાનું કહેવામાં જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી.

જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતાના રાત, દિવસના અથાગ પ્રયાસો, દોડધામ અને સતત માર્ગદર્શન સાથે આંગણવાડીની બહેનો, રાત દિવસ ફરજમાં જોડાયેલ આશા વર્કર બહેનો, અને પોતાના કરતાં ગામના લોકોની આરોગ્યની ચિંતા કરતી ફિલ્ડ પરિચારિકા બહેનો, ભાઈઓ અને તબીબી સ્ટાફ  ઘેર ઘેર પ્રત્યેક વ્યક્તિ પર નજર રાખીને કોનો સામેની જાગૃતિથી લઈને તાવ, ઉધરસ અને શરદીના અંણસાર જોવા મળે કે તુરત જ તેની જાણકારી આરોગ્ય તંત્રને કરી અને દર્દીની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં એક પણ કેસ બહાર આવ્યો નથી, વળી દરેક ગામડાઓમાં ગ્રામ પંચાયત અને  જિલ્લા આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્રના સંકલનથી લઈને સફાઈ અને શંકાસ્પદ દર્દીઓની આરોગ્યની જાળવણી સહિતની તમામ વ્યવસ્થા સુંદર રીતે ચાલતી હોવાથી જૂનાગઢ જીલ્લો અત્યાર સુધી આ મહામારીથી બાકાત રહ્યો હોવાનું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.

બીજી તરફ આ મહામારી સામે ફ્રન્ટલાઈન વોરિયર તરીકે સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ, તબીબો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ, પોલીસ જવાનોની આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ચિંતન યાદવની સ્વાસ્થ્ય તપાસણી પણ સરાહનીય બની છે, જિલ્લામાં ચપરાસી, ક્લાર્ક,  પોલીસ કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારી-કર્મચારીઓની આરોગ્યની તપાસણી સ્થળ ઉપર જઈને કરી રહેલા ચિંતન યાદવ જાણે કે આ મહામારીમાં કોરો સાથે જંગ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયરની તંદુરસ્તી બરકરાર રાખવા ખંતથી કામ કરી રહ્યા છે.

કોરોના કટોકટીમાં જૂનાગઢ જિલ્લાની કામગીરી સમગ્ર દેશમાં ધ્યાન ખેંચનારી બની છે, હજુ સુધી શહેર જિલ્લામાં એક પણ પોઝિટિવ દર્દી આવ્યા નથી, તે માટે કલેકટર, જિલ્લા વહીવટી તંત્ર, ડીએસપીનું પોલીસ તંત્ર  તો સારું કામ કરે જ છે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે જિલ્લાની સારી પરિસ્થિતિનો જશ આપવો હોય તો તે આરોગ્ય વિભાગ, તબીબો અને છેવાડાના આરોગ્ય કર્મચારીઓ સુધીની ટીમને આપવો જોઈએ.અત્યાર સુધી બધું હેમખેમ ચાલ્યું જાય છે અને છેવટ સુધી જૂનાગઢ જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ ના આવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.