Abtak Media Google News

અમેરિકા, યુકે સહિત યુરોપિયન અને મધ્ય પૂર્વના દેશોની કોવેકિસને મંજૂરી મળતા વિદેશોમાં મુસાફરીનો ‘પીળો પરવાનો’ મળ્યો

કોરોના વાયરસ સામે જીત મેળવી વૈશ્વિક મહામારીને નાબૂદ કરવા હાલ રસી અને નિયમ પાલન જ એક અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કોરોના આવ્યો કે તરત જ રસી અંગેના સંશોધનનું શરૂ થઈ ગયા હતા. વિશ્વના મોટાભાગના દેશો, સરકાર તેમજ ડોક્ટર અને વૈજ્ઞાનિકો રસી બનાવવામાં લાગી ગયા હતા. પરંતુ આ સાથે જ રસીની રસ્સાખેંચ પણ ઊભી થઈ હતી.

100 ટકા વિશ્વસનીયતાનો અભાવ, આડઅસર, કિંમત અને સંગ્રહક્ષમતાને લઈને તો રસીની રસ્સાખેંચ ખરા જ પણ આ સાથે રસીની પેટન્ટ, ટ્રેડમાર્કને લઈને પણ  રસ્સાખેંચ શરૂ થઈ હતી. ત્યારે હાલ આ રસની રસ્સાખેંચનો અંત નજીક હોય તેમ લાગી રહ્યું છે.

નોંધનીય છે કે ભારતની સ્વદેશી રસી કોવેક્સિનની માન્યતાને લઈને ભારે રસ્સાખેંચ શરૂ થઈ હતી. જો કે હવે આનો અંત આવી ગયો હોય તેમ વિશ્વના મોટાભાગના દેશોએ ભારતના વેક્સિન સર્ટીફીકેટને શ્રી કૃતિ આપી દીધી છે. ગઈકાલે પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં વિશ્વના 96 જેટલા દેશોએ ભારતની રસી કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે.

નોંધનીય છે કે ભારતની બંને રસી કોવેક્સિન અને કોવિશિલ્ડ એમ આ બંને રસીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ પછી, ભારતીય રસીને માન્યતા આપનારા દેશોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધીમાં આઠ કોવિડ -19 રસીઓને માન્યતા આપી છે. તે ગર્વની વાત છે કે આમાં ભારતમાંથી બે રસી સામેલ છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની, ફ્રાન્સ, રશિયા, બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશો પણ ભારતની બંને રસીઓને માન્યતા આપનારા દેશોમાં સામેલ છે. જેના પગલે આ 96 દેશોમાં ભારતીયોને મુસાફરી માટેનો પીળો પરવાનો મળી ગયો છે.

ક્વોરન્ટાઇન કે અન્ય રોકટોક વગર ભારતીયો મુસાફરી કરી શકશે. આનાથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બિઝનેસ કે ધંધો કરતા અન્ય લોકોને મોટી રાહત મળશે. તેમણે કહ્યું કે હવે દેશમાં 109 કરોડથી વધુ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.