Abtak Media Google News

વિશ્વ આખુ જ્યારે સૌરાષ્ટ્રના સપૂત મહાત્મા ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવા જઇ રહ્યું છે ત્યારે રાજકોટમાં ગાંધીજીની શૈક્ષણિક કારકિર્દીનો પાયો જ્યાં મંડાયો હતો તેવી આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધી અનુભુતિ કેન્દ્રની સ્થાપના નિમિતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આ “સત્યપીઠ” દેશને સમર્પિત કરવા તારીખ 30ના રોજ રાજકોટના આંગણે પધારી રહ્યાં છે ત્યારે સમસ્ત શહેરના વિવિધ વર્ગો, સામાજીક સંસ્થાઓ અને ધાર્મિક મંડળોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાજપ પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવની યાદી જણાવે છે કે, હમણાં જ ધામધુમથી નિર્વિઘ્ને ઉજવાઇ ગયેલા ગણપતી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેનાર મંડળો તેમજ આવનારા નવરાત્રી મહોત્સવના આયોજક મંડળો વડાપ્રધાનશ્રીના રાજકોટ આગમનને વધાવવા સાંજે પાંચ વાગ્યે મેયર બંગલે ઉપસ્થિત રહેનાર છે. સાંજે સાત વાગ્યે રાજકોટની વિવિધ એન.જી.ઓ., સામાજીક સેવામંડળો, અગ્રણી સંસ્થાઓના હોદ્દેદારો વડાપ્રધાનશ્રીના આગમનને વધાવવા મેયર બંગલે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાત્રે નવ કલાકે વિવિધ સમાજના આગેવાનોની બેઠક વડાપ્રધાનને આવકારવા તેમજ પોતાના ઉત્સાહને વ્યક્ત કરવા અને વડાપ્રધાનશ્રી પ્રત્યેની લાગણીને અભિવ્યક્ત કરવા ઉપસ્થિત રહેનાર છે.

ઉપરોક્ત કાર્યક્ર્મ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના અધ્યક્ષ સ્થાને મેયરશ્રી બીનાબેન આચાર્ય, મ્યુનિ. ફાઇના. બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, શહેર મહામંત્રીશ્રીઓ દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, સ્ટેં. કમિટી ચેરમેન તેમજ પુર્વ મેયર શ્રી ઉદયભાઇ કાનગડ તેમજ ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.