Abtak Media Google News

ગેરરીતિઓ અટકાવવા ઘરખમ ફેરફારો લાવીને પારદર્શક વહિવટ બનાવવાનો પ્રયત્ન: પરમીટ પણ ઓનલાઈન મેળવી શકાશે

રાજયનું પુરવઠા વિભાગ હવે ડીજીટલાઈઝેશનની દિશામાં પ્રયાણ કરવા જઈ રહ્યું છે. પુરવઠા વિભાગમાં થતી ગેરરીતિઓ રોકવા માટે ઘરખમ ફેરફારો લાવીને વહિવટને પારદર્શક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં રેશનકાર્ડધારક રાજયની કોઈપણ રેશનીંગની દુકાનમાંથી મળવાપાત્ર જથ્થો મેળવી શકે, દુકાનદારો પુરવઠાની પરમીટ ઓનલાઈન મેળવી શકે તેમજ દુકાનમાં સ્ટોકની વિગતો ઓનલાઈન જોઈ શકાય તે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

રેશનીંગની દુકાનમાં મોટાપાયે થતી ગેરરીતિને ડામવા તેમજ કાર્ડધારકોને પડતી મુશ્કેલી નિવારવા માટે પુરવઠા વિભાગે ધરખમ ફેરફાર લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજયકક્ષાએથી ફેરફારોની અમલવારી કરવાની તજવીજ ચાલુ પણ કરી દેવામાં આવી છે. ફેરફારો મુજબ રેશનીંગની દુકાનમાં રહેલો સ્ટોક ઓનલાઈન જોઈ શકાશે. ઉપરાંત દુકાનદારો જેટલો સ્ટોક હશે તેટલા જ કુપનો કાઢી શકશે. આ સાથે દુકાનદારો પરમીટ પણ હવે ઓનલાઈન મેળવી શકશે. અત્યારસુધી તેઓ રોકડા પૈસા ભરીને જથ્થો મેળવતા હતા જેને બદલે હવે નેટ બેકીંગ, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ ચેકનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

રેશનીંગકાર્ડ ધારકોની સરળતા માટે તેમના રેશનકાર્ડ પરથી રાજયની કોઈપણ દુકાનમાંથી પુરવઠો ખરીદી શકાશે. રાજયકક્ષાએથી પુરવઠા વિભાગમાં આ પ્રકારના ફેરફાર કરીને તમામ વહિવટને પારદર્શક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેથી પુરવઠા વિભાગમાં થતી ગેરરીતિ અટકી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.