Abtak Media Google News

સરકારી શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સરકાર નવું બીલ લાવશે

ધોરણ ૫ અને ૮માં પરીક્ષા ફરજીયાત કરવા સરકારે સંસદમાં એક બીલ પસાર કરવાની તૈયારી દાખવી છે. તાજેતરમાં સીએબીઈની યોજાયેલી એક બેઠકમાં ૨૪ રાજયોએ ભલામણ કરી હતી કે જે રાજયોમાં ૫ અને ૮ ધોરણની પરીક્ષા લેવાતી નથી ત્યાં હવે ફરજીયાતપણે પરીક્ષા લેવાય. આ ભલામણો બાદ હવે કેન્દ્ર સરકાર એક બીલ પસાર કરશે.

હ્યુમન રીસોર્સીસ ડીપાર્ટમેન્ટ-એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે બેઠકમાં પ્રશ્ર્નોતરી દરમિયાન રાજયસભાના તમામ સભ્યોને જણાવ્યું કે, અમે ધોરણ ૫ થી ૮ની પરીક્ષાને લઈને એક બીલ લાવી રહ્યાં છીએ અને મને ઉમ્મીદ છે કે, આ બીલને તમારું સમર્થન મળશે. આ બીલ અંતર્ગત માર્ચમાં યોજાનારી પરીક્ષામાં નાપાસ થનારા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો બીજો મોકો મળી રહેશે અને તેઓ ફરી મે મહિનામાં પરીક્ષા આપી શકશે.

જો કે, એચઆરડી મંત્રી જાવડેકરે સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આ કેન્દ્રીય કાનુન પસાર થયા બાદ તેનો અમલ રાજયો પર નિર્ભર રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા યોજવી કે કેમ તે રાજય સરકાર નક્કી કરશે. જો કે, ૨૪ રાજયો આ બીલ માટે અગાઉથી તૈયાર છે.

સીએબીઈની આ બેઠકમાં એક પ્રશ્ર્નનો જવાબ આપતા મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અડધેથી શાળા છોડી દેતા વિદ્યાર્થીઓનો રેશિયો ખાનગી શાળાની સરખામણીએ સરકારી શાળામાં લગભગ બે ગણો વધારે છે. તેમજ સરકારી શાળાઓમાં શિક્ષણ સહિતની સવલતોનું સ્તર ઘટયું છે તે વાત નકારી શકાય નહિ અને આથી જ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પ્રાઈવેટ સ્કુલો તરફ વધુ આકર્ષિત થઈ રહ્યાં છે.

જાવડેકરે એ પણ જણાવ્યું કે, ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ઉચ્ચતર અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની વધુ સંખ્યાના કારણે જાણવા માટે પણ કોઈ અધ્યયન કરાયા નથી. તેમણે કહ્યું કે, મોટી સમસ્યા ધોરણ ૯માં જ ઉભી થાય છે. કારણ કે વર્તમાન સમયમાં ધોરણ ૧ થી ૮માં કોઈ પરીક્ષા લેવાતી નથી અને તેથી કોઈ પણ બાળક નાપાસ થતું નથી. પરંતુ જયારે ધોરણ ૯માં આવે ત્યારે પરીક્ષામાં નબળા દેખાવથી નાપાસ થયા છે.

એચઆરડી મીનીસ્ટરે કહ્યું કે, આ બંને ચિંતાના વિષયો છે અને સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં સુધારો કરવો અનિવાર્ય બન્યું છે. આથી આ મુદ્દે સરકાર ઘણાં પગલાઓ લઈ રહી છે. જયારે બેઠકમાં પ્રશ્ર્ન પુછવામાં આવ્યો કે શું શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા સરકારી શાળાઓને ખાનગી ક્ષેત્રને સોંપવાનો કોઈ પ્રસ્તાવ છે ત્યારે આ પ્રશ્ર્નો જવાબ આપતા જાવડેકરે કહ્યું કે, સરકારી સ્કુલોને પ્રાઈવેટ ક્ષેત્રના હાથમાં સોંપવાનો કોઈ પ્રસ્તાવ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.