Abtak Media Google News

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલી સહાય અંગે પણ નાણામંત્રી સમીક્ષા કરશે

વૈશ્વિક મહામારી કોરોના બાદ દેશના ઉધોગોને કેવી રીતે વેગવંતુ બનાવવું અને સ્થાનિક લોકોને આર્થિક સંકળામણનો સામનો ન કરવો પડે તે માટે કયા પ્રકારના પગલા લેવા જોઈએ તે માટે બેંકો અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે નાણામંત્રી આજે બેઠક યોજવાના છે જેમાં લોન અને ધિરાણની સમસ્યાને પણ નિવારવામાં આવશે. કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તેની પણ સમીક્ષા હાલ હાથ ધરવામાં આવશે. સરકારે લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે  ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ અને ક્રેડિટ ગેરેન્ટી સ્કીમને અમલી બનાવી છે ત્યારે આ બંને યોજનામાં ઉધોગ સાહસિકોને કેટલી સહાય આપવામાં આવી છે તે અંગેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવશે. સરકારે લોનની ભરપાઈ માટે મોરોટોરીયમ પીરીયડમાં પણ વધારો કરવાનું જણાવ્યું છે ત્યારે સ્થાનિક લોકોને લોન રીકાસ્ટ કરવા માટે પણ આજે મંત્રણા હાથ ધરાશે.

નાણામંત્રી નિર્મલા સીતારામન આજે તમામ બેંકોના વડા અને એનબીએફસી કંપનીના હેડ સાથે મંત્રણા કરશે જેમાં બેંકો દ્વારા આપવામાં આવેલી લોન હેઠળ જે પડકાર ઉભો થયો છે તેને કેવી રીતે નિવારી શકાય અને સરકાર આ મુદ્દે કેવી રીતે મદદ કરી શકશે તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવશે. કોરોના બાદ લોકોને આપવામાં આવેલા લોન અને ધિરાણ થકી ઘણી સમસ્યાઓ ઉદભવિત થઈ છે જે રકમ ઋણ રૂપે આપવામાં આવી છે તેને પરત આપવા માટે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડયો છે ત્યારે લોકોની આ તકલીફને નિવારવા માટેની આજે યોજાનારી બેઠક અત્યંત ફાયદારૂપ નિવડશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત માસમાં કોર્પોરેટ અને રીટેલ લોનની સમયમર્યાદામાં લોન રીસ્ટ્રકચરીંગ કરવાનો નિર્ણય લીધો હતો તેને પણ ફરી વખત અનુસરવામાં આવે તેવી હાલ આશા પણ જોવાઈ રહી છે. નાણામંત્રી દ્વારા આજરોજ જે બેઠકનું આયોજન થવાનું છે તે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સંપર્ક સુત્રોના જણાવ્યા મુજબ રીસ્ટ્રકચરીંગ લોનનો લાભ જુજ લોકોને જ મળશે. જયારે દેશને આર્થિક સઘ્ધરતા આપવા ઉધોગ અને રીટેલ ક્ષેત્રને જે લોન આપવામાં આવી છે તેનું ભારણ તેમના ઉપર ન રહે તે માટેની આજની બેઠક અત્યંત કારગત અને મહત્વપૂર્ણ નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.