સોશિયલ મીડિયાનો પ્રતાપ: 61 ટકા યુવાનો સંબંધોને ‘જુઠ્ઠા’ સમજે છે

દેશના 50 શહેરોમાં 15થી 25 વર્ષના 26 હજાર યુવાનો પર સર્વે; પરિવાર, પૈસા,મિત્ર અને કોરોના જેવા વિષયો પર પૂછાયેલા પ્રશ્ર્નોના રસપ્રદ અને ચોકાવનારા જવાબ મળ્યા

આજના 21મી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજીએ માનવજીવનને સરળ બનાવી દીધું છે પણ આ સાથે સિક્કાની બે બાજુની જેમ નકારાત્મક અસરો પણ ઉભી કરી છે. ટેકનોલોજીએ બેઠાળું અને આળસુ કરી દીધા છે એટલું જ નહીં સંબંધો પણ જાણે મર્યાદિત કરી દીધા હોય તેમ વ્યવહારુ જીવન બની ગયું છે. ભલે અગાઉની જેમ આજના સમયમાં 15-15 દિવસ કે મહીનાઓની ચીઠ્ઠી ચબરખીઓ લખી સંદેશોની રાહ નથી જોવી પડતી પણ ટેલીફોમ, મોબાઈલ, ઈમેઈલની સુવિધાએ સંબંધોમાં લૂણો લગાડી દીધો હોય તેમ ઊંડો રસ જળવાઈ રહેતો નથી. આ બાબતો તાજેતરમાં એમટીવી સ્ટુડિયો દ્વારા કરાયેલા એક સર્વેમાં પણ સાચી સાબિત થઈ છે. વર્ષ 1990ના દાયકાના અંતથી અને 2010ના દાયકાની શરૂઆતમાં જન્મેલા લોકો પર એક સર્વે હાથ ધરાયો હતો જેમાં રસપ્રદ તો સાથે સાથે હેરાન કરી દેનારા તારણો સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના રોગચાળાને કારણે સૌ કાઈએ મુશ્કેલ સમય પસાર કરવો પડ્યો છે. લોકડાઉનમાં બહાર નીકળવાની મનાઈ, અને નીકળવું હોય તો ફરજીયાત માસ્ક સાથે નીકળવું…. આ બધી બાબતોએ માનવ જીવન પર ખૂબ અસર ઉપજાવી છે. શું આનાથી કુટુંબ, કારકિર્દી, જીવન અને સંબંધો વિશેના આજના યુવકોના વિચારો બદલાયા છે ? આ જાણવા માટે એમટીવી દ્વારા વર્ષ 15 થી 25 વયની વચ્ચેના આશરે 26 હજાર જેટલા યુવકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ અભ્યાસ દેશભરના 50 શહેરોમાં કરવામાં આવ્યો હતો અને આશરે 36 હજાર જેટલા યુવકોને પૈસા, શિક્ષણ, રાષ્ટ્રભક્તિ, કુટુંબ, મિત્રો, આધ્યાત્મિક અને કોરોનાને લઈ 185 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં ઘણા રસપ્રદ જવાબો સામે આવ્યા છે. ગીતની કડી છે ને ચહેરોને લાખો કો લૂંટા…. દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા… આ ગીત આજના યુવકોના વિચારો પર જરૂર લાગુ પડે છે. સોશિયલ મીડિયાના પ્રતાપે આજના યુવકોને જેમ ફેસબુક, વોટ્સએપના મેસેજ ફેક લાગે છે તેમ સંબંધો પણ ફેક લાગવા લાગ્યા છે. આ 26 હજારમાંથી 61 ટકા યુવાનો સંબંધોને ‘જુઠા’ સમજે છે..!!

આ ઉપરાંત એવા પણ તારણો સામે આવ્યા છે કે, 46 ટકા લોકો કે જે પૈસાને જ સર્વસ્વ ગણે છે….પૈસા છે તો બધું છે. આ ઉપરાંત 25 ટકા લોકોનું એવું કહેવું છે કે તેઓ લગ્નમાં માનતા નથી કારણ કે આજના સંબધો ફાસ્ટફૂડ જેવા થઈ ગયા છે.