સરકારી સહાયની પદ્ધતિમાં હવે જડતા જવી જરૂરી

કોઈ કામ માટે કતારમાં ઉભું રહેવું પડે તેવી નોબત જ શુ કામ આવે ?  જરૂર છે માત્ર કામ કરવાની ઈચ્છાની અને મેનેજમેન્ટની

સરકારી સહાયની પદ્ધતિમાં હવે જડતા જવી જરૂરી છે. સરકાર અને સરકારી તંત્ર બન્ને માટે સૌથી કેન્દ્રમાં અરજદાઓની સરળતા જ હોવી જોઈએ. કોઈ અરજદારને સરકારી કામ માટે કચેરી બહાર ઉભું રહેવું પડે તેવું શુ કામ થવું જ જોઈએ ? આવા દ્રશ્યો પાછળ કામ કરવાની ઈચ્છા અને મેનેજમેન્ટનો અભાવ જ કારણભૂત છે. સરકારે નવા નવા અનેક ફેરફારો કર્યા છે. બસ હવે આ એક ફેરફાર જરૂરી બન્યો છે.

સરકાર કોઈ પણ સહાયની જાહેરાત કરે છે. બાદમાં તેનો અમલ કરે છે. પણ તેનો લાભ લેવામાં અરજદારોની સરળતા જોવાતી નથી. જો કે આ વસ્તુ માત્ર સરકાર તરફથી નહિ. સ્થાનિક તંત્ર તરફથી પણ જોવાની થતી હોય છે. એવી સહાય શુ કામની જે અરજદારોને હેરાન કરીને આપવામાં આવે ? આનાથી તો ઉલ્ટાનું અરજદારોને સરકાર પ્રત્યે નકારાત્મક વિચારો ઉત્પન્ન થશે.

સરકારી સહાય માટે અરજદારને સરળતા રહે તે પ્રમાણે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ પ્રેક્ટીકલ બનીને કામ કરતા નથી. બસ જડતા ભર્યું વલણ અપનાવે છે. ઘણી વખત માનવતાવાદી વલણ પણ અપનાવવું જરૂરી છે. અત્યારે ચાલી રહેલો મુદ્દો જ જોઈએ તો સરકારે કોરોના સહાયની જાહેરાત કરી. હવે રૂ. 50 હજારની સહાય મેળવવા માટે અરજદારોને અનેક ધક્કાઓ થઈ રહ્યા છે. આમા મોટા ભાગના કિસ્સામાં સમસ્યા ત્યાં ઉદભવે છે કે અધિકારી આ કામગીરીમાં કોઈ રસ દાખવતા નથી. તેઓ કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી ઉપર કામગીરી થોપી દેતા હોય છે.

વધુમાં અધિકારીઓ કે કર્મચારીઓ પ્રેક્ટીકલ બનતા જ નથી. આજે જ એક એવો કિસ્સો આવ્યો કે કર્મચારીએ એક ફોર્મમાં એ કવેરી કાઢી કે ફોર્મની ઝેરોક્ષ જોડેલી છે એટલે એ ન ચાલે. ઓરીજનલ ફોર્મ જ ચાલે. હવે સરકારે જ જાહેરાત કરી હતી કે લોકોને કચેરી સુધી ધક્કા ન ખાવા પડે એટલે ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પણ ઉપયોગમાં લઈ શકાશે. આમ કઈ વિચાર્યા વગર પોતાની જાતે જ અરજદારોને હેરાન કરતા નિર્ણયો લેવા એ યોગ્ય નથી.