Abtak Media Google News

પરિક્રમા પથ યોજના અંતર્ગત સરકાર 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રોડને 10 મીટર પહોળા કરશે

ગુજરાત રાજ્ય સરકાર પરિવહનને સુદ્રઢ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં અંતરિયાળ રસ્તાઓને હાઇવે થી જોડી દેવા રાજ્ય સરકાર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને આ વાતને ધ્યાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 2213 કરોડ મંજૂર કર્યા છે. આ યોજના અંતર્ગત નાના ગામડાઓને મુખ્ય શહેરો સુધી જોડવામાં આવશે એટલું જ નહીં ફોરલેન રસ્તા, 10 મીટર પહોળા રસ્તા, બ્રિજ અને બાયપાસની સાથો સાથ પોર્ટ અને ઔદ્યોગિક કેન્દ્રોને વિકસિત કરાશે.

પરિક્રમા પથ યોજના અંતર્ગત સરકારે 467 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા છે જેમાં 17 જિલ્લાઓમાંથી પસાર થતા 37 રસ્તાઓને 10 મીટર પહોળા કરવામાં આવશે. અમરેલી, ગીર-સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં અંતરિયાળ રસ્તાઓને હાઇવેથી જોડી દેવાશે. હાઇવે ને વધુ વિકસિત બનાવવા માટે સરકાર ટોપીંગ ટેકનોલોજી નો ઉપયોગ કરશે અને તેના માટે હાલ ત્રણ સ્ટેટ હાઇવે ની પસંદગી કરવામાં આવી છે અને તેની પાછળ 66 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. બીજી તરફ વિકાસની હરણફાળ ભળવા સરકાર જે બંદરો છે તેને પણ ઔદ્યોગિક વિસ્તારો સાથે જોડવા માટે કુલ 146 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા છે જેમાં 177 કિ.મી રસ્તા અને 10 રોડને 10 મીટર પહોળા કરવામાં આવશે.

ટુરીઝમને પણ વિકસિત કરવા માટે સરકાર ખૂબ મહત્વપૂર્ણ પગલાઓ લઈ રહી છે ત્યારે ટુરિસ્ટ સર્કિટ જેવી કે વડનગર,પાવાગઢ, અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથ આ તમામ ટુરિસ્ટ સર્કિટ ના રોડને 10 મીટર વધુ પહોળા કરાશે અને તેના માટે સરકાર 105 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બીજી તરફ ગુજરાત રાજ્ય સરકારે મહેસાણા થી પાલનપુર કે જે 6 લેન રોડ છે તેના પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે 465 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ પગલાંઓ કે જે સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ અને સરળ બને અને જે ગામડાઓ શહેરો સુધી જોડાયા નથી તેને જોડવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.