Abtak Media Google News

Table of Contents

સવારની સ્થિતિએ બિપરજોય જખૌથી 180 કિમી, દ્વારકાથી 210 કિમી, નલીયાથી 210 કિમી

અને પોરબંદરથી 290 કિમી દૂર, વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી વધી રહ્યું છે આગળ

8 જિલ્લામાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી: 1 લાખ લોકોનું સ્થળાંતર, સૌરાષ્ટ્રનો દરિયો ગાંડોતુર: તંત્ર હાઈ એલર્ટ ઉપર આગામી 24 કલાક ભારે

ગત રોજ કરતાં સ્થિતી હળવી બની, લેન્ડફોલ થયાં બાદ જ સાચી દિશા નક્કી થશે

આજે સાંજે બીપરજોય વાવાઝોડું કચ્છ તરફ ત્રાટકે તેવી સંભાવાના છે. જેને પગલે વિનાશ વેરાય તેવી શકયતા હાલ સેવાઈ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા આગામી 24 કલાક ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે આગમચેતીના તમામ પગલાઓ લેવાઈ ચુક્યા છે.

Advertisement

બિપરજોય વાવાઝોડા અને ગુજરાતના દરિયા કિનારા વચ્ચે હવે અંતર સતત ઘટી રહ્યું છે. સવારની સ્થિતિએ બિયરજોય જખૌથી 180 કિમિ, દ્વારકાથી 210 કિમિ, નલીયાથી 210 કિમિ અને પોરબંદરથી 290 કિમિ દૂર, વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી વધી આગળ વધી રહ્યું છે. તંત્ર દ્વારા 1 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રભરનો દરિયો ગાંડોતુર બન્યો છે.  તંત્ર હાઈ એલર્ટ ઉપર છે અને આગામી 24 કલાક ભારે ગણાવવામાં આવી રહી છે. ઉપરાંત  8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

બિપરજોય’ વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે. આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈ હાલ માંડવી ખાતે વરસાદ વરસી રહ્યો છે તેમજ માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

ભારે અનિશ્ચિતતાઓ અને આશંકાઓની વચ્ચે આખરે શક્તિશાળી ચક્રવાત બિપોરજોય ટકરાવવા જઈ રહ્યું છે. આજે સાંજે 4થી 8 વાગ્યાની વચ્ચે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચીના વચ્ચેના ભાગમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તેની ગતિ વધીને 150 કિમી સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૂસવાટાભેર પવનની સાથે બિપોરજોય દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર તેમજ મોરબી જિલ્લામાં ભારે તબાહી મચાવશે તેવી શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ ખાતે ટકરાશે અને આસપાસના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારો બે દિવસ બંધ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાને પગલે મોટાભાગના વિસ્તારો આજથી બંધ રહ્યા છે. જો કે કચ્છમાં આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તંત્રની અપીલને પગલે લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. જેને પગલે આજથી મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ગામો પણ આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે.

વાવાઝોડુ અઢીથી ત્રણ કલાક સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળશે

સાંજે અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળવું હિતાવહ

આજે સાંજે બિપર જોય  વાવાઝોડું   કચ્છના જખૌ બંદરે  ત્રાટકશે. વાવાઝોડું ટકરાયા બાદ સતત અઢીથી  ત્રણ કલાક સુધી સૌરાષ્ટ્ર કચ્છને  ધમરોળશે સાંજના સમયે વાવાઝોડું ત્રાટકે ત્યારે કાઈ અગત્યના  કામ સિવાય   ઘરની બહાર  ન નીકળવું  લોકો માટે હિતાવહ છે. વાવાઝોડું  ત્રાટકયા બાદ થોડીવાર  પછી   તેની પવનની ગતિ ઘટી જશે. પરંતુ થોડી ક્ષણો બાદ ફરી ખતરનાક  પવન ફૂંકાશે  લોકોએ સાવચેતી  રાખવી જરૂરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 179 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

અધધધ 2445 જેટલા વીજ પોલ જમીનદોસ્ત: 1487 જેટલા ફીડરો બંધ

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાને પગલે 179 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાય ગયો છે. જેના રીપેરીંગ માટે પીજીવીસીએલ તંત્રમાં ભારે દોડધામ મચી છે. આ ઉપરાંત પણ પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળના રાજકોટ ગ્રામ્યમાં 9 ગામ, પોરબંદરના 33, જૂનાગઢના 14, જામનગરના 82, ભુજના 40 અને અમરેલીનુ 1 મળી કુલ 179 ગામોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્યમા 138 વીજ પોલ, મોરબીમાં 57, પોરબંદરમાં 409, જૂનાગઢમાં 572, જામનગરમાં 889, ભુજમાં 115, અંજારમાં 6, ભાવનગરમાં 9, બોટાદમાં 6, અમરેલીમાં 194 અને સુરેન્દ્રનગરમાં 50 મળી કુઓ 2445 વીજ પોલ ડેમેજ થયા છે. જ્યારે ફીડરની હાલત જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં 1427 એગ્રીકલ્ચર ફીડર, 52 જ્યોતિગ્રામ ફીડર અને 2 ઇન્ડસ્ટ્રીયલ ફીડર મળી કુલ 1487 ફીડર બંધ છે.

જામનગરમાં સવારથી વાતાવરણ એકરસ: વરસાદ શરૂ

10,000 થી વધુ લોકોનું સ્થળાંતર: વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ, જી.એસ.ડી.એમ.ડી. દ્વારા જામનગર ખાતે હેમ રેડીયોની ટીમ ફાળવાઇ

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર વહીવટી તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તાર અને દરિયા કિનારે વસ્તા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરાઇ રહી છે. અંદાજે 10 હજાર લોકોને સ્થળાંતરીત કરીને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરને ઘ્યાને લઇ જામનગર એસ.ટી. ડીવીઝન દ્વારા લોક અને એકસપ્રેસની બસો મળીને 166 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. શહેરને હેમ રેડીયો ટીમ ફાળવવામાં આવી છે. સવારથી જ જામનગરમાં ભારે પવન ફુંકાય રહ્યો છે અંદાજે 40 કી.મી. ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત તંત્ર દ્વારા વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. દરીયા કાંઠા વિસ્તાર નીચાણવાળા વિસ્તારના લોકોને વિવિધ જગ્યાએ સલામત સ્થળે ખસેડવામા: આવેલ જે વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પુરતી તૈયારી પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દભાઇ પટેલે સંભવિત વાવાઝોડાને નુકશાન પામનાર કચછ, દ્વારકા, જામનગર, સોમનાથ જિલ્લાના 164 ગામોના સરપંચો સાથે વાતચીત કરી છે. અને અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે તે માટે કલેકટરોને સુચના પણ અપાઇ છે.

વાવાઝોડાએ પોરબંદર ચોપાટી પર કરી ઉથલ પાથલ: 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બિપોરજોય વાવાઝોડાને લઇને ગુજરાતવાસીઓના શ્વાસ અદ્ધર છે. અનુમાન અનુસાર, આજે સાંજે જખૌની આસપાસ ટકરાશે. આ તમામ અપડેટ્સની વચ્ચે પોરબંદર ચોપાટીના રસ્તા પર રેતીના થર જામી ગયા છે અને પથ્થરોનો ખડકલો થયો છે. તોફાની મોજાના કારણે ચોપાટી પર નુકસાન જોવા મળી રહ્યું છે.અને શહેરમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને વાવાઝોડું નજીક આવી રહ્યુ છે. ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામા આવી રહ્યા છે અને સોમવાર સાંજથી સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.   પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં સાંજના સમયે ખુદ એસપી ડો. રવિમોહન સૈની સુભાષનગર ખાતે દોડી ગયા હતા અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં અંદાજે એક હજારથી પણ વધુ લોકોનો સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે કયાંક છુટો છવાયો તો કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોમનાથ જિલ્લામાં સદભાગ્યે કોઇ અનિચ્છનીય ઘટના બની નથી દરિયા કિનારાથી નજીકના વિસ્તારના પાણી, વીજળી સહિતની વ્યવસ્થાઓ પણ જળવાઇ રહે તેની તકેદારી રાખવામાં આવી છે. વહીવટી તંત્ર રાત-દિવસ એક કરી લોકોને કોઇ તકલીફોનો ભોગ ન બને તે માટે સતર્કતા સાથે સજજ છે. અને યુઘ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.