Abtak Media Google News

જીએસટી વળતર, કેપિટલ સબસીડી, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર વળતર, વીજળીમાં રાહત સહિતની ભેટ અપાશે

ભારતની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય સૌથી પ્રબળ છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતની હવામાં વ્યાપાર છે અને અહીં લોકો વ્યાપાર ક્ષેત્રે પોતાનો પગદંડો અજમાવતા હોય છે . કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ મહત્વપૂર્ણ રીતે ગુજરાતના ઉદ્યોગકારોને નાણાકીય સહાય અને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ નીતિઓની અમલવારી પણ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઉદ્યોગકારોને ઝડપભેર વિકસિત બનાવવા અને સરકારના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ ની અમલવારી પણ શરૂ કરવામાં આવેલી છે ત્યારે ફરી એક વખત સરકાર ત્રણથી ચાર મુદ્દાઓ કે જે ઉદ્યોગકારો માટે સૌથી મહત્વના છે તેને ધ્યાને લઈ ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કરશે.

રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નીતિમાં બદલાવ કરવાનો જે નિર્ણય લીધો છે તેના માટે તેઓએ રાજય સરકારના અધિકારીઓ અને ઉચ્ચ ઉદ્યોગકારો સાથે અનેક વખત મંત્રણા કરી છે, જેમાં એ નિષ્કર્ષ નીકળ્યો છે કે રાજ્યની આવક અને ખર્ચ વ્યવસ્થા ને વધારવી હોય અને વિકાસની હરણફાળ ભરવી હોય તો ઉદ્યોગિક નીતિમાં બદલાવ લાવો જરૂરી છે.  હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીની અમલવારી શરૂ કરવામાં આવી હતી અને વનનેસન વન ટેક્સની જે વાત હતી તેમાં ઉદ્યોગકારોને જે વળતર મળવું જોઈએ તે હજુ સુધી મળ્યું નથી જેના ભાગરૂપે નવી ઔદ્યોગિક નીતિમાં ઉદ્યોગકારોને યોગ્ય જીએસટી વળતર મળી રહે તે હેતુસર પણ કાર્યો હાથ ધરવામાં આવશે.

સરકાર નવી ઔદ્યોગિક નીતિમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ,મેગા ઇન્ડસ્ટ્રી અને લાર્જ ઇન્ડસ્ટ્રી ને અનુરૂપ નિર્ણય લઈ રહ્યું છે અને આગામી થોડા દિવસોમાં જ સરકાર નવી નીતિની અમલવારી શરૂ કરે તેવું માનવામાં આવી રહ્યું છે. તમામ ઔદ્યોગિક સ્તર દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થતા હોય છે ત્યારે સરકાર દ્વારા આ અંગે જો ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઘણો ખરો ફાયદો પણ મળી શકે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થાને અને ગુજરાતના વિકાસની ગતિને આગળ વધારવા અત્યંત મદદરૂપ સાબિત થશે.

રાજ્ય સરકાર દ્વારા એ વાત ઉપર પણ ગંભીરતા દાખવવામાં આવી છે કે કોઈપણ ઉદ્યોગો અથવા તો નવા સ્ટાર્ટ અપ જે ઉભા થઈ રહ્યા છે તેઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ આર્થિક લાભ અપાતી યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે દિશામાં જ સરકાર સતત કાર્યશીલ રહેશે. ઉદ્યોગકારોના ઉદ્યોગને ઝડપી કઈ રીતે વિકસિત કરી શકાય અને તેઓને ખૂટતી ચીજ વસ્તુઓ ને ઝડપભેર કેવી રીતે આપી શકાય એ સરકારનો હાલ મુખ્ય હેતુ છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ગુજરાતમાં ગિફ્ટ સિટી ઊભું કરી વિશ્વને ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા છે જે ગુજરાત રાજ્ય માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે. ઉદ્યોગકારો પણ સતત એ વાત ઉપર આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમનો વ્યવસાય ખૂબ જ ઝડપભેર વિકસિત થશે.

ઉદ્યોગોને વિજળીમાં પ્રતિ યુનિટ રૂપિયા એકનું વળતર અપાશે

કોઈપણ ઉદ્યોગ માટે વીજળી પ્રાથમિક જરૂરિયાત છે ત્યારે ઉત્પાદકતા વધારવા સરકાર દ્વારા ઉદ્યોગકારોને વીજળીમાં વળતર આપવાનું નક્કી કર્યું છે જેમાં પ્રતિ યુનિટ દીઠ રૂપિયા 1નું વળતર આપશે રાજ્ય સરકાર જેથી ઉદ્યોગો ઉપર કોઈ અતિરેક બોજ ઉભો ન થાય. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

એક હજાર કરોડ થી લઇ 5ાંચ હજાર કરોડ સુધીના રોકાણ પર વળતર આપશે સરકાર

ગુજરાત રાજ્યમાં વિદેશી કંપનીઓ સાથે સ્થાનિક કંપનીઓ પણ જંગી રોકાણ કરી રહ્યું છે તેમાં નવી ઔદ્યોગિક નીતિમાં સરકારે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે ઉદ્યોગ 1000 કરોડથી લઈ રૂપિયા 5,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે તો તેઓને યોગ્ય વળતર પણ આપવામાં આવશે એટલું જ નહીં 50 ટકા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જીએસટીમાં પણ વળતર મળશે. બીજી તરફ સરકારે 7% કેપિટલ સબસીડી આપવાનો પણ નિર્ણય કર્યો છે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથે મોટા ઉદ્યોગો અને મેગા ઇન્ડસ્ટ્રીને સંયુક્ત રીતે 10,000 કરોડ રૂપિયાના લાભો આપવામાં આવશે

નવી ઔદ્યોગિક નીતિમાં રાજ્ય સરકારે દરેક ઉદ્યોગને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે જેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉદ્યોગ લઘુ અથવા મધ્યમ હોય કે પછી મોટા ઉદ્યોગો હોય કે મેગા ઇન્ડસ્ટ્રી હોય આ તમામ ઉદ્યોગોને સંયુક્ત રીતે સીધા અથવા તો આડકતરી રીતે દસ હજાર કરોડ રૂપિયા ના લાભો આપવામાં આવશે જેથી તેમની ઉત્પાદકતા ક્ષમતામાં વધારો નોંધાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.