Abtak Media Google News

વધુ ખોદકામ, આરસીસી વર્ક, નવા સ્લેબ કલવર્ટ અને ડ્રેનેજ પાઇપલાઇન તથા પ્રિ-ટ્રેસ ગર્ડરની કામગીરીના લીધે રૂ.14.89 કરોડનો ખર્ચ વધ્યો: સિમેન્ટ, સ્ટીલ સહિતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થતાં પ્રાઇઝ એક્સેલેન્સન હેઠળ 10 કરોડ વધુ ચુકવવા પડશે

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી-આર્મ ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. મૂળ રૂ.59.23 કરોડના એસ્ટીમેન્ટના કામ 43 ટકા ઓન સાથે રૂ.84.71 કરોડમાં અમદાવાદની ડેલ્ફ ક્ધસલ્ટીંગ એજન્સીને સોંપવામાં આવ્યું છે. જો કે, હવે આ બ્રિજ 84.71 કરોડમાં નહીં પરંતુ 109 કરોડમાં પડશે. વધારાનો 25 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 54 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રિ-આર્મ ફ્લાય ઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ માટે રૂ.84.71 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. દરમિયાન ટેન્ડરમાં ન હોય તેવું કામ પણ કરવાની ફરજ પડતા વધારાના કામ માટે રૂ.14.89 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે ટેન્ડરની શરત મુજબ સિમેન્ટ, સ્ટીલ સહિતની ચીજવસ્તુઓમાં જોરદાર ભાવ વધારો થવાના કારણે પ્રાઇઝ એક્સલેન્સન હેઠળ રૂ.10.06 કરોડ ચૂકવવા સહિત રૂ.24.96 કરોડ વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે એસ્ટીમેઇટમાં સુપર સ્ટ્રક્ચરમાં આર.સી.સી. પ્રિકાસ્ટ ગર્ડર લેવામાં આવ્યા હતા. ડીઝાઇન સર્કલ (આર એન્ડ બી) દ્વારા બ્રિજના મુખ્ય ચોક તથા ખટારા સ્ટેન્ડ ચોક સીવાયના ભાગમાં આર.સી.સી. પ્રિકાસ્ટ ગર્ડર મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ આ બંને ચોકમાં આર.સી.સી. પ્રિકાસ્ટ ગર્ડરને બદલે આર.સી.સી. પ્રી-સ્ટ્રેસ ગર્ડર મંજૂર કરવામાં આવેલ છે. ડીઝાઇન સર્કલ દ્વારા હવેથી તમામ બ્રીજમાં આર.સી.સી. પ્રી-સ્ટ્રેસ ગર્ડર મંજૂર કરવામાં આવે છે. જેથી પ્રી-સ્ટ્રેસ ગર્ડર માટેના સ્ટ્રેઇન કેબલ, સીથીન પાઇપ, એન્કર કોન, વિગેરે આઇટમ મૂળ એસ્ટીમેઇટમાં ન હોય આ કામગીરી વધવા પામેલ છે.

એસ્ટીમેઇટમાં બંને તરફના સર્વિસ રોડ ઉપર યુટીલીટી સર્વિસીઝ માટે 300 મી.મી. ડાયાના 2 પાઇપ અને 150 મીમી ડાયાના 2 આર.સી.સી. પાઇપ લેવામાં આવેલ, સાઇટની પરિસ્થિતિ અનુસાર આ પાઇપ લેઇંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોય કોંન્ક્રીક્ટનું બોક્સ બનાવી આ પાઇપો નાખવામાં આવેલ છે.

જવાહર રોડ તથા અમદાવાદ રોડ ઉપર ડ્રેનેજની 1200 મીમી ડાયાની આર.સી.સી. પાઇપલાઇન-311.00 મીટર તથા સિવિલ હોસ્પિટલ ચોકમાં 900 મીમી ડાયાની આર.સી.સી. પાઇપલાઇન-85.10 મીટર બ્રિજના કૂટીંગના ખોદાણ કામમાં નડતરરૂપ હોય ફેરવવામાં આવેલ જેનો સમાવેશ મુળ એસ્ટીમેટમાં કરવામાં આવ્યો નથી.

ખોદાણ કામ, કોંક્રીટ કામ, સ્ટીલના જથ્થામાં વધારા અને આર.સી.સી. નવ સ્લેબ કલ્વર્ટ, ડ્રેનેજ પાઇપલાઇન, પ્રી સ્ટ્રેસ ગર્ડરની કામગીરીના લીધે ખર્ચમાં રૂ.14.89 કરોડનો વધારો થયેલ છે જે મુજબ આ કામનું રીવાઇઝ્ડ એસ્ટીમેઇટ રૂ.99,61,00,000 થાય છે એટલે 17.58%નો વધારો થયેલ છે.

ટેન્ડર શરત મુજબ આ કામે સીમેન્ટ, સ્ટીલ તથા આસ્ફાલ્ટની આઇટમ માટે પ્રાઇઝ એસ્કેલેશન, ઓલ ઇન્ડીયા એવરેજ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ભારત સરકારશ્રી, ઇકોનોમિક એડવાઇઝર, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ઓફીસ, ન્યુ દિલ્હી દ્વારા પબ્લીશ) મુજબ આપવાનું થાય છે જે રકમ રૂ.10.06 કરોડ થશે.

મૂળ પ્રોજેક્ટ ખર્ચમાં રૂ.24,95,98,459/- વધારા સાથે રિવાઇઝડ ખર્ચ રૂ.109,67,00,000/- થશે જે મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ કરવામાં આવી છે.

આ ઉપરાંત આવતીકાલે કોર્પોરેશનની મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 54 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

વોર્ડ નં.11, 12, અને 18માં વિકાસ કામો માટે રૂ.35.59 કરોડ ખર્ચાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોર્પોરેશનના ભાજપના શાસકો હવે શહેરના તમામ વોર્ડ પર રિતસર વરસી રહ્યા છે. વોર્ડ નં.11, વોર્ડ નં.12, વોર્ડ નં.18માં પાણી, રોડ-રસ્તા, આંગણવાડી સહિતના અલગ-અલગ પ્રાથમિક સુવિધાના વિકાસ કામો માટે રૂ.35.59 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.11માં મોટા મૌવા તથા આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ માટે ડીઆઇ પાઇપલાઇન નાખવા રૂ.11.82 કરોડ આજ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન માટે વધુ 8.91 કરોડ, આર્યલેન્ડ રેસિડેન્સી, અંબિકા ટાઉનશીપ પાસે ડીઆઇ પાઇપલાઇન નાખવા માટે રૂ.58 લાખ અને અંબિકા ટાઉનશીપ તથા જીવરાજ પાર્કના આંતરિક રસ્તામાં પેવર કાર્પેટ કરવા માટે રૂ.2.40 કરોડ સહિત રૂ.23.71 કરોડ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.18માં સાંઇબાબા સર્કલથી રેલ્વે ટ્રેક સુધી સ્વાતિ પાર્કમાં 24 મીટર રોડનું મેટલીંગ કરવા રૂ.1.36 કરોડ, વોર્ડમાં સાત સ્થળે નવી આંગણવાડી બનાવવા રૂ.70 લાખ, કોઠારીયામાં ટીપી-12માં આવેલ લીજ્જત પાપડથી સ્વાતિ હાઇરાઇઝ મેઇન રોડ, સ્વાતિ ઇએસઆરથી નેશનલ હાઇવે તથા રામનગર 12 મીટર ટીપી રોડ પર મેટલીંગ કરવા રૂ.1.12 કરોડ, કોઠારીયામાં માધવ રેસિડેન્સીમાં મેટલીંગ કરવા માટે રૂ.26 લાખ રૂપિયા, વોર્ડની અલગ-અલગ સોસાયટી કે જ્યાં મેટલીંગનું કામ પૂર્ણ થઇ ગયું છે ત્યાં ડામર કરવા માટે રૂ.3.56 કરોડ સહિત રૂ.7 લાખ મંજૂર કરવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.12માં પુનિતનગર-80 ફૂટ રોડ શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર સહિતના વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન નેટવર્કના કામ માટે રૂ.4.88 લાખ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

રામવનમાં ચાર હાઇમાસ્ક ટાવર લગાવાશે 11 સ્ટેચ્યૂ એલઇડીથી ઝગમગશે

Untitled 2 55

શહેરની ભાગોળે ડેમ પાસે કોર્પોરેશન દ્વારા એક નવું જ ફરવા લાયક સ્થળ રામવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. દરમિયાન રામવનમાં ચાર હાઇમાસ્ક ટાવર અને 11 સ્ટેચ્યૂ પર એલઇડી લાઇટ મૂકવા સહિતના ઇલેક્ટ્રીક કામ માટે તથા ઓપરેશન મેઇન્ટેશનનો કોન્ટ્રાક્ટ આપવા માટે રૂ.1.39 કરોડનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કામનું કુલ એસ્ટીમેન્ટ રૂ.1.55 કરોડનું હતું. દરમિયાન 9.90 ટકા ડાઉન સાથે ભાવ આવ્યા છે. કામ પરેશ રાદડિયા નામના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.