Abtak Media Google News

પ્રોજેકટ લાયન સિંહને ‘રાજા’ બનાવી દેશે!

૯૮ કરોડના ખર્ચે હોસ્પિટલની સાથો સાથ સિંહોને થતી બિમારીનું પણ નિવારણ ત્વરીત કરવા સરકાર પ્રયત્નશીલ

ભારતભરમાં વન્ય વિસ્તારોને વધુને વધુ વિકસિત કરવા અને વન્યજીવોની સારસંભાળ લેવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેમાં પ્રોજેકટ ટાઈગર અને પ્રોજેકટ એલીફન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પ્રોજેકટ ટાઈગર અભિયાનને હાથ ધરતાની સાથે જ ટાઈગરની સંખ્યામાં અનેકગણો વધારો નોંધાયો હતો ત્યારે સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિતે વડાપ્રધાન મોદીએ પ્રોજેકટ લાયન અભિયાનને શરૂ કરવાની જાણ કરી છે જે માટે ગીરના સાવજોની પૂર્ણત: સારસંભાળ લેવામાં આવશે અને સહેલાણીઓમાં પણ વધારો જોવા મળશે. પ્રોજેકટ લાયન અંતર્ગત એશિયાટીક સિંહોની વસ્તી કેવી રીતે વધારી શકાય તે દિશામાં કાર્યો પણ હાથ ધરવામાં આવશે. સરકાર પ્રોજેકટ લાયન અંતર્ગત ઉચ્ચ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરશે અને સાવજોના સ્વાસ્થ્ય અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

Modi 1

વડાપ્રધાન મોદીનાં જણાવ્યા અનુસાર પ્રોજેકટ લાયન અંતર્ગત ૯૮ કરોડનાં ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે અને સાવજોને લાગતી બિમારીઓનું પણ ત્વરીત નિવારણ કરાશે. હાલ ગીરમાં સ્થાયી થયેલા આશરે ૩૦ હજાર સ્કવેર કિલોમીટરમાં વસતા સાવજોની ડણક આવનારા સમયમાં ગીર પુરતી જ સીમિત નહીં રહે. ગત પાંચ વર્ષમાં સાવજોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે જેમાં વર્ષ ૨૦૧૫માં સાવજોની સંખ્યા ૫૨૩ રહેવા પામી હતી તે વધી વર્ષ ૨૦૨૦માં ૬૭૪ થઈ છે. વિશ્ર્વભરમાંથી સહેલાણીઓ ગીરના સાવજોના દર્શર્ને આવતા હોય છે. પ્રોજેકટ લાયન યોજના અમલી બનતાની સાથે જ ઘણાખરા ફેરફારો પણ જોવા મળશે જેમાં ઈકો સેન્સેટીવ ઝોનની હદમાં વધારો પણ કરાશે. હાલ સાવજો માટે તેના અસ્તિત્વને ટકાવવા માટેનો પ્રશ્ર્ન સતાવી રહ્યો છે. ઈકો સેન્સેટીવ ઝોનનાં કારણે જે ખોરાક સાવજોને મળવો જોઈએ તે પહેલા મળતો ન હતો પરંતુ હવે ઈકો સેન્સેટીવ ઝોનની હદ વધારવામાં આવશે તો તે માટેની વ્યવસ્થા પણ ઉભી થશે.

વિશ્ર્વભરમાંથી સહેલાણીઓ એશિયાટીક સાવજોના દર્શનાર્થે ગીર અભ્યારણ્ય તથા તેની આજુબાજુના વિસ્તારોમાં સિંહ દર્શને આવતા હોય છે પરંતુ પ્રોજેકટ લાયન અંતર્ગત ઘણા ફેરબદલ પણ જોવા મળશે. સરકાર દ્વારા સિંહોની જાળવણી માટે ગ્રાન્ટની પણ ફાળવણી કરાશે અને સામે સરકારને સહેલાણીઓ તરફથી મળતી આવકમાં પણ વધારો થશે. હાલનાં તબકકે સાવજોમાં જે બિમારીઓનું પ્રમાણ જોવા મળે છે તેનો ઉપચાર અપુરતા ઈન્ફ્રાસ્ટ્રકચરનાં કારણે થઈ શકતો નથી પરંતુ પ્રોજેકટ લાયન અંતર્ગત સિંહોની જાળવણી માટે ઘડમુળથી ફેરફાર કરવામાં આવશે. વન્ય અધિકારીના જણાવ્યા અનુસાર સિંહોની જાળવણી કરવા માટે અને પ્રોજેકટ લાયનને અમલી બનાવવા માટે ખુબ વધુ પ્રમાણમાં નાણાની જરૂરીયાત ઉભી થશે જે માટે સરકારે મદદ પણ કરવી પડશે તેમ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

ગીર વિસ્તારમાં સાવજોના મૃત્યુ બાદ યુનિયન ફોરેસ્ટ મિનિસ્ટ્રીની ટીમ દ્વારા ગીર અને ધારીની મુલાકાત લેવામાં આવી હતી અને સાવજોના મૃત્યુ અંગે માહિતી પણ એકત્રિત કરી હતી. આ મુલાકાત બાદ યુનિયન ફોરેસ્ટ મિનિસ્ટ્રીએ સરકારને જણાવતા કહ્યું હતું કે, જે રીતે પ્રોજેકટ ટાઈગરને અમલી બનાવવામાં આવ્યો છે એવી જ રીતે પ્રોજેકટ લાયનને પણ અમલી બનાવવો જોઈએ જેથી સાવજોના સ્વાસ્થ્યને લઈ ખુબ જીણવટભરી કામગીરી હાથ ધરી શકાય અને તેની જાળવણી પણ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.