Abtak Media Google News

હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટને પૂરો કરવા માટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ૨૦૨૨ની ડેડલાઇનને ધ્યાને લઈને કેબિનેટમાં મહત્વની ચર્ચા

એનર્જી પાર્કમાં રોકાણ ૧.૩૫ લાખ કરોડને આંબે તેવી શકયતા  પાર્કના પાયા નાખવા ખુદ વડાપ્રધાન આવે તેવી પણ સંભાવના

રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં સોલર અને વિન્ડ પાર્કના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બનાવી છે. પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)એ છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ પર નજર રાખી રહી છે. જેથી ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રોજેકટ માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રોજેકટ માટે ૬૦ હજાર હેકટર જમીન ફાળવવામાં આવી છે.

કચ્છમાં આ સોલર અને વિન્ડ પાર્ક પ્રોજેક્ટ ૪૧,૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. પીએમઓએ આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે ૨૦૨૨ની ડેડલાઇન આપી છે.

આ એનર્જી પાર્ક ૧.૩૫ લાખ કરોડના રોકાણને આકર્ષે તેમ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનના અત્યંત મહત્ત્વના રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા પ્રોજેક્ટમાં એક છે. તેઓ પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશન) સિસ્ટમ દ્વારા તેના પર માસિક ધોરણે નજર રાખી રહ્યા છે.એવું પણ જાણવા મળ્યું છે કે ન કચ્છ હાઇબ્રિડ રિન્યુએબલ પ્રોજેક્ટનો પાયો નાખવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.

અધિકારીઓની ઉચ્ચસ્તરીય સમિતિએ તેમા પાંચ કંપનીઓ માટે જમીન ફાળવણીને મંજૂરી આપી હતી આ ડ્રાફ્ટ એલોકેશન પ્લાન રાજ્યના મંત્રીમંડળ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. બાદમાં ગઇકાલની કેબિનેટમાં આ જમીન ફાળવણીને મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં એસઇસીઆઇ (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), એનટીપીસી, જીઆઇપીસીએલ, જીએસઇસી, અદાણી પાવર અને સુઝલોનને ૨૩,૦૦૦ મેગાવોટ, ૫,૦૦૦ મેગાવોટ, ૨,૫૦૦ મેગાવોટ, ૩,૫૦૦ મેગાવોટ અને ૪,૦૦૦ મેગાવોટના સોલર અને વિન્ડ પાવર જનરેશન પ્રોજેક્ટ માટે જમીન મળી શકે છે.તેવું જાણવા મળ્યું છે.

આ હિલચાલની નજીકની જાણકારી ધરાવનારાએ જણાવ્યું હતું કે સરકારે કચ્છમાં આ અક્ષય ઊર્જા પાર્ક માટે પ્રસ્તાવિત જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવાનું નક્કી કર્યુ છે. એક સાથે લગભગ ૬૦,૦૦૦ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ સૌથી મોટો અક્ષય ઊર્જા પાર્ક હશે અને તે દેશનો સૌથી મોટો પાર્ક હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.