Abtak Media Google News

લોક દરબારમાં મહિલાઓએ આંસુ સાર્યા

રાજકોટ શહેરની પ્રજાને વ્યાજંકવાદમાંથી મુક્તિ અપાવવા શરૂ કરાયેલી ઝુંબેશ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોનો સામનો કરી રહેલા અરજદારો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે દરેક પોલીસ મથક હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓને લગતા પ્રશ્નો અંગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં આવેલી મહિલાઓ પોતાની આપવીતી વર્ણવતા લોક દરબાર સંવેદનાસભર બની ગયો હતો. અનેક મહિલાઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આપવીતી વર્ણવતા ધ્રુસકે – ધ્રુસકે રડી પડી હતી.

મહિલાઓને લગતા પ્રશ્નો અંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અરજદારોની સમસ્યાઓ જાણવા તેમજ નિકાલ માટે પોલીસે તૈયારીઓ કરી હતી. લોક દરબારમાં મહિલાઓને આપવામાં આવતી સહાય અંગે પણ મહિલાઓને અવગત કરવામાં આવી હતી.

લોક દરબારમાં ડીસીપી પૂજા યાદવ, એસીપી આર એસ બારીયા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. જણકાત, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર સહિતના હાજર રહ્યા હતા.

 Screenshot 5 13 અશ્લીલ વીડીયો જોઈ જધન્ય કૃત્ય આચરનાર શખ્સ સામે પગલાં લેવા પીડિતાએ પોલીસ સ્ટેશનમાં જ આંસુ પાડ્યા

લોક દરબારમાં આવેલા એક પીડિતાએ જણાવ્યું હતું કે, મોરબીના વીનેશ સવસેટા નામનો શખ્સ અગાઉ મિત્રના લીધે સંપર્કમાં આવ્યો હતો. જે બાદ સોશ્યલ મીડિયામાં વાતચીત થતા મિત્રતા કેળવાઈ હતી. જે બાદ અવાર નવાર આ શખ્સે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. મામલાની અરજી અગાઉ રાજકોટ ખાતે કરતા ઝીરો નંબરથી અરજ મોરબી મોકલવામાં આવી હતી. જ્યાં પોલીસે બંને વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતું. જે બાદ આ શખ્સે અશ્લીલ વિડીયો જોઈને મહિલા સાથે વારંવાર શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પ્રતિકાર કરતાં આરોપી દ્વારા મારકુટ કરવામાં આવે છે અને ધમકી આપવામાં આવે છે. ન્યાયની માંગ સાથે પીડિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

Screenshot 6 10

તેં બાળકીને જન્મ આપ્યો છે જેથી અમારે સમાજમાં નીચું જોવું પડ્યું: પતિ-સાસરિયાનો અસહ્ય ત્રાસ

લોક દરબાર દરમિયાન 15 દિવસની બાળકી સાથે આવેલી એક મહિલાએ પોતાની આપવીતી વર્ણવી હતી કે, હજુ મારી બાળકીના જન્મને ફક્ત 15 દિવસ થયા છે. બાળકીના જન્મ પૂર્વે મારા પતિ દશરથ લઢેરે મારી સાથે વારંવાર મારકુટ શરૂ કરી દીધી હતી. સાસરિયા પણ મને અવાર નવાર ત્રાસ આપતા હતા. હું મારકુટ કરવાનું કારણ પૂછું તો ’બીજી મહિલાને ઘરે બેસાડવી છે અને તું હવે નથી જોઈતી’ તેવું કહીને મને માર મારવામાં આવતો હતો.

જેના લીધે હું મારા પિયર આવી ગઈ હતી પરંતુ તેમ છતાં હવે મારા નાના ભાઈને ધમકીઓ આપે છે. મારો પતિ રાત્રે આવીને વારંવાર હેરાન પરેશાન કરે છે. મેં બાળકીને જન્મ આપ્યો તેનાથી મારા સાસરિયાઓને નીચું જોવું પડે છે તેવું કહીને મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ન્યાયની માંગ સાથે આવેલી મહિલાએ તેને તેના સાસરિયાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અરજ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.