Abtak Media Google News

કાલે ૧૩ કલાક અને ૨૭ મિનિટનો દિવસ

જેઠ વદ ચોથને શુક્રવાર તા.૨૧/૬/૨૦૧૯નો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સુર્યોદય સવારનાં ૬:૦૪ કલાકે અને સુર્યઅસ્ત સાંજે ૭:૩૨ કલાકે છે. આમ ૧૩ કલાક અને ૨૭ મીનીટનો દિવસ રહેશે. આ દિવસથી વર્ષાઋતુનો પ્રારંભ થશે અને સાથે દક્ષિણાયનનો પણ પ્રારંભ થશે ત્યારબાદ દિવસ નાનો થવાની શરૂઆત થશે અને રાત્રી મોટી થવા લાગશે. તા.૨૧/૧૨/૨૦૧૮ થી ઉતરાયન શરૂ થયેલા આ દિવસે વર્ષની સૌથી લાંબી રાત્રી હતી. ત્યારબાદ દિવસ મોટો થવાની શરૂઆત થયેલી. આમ દક્ષિણાયનમાં રાત્રી મોટી હોય છે અને ઉતરાયનમાં દિવસ મોટો હોય છે. આપણે પૃથ્વીવાસીઓને ઉતરાયન અને દક્ષિણાયનના લીધે જ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુનો અનુભવ થાય છે.

આપણું હિન્દુ પંચાગ દુનિયાનું સૌથી પ્રાચીન પંચાગ છે. જયારે દુરબીનની શોધ નોહતી થયેલી ત્યારે પણ આપણા ઋષિમુનીઓએ આપણા પંચાગનું દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ગણિત શોધી કાઢેલું. આપણા હિન્દુ પંચાગનાં ગણિત પ્રમાણે પોત પોતાના ગામનાં સુર્યોદયથી દિવસની શરૂઆત થાય છે. એટલું સુક્ષ્મ ગણિત હજારો વર્ષથી આપણી પાસે છે. જયારે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે રાત્રીનાં ૧૨ વાગ્યાથી જ બધી જ જગ્યાએ દિવસ ચાલુ થાય છે.

આમ તે ખામી ભરેલું ગણાય. આપણુ હિન્દુ પંચાગ આકાશ સાથે સીધો સંબંધ ધરાવે છે. દાખલા તરીકે જયારે આપણા પંચાગમાં પુનમ હોય ત્યારે આકાશમાં પુનમનો ચંદ્ર દેખાય છે. જયારે અમાસ હોય ત્યારે સાવ ચંદ્ર દેખાતો નથી પરંતુ અંગ્રેજી પંચાગ પ્રમાણે આ બધુ અશકય છે.

બીજી રીતે જોતા અમાસ હોય ત્યારે રાહુનાં કારણે સુર્યગ્રહણ થાય છે અને પુનમ હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પરંતુ અંગ્રેજી પંચાગમાં અમાસ અને પુનમ આવતા જ નથી. આમ આપણું હિન્દુ પંચાગ ભારતનું તો નહીં પરંતુ દુનિયાનું શ્રેષ્ટ પંચાગ છે તેમ શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.