Abtak Media Google News

સમુદ્ર માર્ગે દ્વારકાનું પ્રવેશ દ્વાર ગણાતું અને પ્રકૃતિની અદભૂત છટાનું દર્શન કરાવતું સ્થળ તે દ્વારકાનું સમુદ્રની વચ્ચે આવેલું ભડકેશ્ર્વર મહાદેવનું પ્રાચીન શિવમંદિર સમુદ્રની જળરાશીથી ઘેરાયેલા કોઈ ધ્યાનમગ્ન ઋષિમૂનિ જેવા લાગતા આ દિવ્ય શિવાલયમાં ભાવપૂર્વક શિવજીની પૂજા અર્ચના થાય છે. મહાશિવરાત્રીનાં દિવસે અહી પરંપરાગત રીતે મહોત્સવ અને લોકમેળાનું પણ આયોજન થતું હોય છે. સાધક, ભકત કે પ્રકૃતિ પ્રેમીએ અહિં સ્વાભાવિક લાગી જતા ધ્યાનની અનૂભૂતિ કરવા, જીવ અને શિવની એકતાનો અનુભવ કરવા અને ચોતરફ ફેલાયેલા કેસરીયા પથ્થરો તથા અફાટ સમુદ્રની લહેરોની છાલક લેવા આ શિવાલયની મુલાકાત લેવા જેવી છે. એક એવી માન્યતા છે કે, ખડક શબ્દ પરથી અપભ્રંશ થઈ ભડક થયું હશે અને તેના ઉપરથી ભડકેશ્ર્વર નામ પડયું હશે. સમુદ્રમાં ઉંચા ખડકના ટેકરા ઉપર આ‚ઢ થયેલા આ ભડકેશ્ર્વર શિવાલય દર્શનીય છે. અને અનેકની શ્રધ્ધાનું કેન્દ્ર છે. મંદિરના પગથીયા ચઢતા બહુરંગી દરિયાઈ વનસ્પતિ, સુંદર પરવાળા તથા રંગેરંગી માછલીઓનું સૌદર્ય અહી ચોતરફ જોવા મળે છે. કદાચ પ્રાચીનકળમાં અહિં ધરતીકંપો કે ત્સુનામી આવ્યા હશે. જેના ફળ સ્વરૂપે અહી ઠેર ઠેર ખડકો વિખરાયેલા પડયા છે. અહી અરબી સમુદ્ર પરથી વહેતા ઠંડા પવનના સુસવાટા સાથે ફરકતી મંદિરની ધ્વજાને કારણે જાગતો એક અદભૂત નાદ સાધકના હૃદયને એવી જ એક અદભૂત અનૂભૂતિ કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.