Abtak Media Google News

Table of Contents

પડધરીમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજને ‘કવિ દાદ’નું નામ આપ્યું તેનો કવિ દાદ પરિવાર દ્વારા 30 એપ્રિલે ઋણ સ્વીકાર કરાશે

પડધરી ખાતે યોજાનાર ભવ્ય લોકડાયરા કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ: સર્વે જનતાને કવિ દાદ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ કવિશ્રીના જીવન પર આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન, મૂર્તિનું અનાવરણ, લોક ડાયરો સહિતના કાર્યક્રમોની વણઝાર

સરકારના ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત કલાકારો પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, બિહારી હેમુ ગઢવી, કીર્તીદાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા,રાજભા ગઢવી, હરેશ ગઢવી, દેવરાજ ગઢવી, અનુભા ગઢવી, પ્રદીપ ગઢવી, રાજુભાઈ ગઢવી તથા કવિશ્રી દાદ ના સુપુત્ર જીતુ “દાદ” ગઢવી રમઝટ બોલાવશે

કવિ દાદની સ્મૃતિમાં સરકારે રાજકોટના પડધરી માં આવેલ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજને કવિ દાદનું નામ આપ્યું છે.કવિ દાદના પરિવાર માટે આ ગૌરવવંતી ક્ષણ છે ત્યારે આ ઘટનાના ઋણ સ્વીકાર માટે કવિશ્રી દાદ પરિવાર દ્વારા શબદ સંભારણા” શ્રધાંજલિ લોક ડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ-પડધરી ખાતે તારીખ 30 એપ્રિલ 2023 નાં રોજ સાંજે 07.30 વાગ્યે પડધરી કોલેજ ખાતે કરવામાં આવેલ છે. આ તકે કોલેજની લાઈબ્રેરીમાં કવિશ્રી ના જીવન પર આધારિત પ્રદર્શનનું ઉદ્દઘાટન તથા કવિશ્રીની પ્રતિમાનું અનાવરણ મહાનુભાવોના હસ્તે થશે.

‘કવિ શ્રી દાદ’ નો જન્મ હાલના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરીયા (ગીર) ખાતે ઈ.સ.1940 માં ખેડૂત પરિવારમાં થયેલ. આ ગામ આજથી પોણા બસો વર્ષ પહેલા જુનાગઢ રાજ્ય દ્વારા કવિશ્રી ના પૂર્વજોને રાજકવિ દરજ્જે જાગીરમાં મળેલ. ‘કવિશ્રી દાદ’ ના પિતાશ્રી નું અવસાન થયું ત્યારે કવિશ્રીની ઉંમર માત્ર બાર વર્ષની હતી. આથી ખુબ નાની વયે કુટુંબના નિવાહ ની જવાબદારી તેઓ ઉપર આવી પડેલ હતી. કવિતાના સંસ્કાર તેઓને જન્મજાત મળેલા. તેઓના દાદીમા પૂજ્યશ્રી મનુબામાં ખુબ સારા કવયિત્રી હતા. કવિશ્રી ને કાવ્ય રચનાની પ્રેરણા તથા આર્શીવાદ દાદીમાં મનુબામાં પાસેથી મળેલા.

આમ માત્ર બાર વર્ષની ઉંમરે એક ખભે હળ અને બીજા ખભે કાગળ કલમ નો ખડિયો લઇ કવિશ્રીએ કાવ્યયાત્રા શરુ કરી હતી. તેમનું કાવ્ય ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ખુબ યુવાન વયે લખાયેલું, જેની પ્રસદ્ધિ હરદ્વારમાં સ્વામીશ્રી આનંદ સુધી પહોંચેલી. સ્વામી આનંદે પત્ર લખી કવિશ્રી સાઈ મકરંદને પુછેલ કે આ રચનાના કવિ કોઈ દાદલ નામના સંત છે તેમનો સંપર્ક આપો. જવાબમાં કવિ મકરંદે જણાવેલ કે આ કોઈ સંત મહાત્મા નથી, પરંતુ નાવયુગનો ચારણ કવિ છે. આમ અજાણતા જ કવિશ્રીના પગમાં સંત દાદલ” ના નામની બેડીઓ પડી ગયેલ. ઇશ્વરિયાના વસવાટ દરમ્યાન જ ગીત કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો રચાયું જે વશ્વિના સીમાડા વળોટી ગયું.

વર્ષ 1965માં ઈશ્વરીયા ગામ છોડ્યું,પડધરી તાલુકામાં સ્થાયી થયા

સન 1965 માં નિયતીક્રમે તેઓએ ઈશ્વરીયા ગામ છોડ્યું અને તેઓ પડધરી તાલુકાના મોસાળના ધુનાનાગામ ખાતે ખેતીની જમીન ખરીદ કરી સ્થાયી થયા. આમ હાલાર ભૂમિના આ વસવાટ દરમ્યાન તેઓની કલમ પુરબહારે ખીલી. આજ અરસામાં તેઓના કાવ્યસંગ્રહો ટેરવા, બંગ બાવની વગેરે રચાયા. 1971 ના યુધ્ધના વીરોના સાહસ અને સંર્ઘષની કથા આલેખતી બંગ બાવની રચનાનું એક લાખ નકલો વહેચાય. જેનું ભંડોળ કવિ શ્રીએ બાંગ્લાદેશના નિરાશ્રીતોને અર્પણ કર્યું.

Screenshot 5 25

કવિશ્રી દાદની રચના અનેક,કોરોનામાં પુત્રના અવસાન બાદ 13માં દિવસે કવિ દાદે દેહ છોડ્યો

કવિની રચના લછનાયન,ચતિહર નું ગીત તથા ટેરવા સંગ્રહના ભાગ બે અને ત્રણ પણ રચાયા. કવિશ્રી પોતે પણ લોક ડાયરાના ફોરમેટમાં પ્રસ્થાપન કરનારા અગ્ર કલાકાર હતા. અને ડાયરાની દુનિયામાં એમને મંચ પરથી શ્રોતાઓને ડોલાવ્યા હતા.

સન 2021ના વિકરાળ કોરોના કાળમાં કવિશ્રી ના યુવાન પુત્ર મહેશનું અવસાન થતા તેના આઘાતમાં અન્નજળનો ત્યાગ કરી તેરમાં દિવસે તારીખ 26 એપ્રલિ 2021ના રોજ કવિ દાદ એ દેહત્યાગ કરેલો.સમગ્ર કલાકાર જગત શોકમગ્ન બન્યું હતું.

ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખી શ્રેષ્ઠ ફિલ્મ ગીતકારનો એવોર્ડ પ્રાપ્ત કર્યો, શ્રેષ્ઠ પદ્મશ્રી પણ મેળવ્યો

કવિ દાદનું પ્રદાન ફિલ્મ ક્ષેત્રે પણ હતું અને અને તેમણે સોળ જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખેલા અને શ્રેષ્ઠ ફિલ્મ ગીતકારનો એર્વોડ પણ મેળવેલ. આ સિવાય તેઓને પ્રતિષ્ઠિત કવિ કાગ એર્વોડ, લોક ગાયક હેમુ ગઢવી એર્વોડ,ગુજરાત ગૌરવ સન્માન વગેરે રાજકીય તથા સામાજકિ સન્માનો મળેલ અને સન 2021 માં કવિશ્રી ની હયાતીમાં ભારત સરકારનો પદ્મશ્રી એર્વોડ પણ મળેલો.

પડધરી ખાતે કેન્દ્રીય અનેરાજ્ય મંત્રીઓની વિશેષ ઉપસ્થિત: પૂ.મોરારી બાપુ હાજર રહી આશીર્વચન આપશે

પડધરી કોલેજ ખાતે કવિશ્રી દાદ પરિવાર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે – ભારત સરકારના ડેરી અને પશુપાલન વિભાગના કેન્દ્રિય મંત્રી પુરસોતમ રૂપાલા તથા યુવક સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ કેબેનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરિયા, સંજય કોરડીયા વગેરે મહેમાનો હાજરી આપશે. કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુ ઉપસ્થિત રહી આશિર્વચન આપશે.

રવિવારે શ્રદ્ધાંજલિ લોકડાયરામાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોની રમઝટ બોલાવશે

પડધરી ખાતે યોજાનાર આગામી 30 એપ્રિલના રોજ શ્રદ્ધાંજલિ લોકડાયરાના કાર્યક્રમમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, શ્રી બિહારી હેમુ ગઢવી, શ્રી કીર્તીદાન ગઢવી, શ્રી ધીરૂભાઈ સરવૈયા,શ્રી રાજભા ગઢવી, શ્રી હરેશ ગઢવી, શ્રી દેવરાજ ગઢવી, શ્રી અનુભા ગઢવી, શ્રી પ્રદીપ ગઢવી, શ્રી રાજુભાઈ ગઢવી તથા કવિશ્રી દાદ ના સુપુત્ર જીતુ “દાદ” ગઢવી કવિ દાદ ના કાવ્યો થકી લોકડાયરા સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.આ કાર્યક્રમમાં હાજર રહેવા કવિ શ્રી દાદ પરિવારનું જાહેર જનતાને નિમંત્રણ છે.

Screenshot 6 18 કવિ દાદ કવિતા લખતા તે સ્વરબઘ્ધ થઇને જ આવતી: બિહારીદાન ગઢવી

બિહારીદાન ગઢવીએ કવિ દાદ સાથેની યાદો વાગોળી હતી. હેમુ ગઢવીનો પરિવાર દાદ પરિવાર સાથે ઋણાનુબંધથી જોડાયેલો છે. બિહારીદાન ગઢવી કવિ દાદ સાથેના તેના બાળપણના સંસ્મરણો વાગોળતા જણાવે છે કે , હું મારા બાપુ પાસે બેસીને જ કવિતા શીખ્યો છું. દાદ બાપુની કવિતાઓ પ0 વર્ષથી ગવાય રહી છે.

દાદ બાપુ કવિતા લખતા તે સ્વરઘ્ધ થઇને જ આવતી હતી. તેમણે ટેરવા સહિતના કાવ્ય સંગ્રહની કેટલીક રચનાઓ ગાઇ સંભળાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હેમુ ગઢવી અને દાદ પરિવાર વચ્ચે અતૂટ નાતો હોવાના નાતે હેમુ ગઢવીના અવસાન બાદ કવિ દાદે તેમના પુત્રોનો વડીલ તરીકે હાથ ઝાલી રાખ્યો હતો. બન્ને પરિવાર વચ્ચેનું સાયુજન્ય આજે પણ નિહાળી શકાય છે.

Screenshot 8 13 દાદબાપુની હાજરીમાં અનેક સ્મૃતિ કાર્યક્રમો થયા હવે કવિ દાદની સ્મૃતિમાં કાર્યક્રમ: રાજેન્દ્ર હેમુ ગઢવી

‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં લોકસાહિત્યનું એક અનમોલ રતન કવિ દાદ વિષય પર તાજેતરમાં કાર્યક્રમ યોજાઇ ગયો.આ કાર્યક્રમમાં કવિ દાદના સુપુત્ર અને જાણીતા લોકનાયક સાહિત્યકાર જીતુદાદ ગઢવી તેમજ અમરલોક ગાયક હેમુ ગઢવીના પુત્રો સુપ્રસિઘ્ધ લોકગાયક તેમજ ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રદેશ અઘ્યક્ષ બિહારીદાન ગઢવી તેમજ નિવૃત ડે. કલેકટર રાજેન્દ્ર હેમુ ગઢવીએ ખાસ ઉ5સ્થિત રહી કવિ દાદ સાથેના સંસ્મરણો વાગોવ્યા હતા. 30 એપ્રિલે પડધરી ખાતે પહ્મશ્રી કવિ દાદની સ્મૃતિમાં યોજાનાર ‘દાદ શબ્દ સંભારણા’ લોકડાયરાને અનુલક્ષીને પણ કેટલીક ચર્ચા કરી હતી. કાર્યક્રમની શરુઆતમાં  કવિ દાદના ઋણ સ્વીકાર અને સન્માનો વિષે વાત કરતા રાજેન્દ્ર હેમુ ગઢવીએ જણાવ્યું હતું કે, વિશ્ર્વના ખુણે ખુણે દાદબાપુનું નામ છે. તેઓને શ્રોતાઓ અને ચાહકોએ તો પ્રેમ આપ્યો જ છે.

પરંતુ વિવિધ સામાજીક સંસ્થાઓ અને શાસનમાં રહેલી સરકારોએ પણ તેઓને સન્માન્યા છે. તેઓને રાજય સરકારનો ગુજરાતી ફિલ્મ સંગીતના શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડ, લોક કલાનો ગૌરવ પુરસ્કાર, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ તથા કવિ કાગની સ્મૃતિમાં કાગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેઓ આગળ જણાવે છે કે અમે નિમિત શોધતા હતા કે દાદ બાપુના સન્માનોના પ્રતિભાવ એક જાહેર મંચ પરથી આપીએ, ત્યાં 2021માં કવિ દાદને પદ્મશ્રી મળતાની સાથે સંયોગ ઉભો થયો, પરંતુ કોરોના કાળ હોવાથી તે પણ અટકી પડયું હતું.

પડધરી તાલુકો કવિ દાદની કર્મભૂમિ રહ્યું હોવાથી ચાહકોએ પડધરીમાં સરકારી વાણિજય વિનયન કોલેજનું નામકરણ કવિ દાદ પર કરવાનું સુચન કર્યુ હતું. જે સરકારે માન્ય રાખી કવિશ્રી દાદ સરકારી વિનયન વાણિજય કોલેજ નામકરણ કરવામાં આવ્યું હતું. સરકારે આટલું મોટું રાજકીય સન્માન આપ્યું તેનો પ્રતિભાવ આપવા માટે  પરિવારના સભ્યોએ આખરે ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવાનું નકકી કર્યુ.જયારે 1965માં હેમુ ગઢવીનું અવસાન થયું ત્યારે રાજેન્દ્રભાઇ ગઢવી અને તેમના ભાઇઓ ઘણા નાના હતા. ત્યારે વર્ષોના કવિ દાદ સાથેના હેમુ ગઢવીના જુના નાતાને લીધે તેમણે બાળકોનો હાથ ઝાલ્યો હતો.

કવિ દાદે પરિવારના વડીલ તરીકે રાજેન્દ્રભાઇ અને તેમના ભાઇને કાર્યક્રમમાં સાથે રાખ્યા અને માર્ગદર્શન આપ્યું ત દિવસો યાદ કરતા તેઓ જણાવે છે કે, પિતાનું અવસાન થયું ત્યારે અમે 10-12 વર્ષના હતા. વડીલે તરીકે સલાહ – સુચન લેવા અમે કવિ દાદ પાસે જતા હતા. તેઓએ રપ વર્ષ સુધી હેમુ ગઢવીના શ્રઘ્ધાંજલી કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. તેમને પૈસા કમાવાની લ્હાય ન્હોતી. કવિ તરીકેની કવિતાને પાંખો આવે, કલાકારોના સ્વમુખે રચનાઓ ગવાઇ અને ચાહકોના હ્રદય સુધી પહોચાડવાના હંમેશને માટે પ્રયત્નો રહ્યા હતા.

તેઓ જણાવે છે કે, કવિ દાદના કંઠે મણીયારો સાંભળવો અનેરો લ્હાવો હતો. સાચા સંગીત સાથે સાચી કવિતા, અસલ ચારણી ઢાળ અને લોક સંગીતના ઢાળમાં કવિ દાદના કંઠે જ સાંભળવા મળતી હતી. તેઓ આકાશવાણી રાજકોટના માન્ય કલાકાર હતા. આજે પણ આકાશવાણીમાં અનેક ગીતો સચવાઇને પડયા છે.અંતે કવિ દાદના ચાહકોને સંદેશ પાઠવતા રાજેન્દ્ર હેમુ ગઢવી જણાવે છે કે દાદ બાપુની હાજરીમાં અનેકના સ્મૃતિ કાર્યક્રમો થયા પણ હવે દાદ બાપુની સ્મૃતિમાં કાર્યક્રમ છે. તેમને સ્મરણ કરવાનો પ્રથમ કાર્યક્રમ છે. કોરોનામાં દેહ અવસાન થતા તેઓની સ્મૃતિમાં શ્રઘ્ધાંજલી કાર્યક્રમ થઇ શકયો નહોતો. એક અવસરની શોધમાં હતા અને એ મળી ગયો. 30 એપ્રિલે પડધરી ખાતે ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટની જનતાને હ્રદયપૂર્વક આવકારીએ છીએ અને આમંત્રણ પાઠવીએ છીએ. કલાકારો તેના હ્રદયની વાણી સાથે દાદ વાણી મેળવી આપણને એવી વાણી સંભળાવશે જે જીવનનું ભાથુ બની રહેશે. આ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થશે.

Screenshot 7 16 ચારણી સાહિત્યનો અભ્યાસ કરાવતા એકેડેમીક સેન્ટર બનાવવાની ઇચ્છા: જીતુદાદ ગઢવી

‘લોકસાહિત્યનું એક અનમોલ રતન કવિ દાદ’ વિષય પર ચર્ચા કરતા કવિ દાદના પુત્ર જીતુદાદ ગઢવીએ અનેક સંસ્મરણો વાગોળ્યા હતા.  જીતુદાદ ગઢવીએ જણાવ્યું હતું કે, 11 સપ્ટેમ્બર 1940 ના રોજ જન્મેલા કવિ દાદના પરદાદા જુનાગઢના રાજ કવિ હતા. તેઓને તેમના દાદી મનુબાના આશીર્વાદ પ્રાપ્ત હતા. કવિ દાદના દાદી મનુબા માં મોગલના પરમ ઉપાસક હતા. વચનસિઘ્ધ હતા. 11 વર્ષની નાની વયથી કવિ દાદ તેમના દાદીને જીવનદાન બાપુનો લખેલો મોગલ માનો છંદ ‘જય જય જુગ ધરણી….’ ગાયને સંભળાવતા આ સાંભળીને  મનુબાએ આશીર્વાદ આપ્યા હતા કે, જાઓ તમે મોટા કવિ થાશો. જયાં સુધી કલમ ચાલી ત્યાં સુધી કવિતા લખતા પહેલા કવિ દાદ ‘જય મનુમા’ લખતા અને પછી શબ્દોની શરુઆત કરતા હતા.

કવિ દાદઅ 11 વર્ષની વયે પ્રથમ વખત તેમના કુળદેવી ચાળકનેચી માતાજી માટે છંદ લખ્યો હતો. અને ત્યારબાદથી કવિતાની ધારા વહી… કવિ દાદ 81 વર્ષની વયે અવસાન પામ્યા હતા. ત્યાં સુધી તેમની કલમ ચાલી હતી.દાદ બાપુની ઇચ્છા હતી કે, પરમોફિંગ આર્ટસને લગતા ઇન્સ્ટીટયુટ ઘણા છે. પરંતુ રંગમંચ લક્ષી, લોક કલા, લોક ગાયન, લોક વાર્તાના પ્રશિક્ષણ માટે પરમોફિંગ ફોક આર્ટસ ઇન્સ્ટીટયુટ બનવું જોઇએ. આજના સમયમાં લોકગીતોમાં સંગીતમાં, શબ્દોમાં ભેળસેળ કરી લોકગીતોના ઢાળ બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં અન્ય પ્રદેશોનું લોક સંગીત આવી ગયું છે.

લગ્નગીત, લોકગીતોના ઢાળમાં સંક્રમણ થઇ રહ્યું છે. આજના યુવાન ગાયકોને મુળ વસ્તુની ખબર નથી. ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય પરંપરાને મજબુત કરવા સંગીત સંસ્થા હોવી જોઇએ તેવી કવિ દાદની ઇચ્છા હતી. તેમના પુત્ર જણાવે છે કે, ચારણી સાહિત્યનો અભ્યાસ કરાવી શકાય તેવું એકેડેમીક સેેન્ટર બનાવવાની ઇચ્છા છે. આ રીતે તેઓ તેમના પિતાની ઇચ્છા પુરી કરવા માંગે છે. જીતુદાન ગઢવીએ દાદ બાપુનો કલા વારસો જાળવી રાખ્યો છે. તેઓ બે અઢી દાયકાથી કવિતાને પાંખો આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.