Abtak Media Google News

શાપર માં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત: પરિવારમાં કલ્પાંત

પડધરીના તરઘડી ગામે ખેત મજૂરી અર્થે આવેલા કુતિયાણાના બોરદર ગામના વૃદ્ધને મધ માખીઓના ઝુંડે ડંખ મારતા વૃદ્ધનું ઝેરી અસર થતા મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ કુતિયાણાના બોરદર ગામના વતની અને પડધરીના તરઘડી ગામે ખેત મજૂરી કરતા જેઠાભાઇ કરશનભાઇ ઓડેદરા નામના 70 વર્ષના વૃદ્ધ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં વાડીએ ઝાડ નીચે બેઠા હતા. ત્યારે મધ માખીઓ કરડી જતા વૃદ્ધને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે જેઠાભાઇ ઓડેદરા પોતાની વાડીએ ઝાડ નીચે બેઠા હતા. ત્યારે અચાનક જ મધમાખીનું ઝુંડ તેમને ચોંટી ગયું હતું. જેથી વૃદ્ધે બુમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મધમાખીના ચૂંડમાંથી વૃદ્ધને બચાવી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસ મથકમાં જાણ કરતા પડધરી પોલીસમાં સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક જેઠાભાઈ ઓડેદરાને સંતાનમાં બે પુત્ર અને પુત્રી છે અને વાડીના માલિકે જણાવ્યું હતું કે અગાઉ પણ જેઠા ભાઈને આ રીતે મધમાખી કરડી હતી.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા જીગર પ્રકાશભાઈ યાદવ નામના 24 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.