Abtak Media Google News

કોરોના વાયરસની દરેક ક્ષેત્રે ગંભીર, નકારાત્મક અસરો ઉપજી છે. એમાં પણ જો કોઈ ક્ષેત્રને સૌથી વધુ અસર પહોંચી હોય તો તે છે આર્થિક ક્ષેત્ર. કોરોનાની વૈશ્વિક મહામારીએ નાના અને મધ્યમ વર્ગીય ઉદ્યોગકારોને મોટી પછડાટ આપી છે. આર્થિક સંકટ જેવી સ્થિતિમાંથી ઉદ્યોગકારોને બહાર લાવી ફરી બેઠા કરવા માટે સરકારે ઘણી રાહતો જાહેર કરી છે.

સસ્તા વ્યાજ દરે લોનની સુવિધા તેમજ અન્ય નિયમો હળવા કરી સરકારે બુસ્ટર ડોઝ આપ્યો છે. પણ સરકારે જાહેર કરેલી કરોડ રૂપિયાની સહાય જાણે પાણીમાં ગઈ હોય તેમ સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે  સંસદીય સમિતિએ સરકાર સમક્ષ માંગ કરી છે કે એમ.એસ.એમ.ઈ એટલે કે લઘુ નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે રાહતોનો નવો પટારો ખોલવામાં આવે. કારણ કે જે અગાઉ જાહેરાતો થઇ છે તેનાથી આ નાના ઉદ્યોગકારોને પૂરતો ફાયદો થયો નથી.

કોવિડ રોગચાળાફાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્ર સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને આર્થિક મદદ માટે સરકાર દ્વારા ચાલુ વર્ષે 9.5 લાખ કરોડની રકમ રૂપે લોન આપવામાં આવી હતી. જે 2019-20માં પ્રાપ્ત થયેલા 6.8 લાખ કરોડ કરતા 40% વધારે છે. પરંતુ આ વચ્ચે સંસદીય સ્થાયી સમિતિએ દાવો કર્યો છે કે નાના-મધ્યમ ઉદ્યોગોને સુધારા માટેના આર્થિક પેકેજથી વધારે ફાયદો થયો નથી.

સિડબી અને ટ્રાન્સ યુનિયન સીબીલના ‘MSME પલ્સ’ અહેવાલ મુજબ, ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ (ECLGS)થી MSMEsને ધિરાણમાં મોટો વધારો થયો. દેશના વાણિજ્યિક ક્ષેત્રે માર્ચ 2021 સુધીમાં પ્રાપ્ત કરેલી કુલ ધિરાણ 0.6% વધીને 74.36 લાખ કરોડ રૂપિયા થઈ. જેમાં, MSMEsની લોન બુકનો હિસ્સો 20.21 લાખ કરોડ હતો, જે એક વર્ષ પહેલાની તુલનામાં 6.6% વધારે છે.

કોરોનાની પ્રથમ તરંગમાં, વ્યવસાયિક લોનની માંગમાં 76% ઘટાડો થયો હતો, પરંતુ ધિરાણ ગેરંટી યોજના પછી, જબરદસ્ત વધારો થયો. આ સમયે, ઉદ્યોગ પર સંસદીય સ્થાયી સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, આર્થિક પેકેજ લોન જાહેર કરવામાં આવી હતી જે MSMEને તાત્કાલિક રાહત આપી શકતી નથી. આથી સરકારે નવું ફ્રેશ પેકેજ જાહેર કરવું જોઈએ. ટ્રાન્સ સીબીલમાં કહેવાયું છે કે માર્ચ 2021 સુધીમાં MSME સેક્ટરની એનપીએ 12.6%સુધી પહોંચી ગઈ છે. ડિસેમ્બર, 2020માં તે 12% હતી. આમ, નાના ઉદ્યોગકારોની સહાય માટે સરકારે વધુ રાહતો આપી આર્થિક ગતિવિધિ વધુ તેજ બનાવવા પ્રયાસ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.