Abtak Media Google News

5 ટ્રીલીયન ડોલરના લક્ષ્યાંકને સાંધવા તરફ કવાયત

નિકાસના ‘વિકાસ’ને ઉચ્ચ સ્તરે લઈ જઈ અર્થતંત્રને વધુ મજબુત બનાવવા પર ચર્ચા

કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો પાછળ છોડી ભારતીય અર્થતંત્રની ગાડી પુરપાટ ઝડપે આગળ દોડવા માંડી છે. કરોનાકાળમાં પણ ભારતની વેપાર તુલા મજબૂતાઈભેર ઉભી છે. ઉત્પાદન ક્ષેત્ર વધુ આગળ ધપતા નિકાસ પણ વધી છે. ત્યારે નોંધનીય છે કે મોદી સરકારે 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રનું લક્ષ્યાંક સેવ્યું છે જેને ફળીભૂત કરવા કવાયત હાથ ધરાઈ છે.

ત્યારે આ માટે મહત્વપૂર્ણ પાસાં એવા વિદેશમાં ભારતીય મિશનના વડા, સ્ટેકહોલ્ડર્સ, વેપાર-વાણિજય સાથે સંકળાયેલા આગેવાનો સાથે  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો છે. આજની આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પીએમ મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ માટેનો કોલ આપ્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમમાં ‘લોકલ ગોઝ ગ્લોબલ – મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ’ માટે પ્રધાનમંત્રીએ વાતચીત કરી છે. આ ઇવેન્ટમાં મંત્રી પીયૂષ ગોયલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ જોડાયા હતા. વિવિધ દેશોમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના અન્ય હિસ્સેદારો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. સ્થાનિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો વધારવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું.

એપ્રિલ-જુલાઈ 2021ના ​​સમયગાળાથી નિકાસ સાથે બાબતોમાં સુધારો જોવા મળી રહ્યો છે, જે 130.53 અબજ ડોલર છે, જે 2020 ના સમાન ગાળામાં 73.51 ટકા અને 2019 ના સમાન સમયગાળા દરમિયાન 21.82 ટકા વધ્યો છે. અને હવે એક મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્ય વાણિજ્ય મંત્રાલય દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે 400 અબજ ડોલર નક્કી કરવામાં આવ્યા છે. જેને હાંસલ કરવા તરફ ભાર મુકાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.