Abtak Media Google News

રાજકોટ, કોટડા, પડધરી અને લોધિકા તાલુકામાં જોખમી બોર ખુલ્લા રાખનાર સામે આકરા પગલા ભરાશે

ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ખુલ્લા બોરમાં પડી જવાી બાળકીનું મોત થવાની ઘટનાને પગલે રાજકોટ સિટી પ્રાંત અધિકારી દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડી રાજકોટ, લોધીકા, કોટડા સાંગાણી અને પડધરી તાલુકામાં ખુલ્લા બોર તાકીદે બંધ કરવા આદેશ જારી કરાયો છે અને આદેશનું ઉલ્લંઘન કરનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જાહેર કરાયું છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ખુલ્લા બોરમાં પડી જવાી બાળકીનું મોત નિપજવાની ગંભીર ઘટનાને પગલે રાજકોટ સિટી પ્રાંત અધિકારી જાની દ્વારા ખાસ સુઓમોટો જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જે અંતર્ગત રાજકોટ, લોધીકા,કોટડા સાંગાણી અને પડધરી તાલુકામાં ખુલ્લા જોખમી બોર બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત લગત મામલતદારોને પણ આ મામલે જરૂરી તપાસ કરવા પણ સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં સિટી પ્રાંત અધિકારી જાનીએ જણાવ્યું હતું કે, કોઈપણ ખેડૂત કે ઉદ્યોગકાર જો પાંચ લાખ રૂપિયાનો ખર્ચ બોર પાછળ કરી શકતો હોય તો સ્વાભાવીકપણે જ આવા જોખમી બોરનું ઢાંકણુ બનાવવા માટે રૂ. ૨૦૦-૫૦૦નો ખર્ચ કરી જ શકે છે. ઉપરાંત હાલ વાવણીની સીઝન છે અને પરપ્રાંતિય મજૂરો બાળકો સાથે ખેતરોમાં કામ કરતા હોય ત્યારે આવા જોખમી બોરને કારણે આકસ્મિક ઘટનાઓ ઘટના બાદ તંત્રને પણ દોડધામ વધી જાય છે.

આ સંજોગોમાં બિલીયાળાની ઘટના બાદ સુઓમોટો જાહેરનામુ પ્રસિધ્ધ કરી વાડી, ખેતર કે ઔદ્યોગીક ગૃહોમાં આવેલા તમામ ખુલ્લા અને જોખમી બોર બંધ કરવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેની કડક અમલવારી કરવામાં આવશે અને જો જાહેરનામા બાદ પણ બોર ખુલ્લા રાખવામાં આવશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સિટી પ્રાંત અધિકારી જાનીએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.