Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બિરુદ ધરાવતા દેશમાં લોકશાહીને ટકાવી રાખવા લોકો તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ નોકરી,શિક્ષણ, વેપાર સહિતના મોરચે પોતાના વતનથી દૂર રહેલા લોકો કે જેમને સ્થળાંતરીત મતદાર અથવા લોસ્ટ વોટ તરીકે ગણવામાં આવે છે તેઓ મતાધિકારથી વંચિત રહી જાય છે. ત્યારે દરેક ચૂંટણીમાં સ્થળાંતરીત મતદારો મતદાનથી વંચિત રહેતા 20% મતદાન સાવ એળે જ ચાલ્યું જાય છે. ત્યારે હવે સ્થળાંતરીત મતદારોને પણ મતાધિકાર આપવા ચૂંટણી પંચે રીમોટ વોટીંગ સિસ્ટમ ઘડી કાઢી છે. જે સિસ્ટમ થકી સ્થળાંતરીત મતદારો ગમે તે સ્થળેથી પોતાના વતનમાં મતદાન કરી શકશે.

રીમોટ વોટીંગ મુદ્દે કોંગ્રેસે વિપક્ષી દળોની બેઠક બોલાવી: વિરોધમાં આવવા આહ્વાન કરાયું !!

હવે સ્થળાંતરીત મતદારોને મતાધિકાર આપવા માટે તૈયાર કરવામાં આવેલી સિસ્ટમને લઈને હાલ વિપક્ષો અસમંજસની સ્થિતિમાં આવી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રીમોટ વોટીંગ મશીન ડિજિટલ ઇન્ડિયાને વેગ આપતું પગલું બની જશે પરંતુ વિપક્ષોને હજુ આ મુદ્દે સાયબર સિક્યુરિટી અને હેકિંગ સહિતના મુદ્દે વિશ્વાસ ઉભો થયો નથી. ઉપરાંત ચૂંટણી પંચ સ્થળાંતરીત મતદાર તરીકે કોને ગણશે અથવા તો સ્થળાંતરીત મતદારોની વ્યાખ્યા શું? આ બધા સવાલોને લઈને હાલ વિપક્ષો અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.

સ્થળાંતરીત મતદારોને રીમોટ વોટીંગ થકી મતાધિકાર આપવાના ચૂંટણી પંચના નિર્ણયના વિરોધ કરવાના મૂડમાં રહેલા અનેક વિપક્ષી દળોના નિર્ણય વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે રીમોટ વોટીંગ મશીન અંગે ચર્ચા શરૂ કરી છે.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની ટીપ્પણી બાદ ચૂંટણી મોનીટરીંગ ટીમે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે રીમોટ વોટીંગ અંગે ચર્ચા કર્યા બાદ રીમોટ વોટીંગ મશીનનું પ્રદર્શન પણ કરવામાં આવનાર છે.

ચૂંટણી પંચે રીમોટ વોટીંગ મશીન અંગે ચર્ચા કરવા માટે 8 રાષ્ટ્રીય પક્ષો અને 57 માન્યતા પ્રાપ્ત રાજ્ય સ્તરના પક્ષોને આમંત્રણ આપ્યું છે. ચૂંટણી પંચે આ દિશામાં કહ્યું છે કે, ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત કરાયેલું રીમોટ વોટીંગ મશીન એક સ્ટેન્ડ અલોન ડિવાઇસ છે જે કોઈ પણ પ્રકારે ઈન્ટરનેટથી જોડાયેલું નહીં હોય. ચૂંટણી પંચે અગાઉ કહ્યું હતું કે, આ પગલું સ્થળાંતરીત મતદારો માટે એક સામાજિક પરિવર્તન સાબિત થઈ શકે છે. ચૂંટણી પંચે ઉમેર્યું હતું કે, આ મશીન 72 મતદાન કેન્દ્રો હેન્ડલ કરી શકે છે. જેના લીધે 72 બેઠક પરના મતદારો એક જ મશીન થકી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આરવીએમના ઉપયોગ અને તેના માટે કાયદાકીય ફેરફાર કરવા માટે મંજૂરી આપવાબી દિશામાં આ માસના અંત સુધીમાં લેખિતમાં તેમના વિચારો રજૂ કરવા આહવાન કર્યું છે.

જો કે, મોટાભાગના વિઓક્ષોએ રીમોટ ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન અંગેના ચૂંટણી પંચના પ્રસ્તાવનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આ નિર્ણયને હજુ અપરિપક્વ ગણાવ્યું હતું. દિગ્વિજયસિંહે કોંગ્રેસ પક્ષ દ્વારા બોલાવાયેલી વિપક્ષી દળની મિટિંગમાં આ નિવેદન આપ્યું હતું. આ બેઠકમાં જેડીયુ, શિવસેના, ભાકપા, માકપા,  નેશનલ કોંફરન્સ, ઝારખંડ મુક્તિ મોરચા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

રીમોટ વોટીંગ મુદ્દે વિપક્ષોને એકમત થવા શરદ પવારનું આહ્વાન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે રવિવારે કહ્યું હતું કે ’રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન’  અંગે ચૂંટણી પંચના પ્રસ્તાવ પર વિપક્ષે સામૂહિક નિર્ણય લેવો જોઈએ. પવારે એમ પણ કહ્યું હતું કે કમિશન દ્વારા સોમવારે બ્રીફિંગ પછી જો કોઈ છટકબારીઓ (સિસ્ટમમાં) મળી આવે તો તેના પર પણ વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આરવીએમ મુદ્દા પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી. પવારે પત્રકારોને કહ્યું, મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડ એનસીપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓએ (વિપક્ષે) સામૂહિક નિર્ણય લેવો જોઈએ અને આવતીકાલે (ચૂંટણી) કમિશનરની બ્રીફિંગ પછી જો કોઈ ખામીઓ જણાય તો તેના પર પણ વિચાર કરવો જોઈએ.  આરવીએમ પ્રસ્તાવનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ સિસ્ટમ છે અને જો દેશના લોકોમાં કોઈ શંકા પેદા થાય તો તે યોગ્ય નથી.

આરવીએમનો પ્રસ્તાવ અધૂરો અને અપરિપક્વ: કોંગી નેતા દિગ્વિજયસિંહનું નિવેદન

વિપક્ષે સ્થળાંતરીત મતદારોને તેમના રહેઠાણના સ્થળોએ મતદાન કરવાનો વિકલ્પ આપવા માટે ચૂંટણી પંચના રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના પ્રસ્તાવ પર વિપક્ષોએ પોતાનું વલણ કડક બનાવ્યું છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, મોટાભાગના વિપક્ષી દળોએ પ્રસ્તાવનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તેઓને લાગે છે કે સિસ્ટમમાં અસ્પષ્ટતા અને છટકબારીઓ છે. ચૂંટણી પંચનો પ્રસ્તાવ છે કે જે લોકો રોજગારના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે તેઓને તે જ જગ્યાએ મતદાન કરવાનો વિકલ્પ આપવામાં આવે જ્યાં તેઓ હાલમાં રહે છે. આ માટે રિમોટ ઈવીએમનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસ આરવીએમના પ્રસ્તાવનો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. આ સંદર્ભમાં કોંગ્રેસની પહેલ પર રવિવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં 16 વિપક્ષી પક્ષોની બેઠક યોજવામાં આવી હતી જેથી સોમવારે યોજાનારી ચૂંટણી પંચની

બેઠકમાં વિપક્ષની સામાન્ય રણનીતિ નક્કી કરી શકાય.  આરવીએમનો પ્રસ્તાવ અધૂરો અને અપરિપક્વ છે તેવું દિગ્વિજય સિંહએ જણાવ્યું હતું. બેઠક બાદ દિગ્વિજય સિંહે કહ્યું કે, સ્થળાંતરીત મતદારોની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી નથી. આમાં મોટી રાજકીય વિસંગતતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.