Abtak Media Google News

પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા દ્વારા રાજીનામાંની દરખાસ્ત, નવા પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયા આરૂઢ થાય તેવી શકયતા

ચૂંટણી પૂર્વે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.  પ્રમુખપદેથી અમિત ચાવડાએ અને વિપક્ષ નેતાના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાંની દરખાસ્ત કરી છે.  ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી ભારોભાર નારાજ છે. જેને પગલે મોટા ફેરફારોની શકયતા સેવાઇ રહી છે.

આ નારાજગી હાઈકમાન્ડે બંને નેતાને દિલ્હી બોલાવીને વ્યક્ત કરી હતી. તેના પગલે પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજયની  નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ ધરી દીધુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ચાવડાના રાજીનામાની વાતનો સ્વીકાર કર્યો છે. ચાવડાના  રાજીનામા અંગે ૩૧ ડીસેમ્બર સુધીમાં નિર્ણય લઈ લેવાશે તેમ સાતવે જણાવ્યું છે. ચાવડાના સ્થાને નવા પ્રમુખની પસંદગી પણ ઝડપથી કરી દેવાશે એવો સંકેત તેમણે આપ્યો છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં અર્જૂન મોઢવાડિયાનું નામ ટોપ પર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ એલાન જાન્યુઆરીમાં થઇ શકે છે તે જોતાં હાઇકમાન્ડ વહેલી તકે આ પ્રદેશ પ્રમુખ પદે કોઈ નેતાની નિમણૂક કરી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી દોડી ગયાં છે.

લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને કોંગ્રેસ ખાતુ ય ખોલી શકી ન હતી. કઇંક જ આ જ ્પ્રમાણે, પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકોપર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.

દરમિયાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં આખોય મામલો થાળે પડયો હતો. ત્યાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી લાગી પડયાં છે. પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સતત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું. આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતુંકે, પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ આ વાત રજૂ કરી હતી. પરિણામોની નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામુ આપ્યુ છે.

કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે ખરૂ. સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીના આગમાન પહેલાં જ ચાવડા-ધાનાણીએ રાજીનામુ આપી દેતાં પ્રભારી સાતવ ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિની જાણ કરવા દિલ્હી દોડી ગયા છે. આ તરફ, વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે.

બંને નેતાઓના રાજીનામા રાજકીય સ્ટંટ?

વિધાનસભાની પેટાચૂંટણીમાં કંગાળ દેખાવ બાદ બન્ને નેતાઓ ઉપર પક્ષ દ્વારા એક્શન લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના હતી. પણ હજુ પક્ષ કોઈ એક્શન લ્યે તે પૂર્વે જ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા બન્નેએ સામેથી જ પોતે કસૂરવાર હોય તેવું કહીને રાજીનામાની દરખાસ્ત મૂકી છે. બન્ને નેતાઓના રાજીનામાની દરખાસ્તથી પક્ષ પણ મૂંઝાઈ ગયું છે. આ ખરેખર રાજીનામુ આપવાની તૈયારી છે કે કોઈ રાજકીય સ્ટંટ છે તે હજુ કહી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.